
લેઉવા પટેલ સમાજના એકતાનું પ્રતિક ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરી ને શનિવારના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે 21 જાન્યુઆરીના રોજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ખોડલધામ મંદિરમાં ભારતભરના કન્વીનર, સહ કન્વીનર, સ્વયંસેવક, મહિલા સમિતિ. સામાજિક આગેવાનો, સમાજના દાતાઓની મિટિંગ અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી, નવનિયુક્ત મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. સાથોસાથ લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ ખોડલધામ ટ્રસ્ટના આગામી પ્રોજેક્ટોની જાહેરાત કરાશે.
યજ્ઞશાળામાં વૈદિક હવન કરવામાં આવશે
21 જાન્યુમારીના રોજ સવારે 8 કલાકે કન્વીનર, સહ કન્વીનર અને સ્વયંસેવક મિટિંગની શરૂઆત થશે. સવારે 8થી 10 વાગ્યા સુધી ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરો યોજાશે. તેમજ યજ્ઞશાળામાં કન્વીનરો દ્વારા વૈદિક હવન કરવામાં આવશે તથા ધ્વજાનું પૂજન કરાશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત મંત્રીઓ, ધારાસભ્યો, લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓની હાજરીમાં મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવશે, ત્યારબાદ સભા શરૂ થશે. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત મંત્રીઓ અને ધારાસભ્યોનું નરેશ પટેલની ઉપસ્થિતિમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવશે.
કાઠિયાવાડી પરંપરા મુજબ મહેમાનોનું સ્વાગત કરાશે
આ અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 21 જાન્યુઆરીએ ઓલ ઇન્ડિયાના કન્વીનરો અને સ્વયંસેવકોનો એક કાર્યક્રમ ખોડલધામના પ્રાંગણમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આખા ભારતમાં કન્વીનરો અને સ્વયંસેવકો ભાગ લેશે. સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે. સાથે ચૂંટાયેલા ધારાસભ્યો અને મંત્રીઓ પણ હાજર રહેવાના છે. સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી અને મંત્રીઓના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ કાર્યક્રમ શરૂ થશે, જેમાં કાઠિયાવાડની પરંપરા મુજબ મહેમાનોનું સ્વાગત, સન્માન કરવામાં આવશે.
ખોડલધામ ટ્રસ્ટના આગળના પ્રકલ્પોની જાહેરાત કરાશે
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ દિવસે ખોડલધામ ટ્રસ્ટ આગળના પ્રકલ્પોની જાહેરાત કરશે. રાજકોટ નજીક અમરેલી ગામે ખોડલધામે જગ્યા લીધી છે. તેમાં આરોગ્ય અને શિક્ષણ માટેના ભવનો ઉભા થશે. જેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આ જ રીતના પ્રકલ્પો સર કરવાના છે જેની જાહેરાત કાર્યક્રમમાં કરવામાં આવશે. સાથોસાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ મોટું પ્રવાસધામ બન્યું છે ત્યારે ત્યાં ખોડલધામ પ્રેજન્સ રહે તે માટે તે માટે ત્યાં પણ ખોડલધામે જમીન લીધી છે. ત્યાં પણ પ્રકલ્પો પૂર્ણ કરવામાં આવશે.
શિક્ષણમાં જાતપાત જોવામાં આવશે નહીં
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં દરેક જ્ઞાતિના આગેવાનોને આમંત્રણ આપવામાં આવશે. ખોડલધામ દ્વારા ઉચ્ચ શિક્ષણ પર જ ધ્યાન આપવામાં આવશે. હજી ઘણી બધી ટીમો તેમાં કામ કરી રહી છે. જરૂરિયાત છે તે મુજબ શિક્ષણ મળે તેવી સુવિધા ઉભી કરવામાં આવશે. શિક્ષણમાં જાત-પાત હોતી નથી. દરેક પ્રકલ્પોમાં દરેક સમાજના યુવાનોને શિક્ષણ મેળવવા આમંત્રણ છે.
