ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ સ્ટીકર દ્વારા પ્રવેશ આપવાનો નિણર્ય કરવામાં આવ્યો હતો. જેના અમલ માટે આ સપ્તાહથી ખાસ ડ્રાઇવ શરૂ થશે. શરૂઆતના તબક્કામાં યુનિવર્સિટીમાં અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ડ્રાઇવ થશે. મુલાકાતીઓને શરૂઆતમાં રજીસ્ટરમાં એન્ટ્રી કરાવી ત્યાર બાદ પ્રવેશ આપવામાં આવશે.
બિનજરૂરી વ્યક્તિઓના પ્રવેશ બંધ કરાવવા સ્ટીકર સિસ્ટમ શરૂ
ગુજરાત યુનિવર્સિટીમાં બહારથી આવીને સ્ટંટ કરતા નબીરાઓનો વીડિઓ સામે આવ્યો હતો. જેમાં જોખમી રીતે વાહન ચલાવીને 6 ગાડી એક સાથે ચલાવવામાં આવી રહી હતી. આ બાબતની ગંભીરતા દાખવી ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક કેમ્પસમાં બિનજરૂરી આવતા વ્યક્તિઓના પ્રવેશ બંધ કરાવવા સ્ટીકર સિસ્ટમ શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જે વાહન પર સ્ટીકર હોય તેજ વાહનને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ આપવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.
વાહન પ્રવેશ માટે આપવામાં આવેલ સ્ટિકર.
સ્ટીકર હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે
આ નિર્ણય કર્યા બાદ યુનિવર્સિટી દ્વારા ગૂગલ ફોર્મ તમામ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જેમાં વિભાગમાં અભ્યાસ કરી વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રોફેસર, કર્મચારીઓ સહિત તમામની વિગત મેળવવામાં આવી હતી. ત્યાર બાદ તમામને સ્ટીકર લેવા આદેશ પણ કરવા આવ્યો હતો. આ સ્ટીકર તમામે પોતાના વાહન પર લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક વાહન સ્ટીકર સાથે જ યુનિવર્સિટીમાં પ્રવેશી રહ્યા છે. તમામ લોકો આ નિયમનું પાલન કરે તે માટે યુનિવર્સિટી દ્વારા ગેટ બંધ કરીને અંદર પ્રવેશવા માટે ડ્રાઇવ યોજાશે. જેમાં જે વાહન પર સ્ટીકર હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે.
હોસ્ટેલ તરફથી આવતા ગેટ પર બેરિકેટિંગ કરવામાં આવશે
શરૂઆતના તબક્કે ગુજરાત યુનિવર્સિટીમાં નિયમિત કામ કરતા કર્મચારીઓ, પ્રોફેસર, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને સ્ટાફને આ નિયમનું પાલન કરવાનું રહેશે. તમામ લોકોએ પોતાના વાહન પર સ્ટીકર લગાવવાના રહેશે. જે વાહન પર સ્ટીકર ના હોય તે વાહન ચાલકોએ સ્ટીકર મંગળવાર સુધી મેળવી લેવાના રહેશે. સ્ટીકર મેળવ્યા બાદ ગુરુવારથી ગુજરાત યુનિવર્સિટીના 2 દરવાજા સિવાયના અન્ય દરવાજા બંધ કરવામાં આવશે. હોસ્ટેલ તરફથી આવતા ગેટ પર બેરિકેટિંગ કરવામાં આવશે. જેથી તે ગેટથી પ્રવેશ ના મેળવી શકાય.
જરૂર પડે આઇડી કાર્ડ પણ તપાસવામાં આવશે
મુલાકાતીઓ માટે અત્યારે માત્ર એન્ટ્રી કરવાની રહેશે. મુલાકાતી પોતાનું વાહન લઇને આવે તેમને રજીસ્ટરમાં એન્ટ્રી કરીને અંદર પ્રવેશ મેળવવાનો રહેશે. મુલાકાતીઓ કયા કામથી કયા વિભાગમાં કોને મળવા આવ્યા તે તમામ વિગત ભરવાની રહેશે. ચાલી આવતા વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. ચાલી આવનાર વિદ્યાર્થીઓએ પોતાના આઇડી કાર્ડ સાથે રાખવાના રહેશે. જરૂર પડે આઇડી કાર્ડ પણ તપાસવામાં આવશે.
અત્યારે મુલાકાતીઓ માટે સ્ટીકર રાખવામાં નથી આવ્યા: કુલપતિ
ગુજરાત યુનિવર્સિટી કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, અત્યારે શરૂઆત એક ટ્રાયલ ભાગરૂપે કરવામાં આવશે. જેથી તેનું અમલ થઈ શકે. અત્યારે મુલાકાતીઓ માટે સ્ટીકર રાખવામાં નથી આવ્યા. મુલાકાતીઓ રજીસ્ટરમાં એન્ટ્રી સાથે પ્રવેશ મેળવી શકશે. બિનજરૂરી આવતા લોકોની અવરજવર બંધ થાય તે માટે જ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
