52 કિમીની ઝડપના પવન સાથે 7 મીમી વરસાદ પડ્યો, હજુ 2 દિવસ અસર રહેશે

By Abhishek Raghuvanshi
2 Min Read
  • ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ પણ પાલિકાની વેબસાઇટ પર આંકડા જૂના

બિપરજોય વાવાઝોડાને લઇ સુરત શહેરમાં સતત ચોથા દિવસે મહત્તમ 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે દિવસભર સરેરાશ ઝડપ 22 કિમી પ્રતિકલાકની રહી હતી. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં પડી 7 મીમી વરસાદ નોંધાયો હતો. આગામી બે દિવસ પવનનું જોર યથાવત રહેશે અને ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

જો કે, પવનની ઝડપ ક્રમશ: ઘટશે. બુધવારે શહેરના તમામ ઝોનમાં વરસાદ નોંધાયો હતો. પરંતુ પાલિકાની વેબસાઇટ અને એપ પર ઝોન વાઇઝ વરસાદના આંકડા, કોઝવે અને ઉકાઇ ડેમની સપાટી અપડેટ કરવામાં આવી રહી નથી. 1 જૂનથી પાલિકાનું ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત થઇ ગયું હતું. પાલિકાનો ફ્લડ કંટ્રોલ રૂમ કહે છે કે, હજુ સુધી માહિતી અપડેટ કરવા માટે ઉપરી અધિકારી તરફથી સૂચના મળી નથી.

શહેરભરમાં વધુ 16 ઝાડ પડ્યાં, ફાયર બ્રિગેડ દોડતું રહ્યું
શહેરમાં વાવાઝોડાની અસર વચ્ચે ભારે પવન ફુંકાતા અલગ અલગ જગ્યાએ ઝાડ પડવાના બનાવો બન્યા હતા. સાથે ફાયરબ્રિગેડ દિવસ દરમ્યાન દોડતું રહ્યું હતું. દિવસ દરમ્યાન રાંદેર ઝોનમાં 1, કતારગામ ઝોનમાં 3, લિંબાયત ઝોનમાં 2, વરાછા ઝોનમાં 4, સેન્ટ્રલ ઝોનમાં 1 અને અઠવા ઝોનમાં 3, ઉધના ઝોનમાં 2, ઝાડ પડવાના કોલ ફાયરબ્રિગેડને મળ્યા હતા. બુધવારે મોડી સાંજ સુધીમાં કુલ 16 ઝાડ પડવાના કોલ ફાયરબ્રિગેડને મળ્યા હતા. ફાયરબ્રિગેડે તમામ સ્થળે પહોંચી તુટી પડેલા ઝાડ હટાવવાની કામગીરી કરી હતી.

ઓફિસમાં હાજર ન મળેલાં ડે. કમિશનર પંડ્યાને શોકોઝ
સુરત: બીપરજોય વાવાઝોડાની આગાહીના પગલે તમામ કર્મચારીઓને પાલિકા કમિશનરે ઍલર્ટ પર રાખી મંગળવારે તમામ ડિવિઝનલ હેડને હેડ ક્વાર્ટર્સ ન છોડવાની સૂચના આપી હતી. દરમ્યાન કતારગામના ઝોનલ ચી‌ફ ડી.કે. પંડ્યા સવારથી કચેરીના ફોન ઉપાડતા ન હોવાની માહિતીએ બપોરે ઓફિસમાં તપાસ કરતાં તેઓ હાજર મળ્યા ન હતાં. જેથી પાલિકા કમિશનરે તેમને શો-કોઝ નોટિસ ફટકારી હતી. પંડ્યાને અગાઉ સ્માર્ટ સિટી સમિટના આયોજનમાં ગેરહાજરીને પગલે પણ શોકોઝ મળી હતી.

- Advertisement -
Exit mobile version