મહિલા સ્વસહાય જૂથોએ ગ્રામ્ય વિસ્તારોના 4 લાખ ઘરો સુધી પહોંચીને સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું છે.
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને ગુજરાતમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ સ્વચ્છતા હી સેવા 2023 અભિયાનના બેનર હેઠળ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા ગુજરાતના મહિલા સ્વસહાય જૂથોને તાલીમ આપીને સ્વચ્છતા અને પર્યાવરણીય જાગૃતિના ચેમ્પિયન બનાવવા માટેના સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આ પ્રયાસો થકી ગુજરાતના 17, 425 મહિલા સ્વસહાય જૂથો સ્વચ્છતા ચેમ્પિયન્સ બન્યા છે. ત્યારબાદ આ મહિલા સ્વસહાય જૂથોએ ગ્રામ્ય વિસ્તારોના 4 લાખ ઘરો સુધી પહોંચીને સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું છે.
સ્વચ્છ ભારત મિશન –ગ્રામીણ દ્વારા સંચાલિત આ તાલીમનો ઉદ્દેશ મહિલાઓને સ્વચ્છતા જાળવવા અંગે જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરીને તેમને સશક્ત બનાવવાનો હતો જેથી તેઓ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી શકે. ઘન અને પ્રવાહી કચરાનું અસરકારક વ્યવસ્થાપન કરી શકે અને તેઓની સંબંધિત કોમ્યુનિટીમાં સેગ્રીગેશન શેડ્સની કામગીરીનું નિરીક્ષણ કરી શકે.
