પ્રોપર્ટી ટેક્સના બાકી વ્યાજ પર 100 ટકા માફીની યોજના શુક્રવારે પૂરી થઈ હતી. છેલ્લા દિવસે ધસારાને લીધે યોજનાની મુદત એક મહિનો લંબાવાઈ છે. ચાલુ વર્ષે મ્યુનિ.ને ટેક્સ પેટે 1876 કરોડ આવક થઈ છે જે ગત વર્ષ કરતા 400 કરોડ વધુ છે.
યોજનાને લીધે મ્યુનિ.ને વર્ષ દરમિયાન 1876 કરોડની આવક, ગત વર્ષ કરતાં 400 કરોડ વધુ
સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા પછી યોજનાની મુદત નવા નાણાકીય વર્ષમાં પણ લંબાવવાનો નિર્ણય કરાયો હતો. અત્યાર સુધીમાં બાકી ટેક્સ પર 100 ટકા વ્યાજ માફીની યોજનાને કારણે મ્યુનિ.ને 300 કરોડથી વધારે રિકવરી થઇ હોવાનું જાણવા મળે છે. હજુ પણ અનેક મિલકત માલિકોએ આ યોજનાનો લાભ લીધો ન હોવાથી યોજનાને 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
છેલ્લા દિવસે ધસારાને લીધે યોજનાની મુદત એક મહિનો લંબાવાઈ
આ ઉપરાંત કેટલીક મિલકતો એવી પણ છે, જે મકાનો રોડની કપાતમાં ગયા હોય પરંતુ તે મિલકતો ટેક્સ બિલની યાદીમાંથી દૂર થઈ ન હોય કે મિલકત અસ્તિત્વમાં જ ન હોય છતાં ટેક્સ બિલ મોકલવામાં આવતા હોય તેવી મિલકતો એસ્ટેટ વિભાગ સાથે સંકલનમાં રહીને શોધી કાઢવા માટે પણ સ્ટેન્ડિંગ કમિટીએ સૂચના આપી છે. બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે મ્યુનિ.એ છેલ્લા કેટલાક સમયથી ઝુંબેશ ચલાવી હતી. અનેક નોટિસ છતાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરતી મિલકતોને સીલ મારીને ટેક્સની વસૂલાત કરવામાં આવી હતી.
