- દર મહિને 60થી 70 લાખ રૂપિયા બિલ આવતું જ જાય છે, ભરાય છે 13 લાખ
- હજુ તો સમ્પ અને પમ્પિંગ સ્ટેશનના કપાયા છે, રોડ લાઈટ કપાશે તો સમગ્ર શહેરમાં અંધાપટ છવાઇ જશે
ભુજ નગરપાલિકા ઉપર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અેટલે કે પી.જી.વી.સીએલ.એના વીજ બિલ પેટે 48 કરોડ રૂપિયા જેટલી ભારેખમ રકમ લેણા પેટે બાકી છે. જે ભરાતી નથી અને દર મહિને 60થી 70 લાખ રૂપિયા જેટલું વીજ બિલ ઉમેરાતું જાય છે. જેની સામે સુધરાઈ દ્વારા માત્ર 13 લાખ રૂપિયા જેટલી રકમ ભરાય છે. જેથી બુધવારે 9 જેટલા વીજ જોડાણ કાપી નાખ્યા છે. જેના પગલે પદાધિકારીઅો અને વહીવટી અધિકારીઓ દોડધામમાં મૂકાઈ ગયા છે.
ભુજ નગરપાલિકા દ્વારા લોકોને ઘરોઘર પાણી પહોંચાડવા અને ગટરના પાણી છેક નાગોર રોડ સુધી ધકેલવા પમ્પિંગ સ્ટેશન ચલાવે છે, જેમાં હેવી વીજ જોડાણ જોઈએ. એ ઉપરાંત શહેરના માર્ગો ઉપર પ્રકાશ પાથરવા રોડ લાઈટ લગાડે છે. જેના માટે કુલ 137 ઉપરાંત વીજ જોડાણ લીધેલા છે. જેના કારણે દર મહિને 60થી 70 લાખ રૂપિયા જેટલો ભારેખમ વીજ બિલ આવે છે.
જે ચડતા ચડતા 47 કરોડ 72 લાખ ઉપર પહોંચી ગયો છે. જેની સામે નગરપાલિકાના આવક નજીવી છે, જેથી વીજ બિલ ભરવામાં નગરપાલિકા ટૂંકી પડે છે. પરંતુ, વીજ કચેરીની પણ એક મર્યાદા છે, જેથી બુધવારે ગટર અને પાણી વિભાગના 9 જેટલા જોડાણ કાપી નાખ્યા છે. ખરાઈ કરવા રોડ લાઈટ બ્રાન્ચના વડા દક્ષેષ ભટ્ટને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હા, વીજ કચેરીએ 9 જેટલા જોડાણો કાપ્યા છે, જેથી પાણી વિતરણ અને ગટર પમ્પિંગ સ્ટેશન સમસ્યા સર્જાઈ છે.
દીવાબત્તી ચાર્જ વસુલવામાં સુધરાઇ નબળી
ભુજ નગરપાલિકા દ્વારા મિલકત વેરો, શિક્ષણ ઉપકર, વ્યવસાય વેરો ઉપરાંત પાણી, ગટર, સફાઈ, રોડ લાઈટ માટે દિવાબત્તી ચાર્જ વસુલવામાં આવે છે. શહેરમાં નોંધાયેલી મિલકત 42 હજાર ઉપરાંત છે, જેમાંથી હજુ સુધી 7 હજાર જેટલા મિલકત માલિકોએ જ વેરા અને સેવા ચાર્જ પેટે દસેક કરોડ રૂપિયા ભર્યા છે.
એ ઉપરાંત દબાણ વાળા વિસ્તારોના શેરી, મહોલ્લામાં રોડ લાઈટની સુવિધા અપાઈ છે. પરંતુ, એ વિસ્તારના લોકો ગટર, પાણી, સફાઈ અને દિવાબત્તી ચાર્જ ભરતા નથી. જે માટે નગરસેવકો દ્વારા પણ જાગૃતિ ફેલાવવામાં આવતી નથી. ઉલ્ટું પાણી, ગટર, સફાઈ જેવા પ્રશ્ને મોરચા કાઢી વહીવટી અધિકારીઅો અને પદાધિકારીઓને ભીડવામાં આવે છે.
નવા પોલના જોડાણ પણ ન આપ્યા
ભુજ નગરપાલિકાએ શહેરમાં નવા વિકસેલા વિસ્તારોમાં રોડ લાઈટ માટે કુલ 55 જેટલા પોલમાં વીજ જોડાણ આપવા માંગણી કરી હતી. જે માટે કોલ લેટર પણ અપાયા અને રકમ પણ ભરાઈ હતી. પરંતુ, હવે અચાનક ચડત રકમ ભરાઈ ન હોઈ નવા વીજ પોલના જોડાણ આપવાનો નનૈયો ભણી દીધો છે. બિલ પેટે ચૂકવણું ભુજ નગરપાલિકાની ઓક્ટ્રોયની આવક બંધ છે, જેથી રાજ્ય સરકાર દ્વારા 42 લાખ જેટલી ઓક્ટ્રોયની ગ્રાન્ટ ચૂકવાય છે, જેમાંથી 13 લાખ જેટલા સીધા પી.જી.વી.સી.એલ.ને ચૂકતે કરી દેવાય છે.
કઈ શાખાની કેટલી રકમ ચડત
| શાખા | રકમ |
| રોડ લાઈટ | 53.33 લાખ |
| વોટર શાખા | 45.65 કરોડ |
| ઈમારતો | 7 લાખ |
| સમ્પના હેવી જોડાણ | 1.47 કરોડ |
દર મહિને આવતું બિલ
| શાખા | રકમ |
| રોડલાઈટ | 13.50 લાખ |
| ઈમારતો | 1.50 લાખ |
| પાણી વિભાગ | 34 લાખ |
| સમ્પના હેવી જોડાણ | 12 લાખ |
