46 વર્ષની વયે સસ્પેન્ડ, નિવૃત્તિ સમયે જેલ:AIRના કપલનું હતું ખાનગી પ્રોડક્શન, સાધનો સરકારી વાપરતા, કમાણી જતી પ્રાઈવેટ એકાઉન્ટમાં, પતિનું મોત, પત્નીને 14 વર્ષે પડી 2 વર્ષની કેદ

By Abhishek Raghuvanshi
4 Min Read

અમદાવાદ આકાશવાણી કેન્દ્રમાં કામ કરતા મિહિર મહેતા અને આશ્લેષા મહેતાને આકાશવાણીના નિયમોના ભંગ બદલ 2007માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં 2009માં કેસ દાખલ થયો હતો. જે કેસમાં 420 અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અંતર્ગત CBI કોર્ટે 14 વર્ષે 60 વર્ષીય આરોપી આશ્લેષા મહેતાને 2 વર્ષની સખત કેદની સજા તેમજ 21 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો.

આકાશવાણીમાં ફરજ દરમિયાન પોતાની ખાનગી પ્રોડક્શન સંસ્થા શરૂ કરી હતી
આ કેસમાં આરોપી બંને કર્મચારી પતિ-પત્ની છે. અને જેઓ આકાશવાણીમાં પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા. આકાશવાણીનો નિયમ છે કે જે વ્યક્તિ તેમની સંસ્થામાં સરકારી નોકરી કરતો હોય તે ખાનગી સંસ્થાના પ્રોડક્શનમાં અવાજ આપી શકે નહીં. તેઓએ આકાશવાણીમાં ફરજ દરમિયાન જ પોતાની ‘મનીષા’ નામની ખાનગી પ્રોડક્શન સંસ્થા અમદાવાદના શાહીબાગ ખાતે શરૂ કરી હતી. જેના નામનું બેંક ખાતુ ઇન્કમટેક્ષ ખાતે આવેલ ADC બેંકમાં ખોલાવ્યું હતું. આ પ્રોડક્શન કંપનીમાં આરોપીઓ પોતે, અન્ય કર્મચારીઓ, સરકારી સાધનો વાપરીને સરકારના જ કાર્યક્રમ બનાવી સરકાર પાસેથી પ્રોડક્શનના રૂપિયા વસુલતા હતા.

સહ કર્મચારી રવિન્દ્ર પરમારે CVCને ફરિયાદ કરી હતી
આરોપી દંપતી સાથે તે સમયે કામ કરતા કર્મચારી રવિન્દ્ર પરમારને ભ્રષ્ટાચાર અંગે જાણ થતા તેમણે ફરિયાદ કરી. રવિન્દ્ર પરમારે સરકારી તિજોરીને થઇ રહેલા નુકસાનને લઇને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને ફરિયાદ કરી હતી. CVCએ આ ફરિયાદ પર CBIને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અને CBIએ આરોપીના શાહીબાગ સ્થિત કાર્યાલયે દરોડા પાડ્યા હતા. તેમજ તેમના બેંક એકાઉન્ટ સીઝ કરી નાખ્યા હતા.

CBIએ જપ્ત કરેલી 102 ટેપમાં બંને આરોપીનો અવાજ હતો
આ ઉપરાંત વર્ષ 2009માં CBIએ તે સમયના AIRના સ્ટેશન ડિરેક્ટર સાધના ભટ્ટના અમદાવાદના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. આ પ્રોડક્શન કૌભાંડ અંતર્ગત ‘ડુંગરે ડુંગરે વિકાસના વાયરા’ કાર્યક્રમનું પ્રોડક્શન આરોપીની ખાનગી કંપનીમાં કરાયું હતું. જેની 102 ટેપ CBIએ જપ્ત કરી હતી. જેમાં બંને આરોપીનો અવાજ પણ હતો. આ કાર્યક્રમના પ્રોડક્શન પેટે સરકારે 10.50 લાખ જેટલી રકમ આરોપીઓની કંપનીને ચૂકવી હતી.

- Advertisement -

મુખ્ય આરોપી મિહિર મહેતાનું ટ્રાયલ દરમિયાન વર્ષ 2021માં મૃત્યુ થયુ
આ કેસમાં કુલ 8 આરોપી હતા. જેમાં મુખ્ય આરોપી મિહિર મહેતાનું ટ્રાયલ દરમિયાન વર્ષ 2021માં હાર્ટએટેકથી મૃત્યુ થતા કોર્ટે તેમની સામેની કાર્યવાહી પડતી મૂકી હતી. આરોપીઓ પર IPCની કલમ 420, 120(B), પ્રિવેંશન ઓફ કરપશન એક્ટ 1988 અંતર્ગત ગુનો નોંધાયો હતો.

આરોપી આશ્લેષા મહેતાને 2 વર્ષની સજા, 21 હજાર રૂપિયાનો દંડ કર્યો
કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે આરોપી 60 વર્ષના છે. તેમને તબિયતની પણ સમસ્યાઓ રહે છે. તેમના પતિનું અવસાન થયુ છે. તથા બંને દીકરીઓ વિદેશમાં રહે છે. તો સામે પક્ષે તેમની વિરુદ્ધ સરકારી તિજોરીને નુકસાનનો અને ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ છે. ત્યારે બંને પક્ષોને જોતા CBI કોર્ટે આરોપી આશ્લેષા મહેતાને 2 વર્ષની સજા તેમજ 21 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો.

રવિન્દ્ર પરમારને 10 વખત ટ્રાન્સફર અપાઈ અને નિવૃત્ત કરી દેવાયા હતા
આમ 2009માં દાખલ થયેલ કેસનો ચુકાદો ઓગસ્ટ 2023માં આવ્યો હતો. મૂળ ફરિયાદી અને વ્હિસલબ્લોઅર રવિન્દ્ર પરમારની ફરિયાદ બાદ નવ વર્ષમાં 10 વખત ટ્રાન્સફર અપાઈ હતી. તેમજ નિવૃત કરી દેવાયા હતા. જેનો કેસ હાઇકોર્ટમાં ચાલતા રવિન્દ્ર પરમારને તમામ લાભ સાથે પરત લેવા હુકમ કરાયો હતો. જો કે કેસ સુપ્રીમકોર્ટમાં જતા હજી સુધી પેન્ડિંગ છે.

Exit mobile version