MOU થયા હશે તો રદ થશે:ગુજરાત યુનિવર્સિટીમાં લાગેલા IELTSના બેનર મામલે તપાસ શરૂ, ટૂંક સમયમાં રિપોર્ટ આપશે

By Abhishek Raghuvanshi
2 Min Read

ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયેલ IELTS મામલે હવે ગુપ્તરાહે તપાસ શરૂ કરવામાં આવી છે. IELTS શરૂ કરવા MOU થયા છે કે નહીં, તે તપાસ કરવામાં આવશે. MOU થયા હશે તો તે પણ રદ કરવામાં આવી શકે છે. યુનિવર્સિટી દ્વારા 2 અધિકારીઓને આ મામલે તપાસ સોંપવામાં આવી છે, જે ટૂંક સમયમાં રિપોર્ટ આપશે.

યુનિ.ના અધિકારીઓની જાણ બહાર બેનર લાગતા તપાસ
ગુજરાત યુનિવર્સિટીમાં થોડા દિવસ અગાઉ ઠેર ઠેર IELTSના બેનર લાગ્યા હતા, જે મામલે કુલપતિ, રજિસ્ટ્રાર કે એસ્ટેટ અધિકારીને પણ જાણ નહોતી. આ અંગે દિવ્યભાસ્કરે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, એનિમેશન ડિપાર્ટમેન્ટમાં શ્રી હરિ નામની ખાનગી કંપની IELTSનું કોચિંગ સેન્ટર ચલાવી રહી છે. આ કોચિંગ સેન્ટર શરૂ કરવા સિન્ડિકેટ સભ્યોએ જ સીધી મંજૂરી આપી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જો કે, યુનિવર્સિટીના અધિકારીઓની જાણ બહાર બેનર લાગી જતા હવે તપાસ સોંપવામાં આવી છે.

MOUના થયા હશે તો પણ કોચિંગ સેન્ટર બંધ થશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ મામલે ગુપ્તરાહે તપાસ સોંપવામાં આવી છે. યુનિવર્સિટીના 2 અધિકારી દ્વારા IELTSના કોચિંગ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસનો રિપોર્ટ મળતા MOU કરવામાં આવ્યા છે કેમ તે ચકસવામાં આવશે. MOU થયા હશે તો MOU રદ કરવામાં આવશે. MOUના થયા હશે તો પણ કોચિંગ સેન્ટર બંધ કરવામાં આવી શકે છે.

યુનિવર્સિટીમાં નવી લાયબ્રેરી ખાતે કોચિંગ કાર્યરત
શ્રી હરિ નામની ખાનગી કન્સલ્ટન્સી દ્વારા કોચિંગ સેન્ટર ચાલવવામ આવી રહ્યું છે. જેમાં સ્ટુડન્ટ વિઝા માટે 6 મહિનાની 10,000 રૂપિયા ફી લેવામાં આવી રહી છે. PR કે વર્ક પરમિટ માટે રાણીપની બ્રાન્ચ કામ કરી રહી છે. યુનિવર્સિટીમાં નવી લાયબ્રેરી ખાતે કોચિંગ સેન્ટર ચાલી રહ્યું છે, જેની ઓફીસ એનિમેશન ડિપાર્ટમેન્ટમાં રાખવામાં આવી છે.

- Advertisement -
Exit mobile version