હવસખોરને આજીવન કેદ:ધોરાજીમાં સગીર સાળી પર છરીની અણીએ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને અંતિમ શ્વાસ સુધી જેલની સજા

By Abhishek Raghuvanshi
3 Min Read

ધોરાજીમાં પત્ની સાથે આશ્રિત તરીકે આવેલી સગીર સાળી પર તેના બનેવીએ નજર બગાડી હતી અને છરીની અણીએ સાળીની મરજી વિરુધ્ધ વારંવાર દેહસંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં બે વખત સગીરા ગર્ભવતી બની હતી. જેથી આરોપીએ સગીરાનો બે વખત ગેરકાયદે ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ મામલે ધોરાજીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ સગીરા પર બળજબરીપૂર્વક બદકામ કરનાર આરોપી ઈકબાલ હબીબ કાલીયા મેમણ ઉર્ફે જાદુગરને આજીવન કેદની સજા ફટકારી હતી.

ઈકબાલ છરી બતાવી દુષ્કર્મ આચરતો
સમગ્ર કેસ અંગે ધોરાજી કોર્ટના સરકારી વકીલ કાર્તિક પારેખે જણાવ્યું હતું કે, સગીરાના પિતા મૂળ બિહારના વતની હતા, અને તેમને બે પત્ની તથા સાત બાળક હતા. આર્થિક ભારણ સહન ન થતા તેમણે પોતાની એક પુત્રીને આરોપી ઈકબાલ હબીબ સાથે પરણાવી દીધી હતી અને તેમની સાથે તેની એક બહેન કે જે સગીરા હતી તેને મોકલી હતી. જે બાદ આરોપી ઈકબાલ હબીબ સગીરા સાથે વારંવાર તેની મરજી વિરુદ્ધ દેહસંબંધ બાંધતો અને જો તાબે ન થાય તો છરી બતાવી દુષ્કર્મ આચરતો હતો.

પાડોશી બહેને ફરિયાદ કરવા હિંમત આપી
હદ તો ત્યારે આવી કે સગીરને બે વખત ગર્ભ રહી ગયો હતો. એ વખતે ઇકબાલે સગીરાને દવાઓ ખવડાવીને તેનો ગર્ભપાત કરાવી દેતો.આ સિલસિલો સતત ચાલુ રહેતાં સામાજિક કાર્યકર્તા અને પાડોશી બહેનના ધ્યાનમાં આ હકિકત આવતા તેમણે બાળકીના પિતાને બોલાવી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી અને આરોપી ઈકબાલ હબીબ સામે ફરિયાદ નોંધાવી હતી.

સગીરાનુ કોર્ટ સમક્ષ નિવેદન લેવાયું
પોલીસે 4 જુલાઈ 2020ના અરસામાં ઈકબાલ હબીબની ધરપકડ કરી હતી અને તે જેલમાં હતો.સમગ્ર કેસની તપાસ હાથ ધરી જરૂરી પુરાવાઓ અને ચાર્જ કોર્ટ સમક્ષ રાખી હતી. જે મામલે ધોરાજીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિક પારેખે કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કર્યા હતા તેમજ ભોગ બનનાર સગીરાનુ કોર્ટ સમક્ષ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.

- Advertisement -

બે વખત ગર્ભપાત કરાવવામાં આવ્યો
સરકારી વકીલ દ્વારા દલીલોમાં જણાવેલ કે સગીરા આરોપીના ઘરે આશ્રિત તરીકે આવેલ હોય માત્ર 14 વર્ષની ઉંમરે તેને મોતનો ભય બતાવી સગીરા પર વારંવાર દુષ્કર્મ થયું અને બે વખત તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આટલી નાની વયે સગીરાને માતા બનાવી દીધી હોઈ જેથી આ ઘટના અત્યંત ગંભીર કૃત્ય છે.

ઇકબાલ વિરુદ્ધ સુરેન્દ્રનગર કોર્ટમાં પણ કેસ ચાલ્યો
આ ઉપરાંત આરોપી ઇકબાલ વિરુદ્ધ અગાઉ સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને તેમાં હાલના આરોપીને સજા ફરમાવેલી હતી. તે સજા આરોપીએ ભોગવી પણ હતી. આ કેસમાં પણ અદાલતે આરોપીના ગુના જઘન્ય ગણી વકીલની દલીલ માન્ય રાખી હતી.

આજીવન કેદની સજા ફટકારી
જેથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ કુમાર એમ શર્માએ આરોપી ઈકબાલ હબીબ કાલીયાને ગુનેગાર ઠેરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ રૂપિયા 25000 દંડ ફરમાવ્યો હતો. અને ભોગ બનનારને પોતાનું જીવન પુનઃસ્થાપન કરવા માટે રૂપિયા 12 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપવામાં આવ્યો હતો.

Exit mobile version