સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ:શેત્રુંજી ડેમ 85 ટકાથી વધારે ભરાઈ જતાં 17 ગામોને એલર્ટ, જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો, અમરેલીની સાતલડી નદીમાં ઘોડાપૂર

By Abhishek Raghuvanshi
4 Min Read

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જે આગામી બે ત્રણ દિવસ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આ સમય દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને લઇને આજે વહેલી સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે.

સવારના 6 થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમીમાં)
જૂનાગઢકેશોદ107
જૂનાગઢમાંગરોળ95
જૂનાગઢવંથલી78
ભાવનગરમહુવા66
વલસાડવાપી42
ગીર સોમનાથઉના38
જૂનાગઢમેદરડા37
ગીર સોમનાથગીર ગઢડા34
જૂનાગઢમાળિયા હાટિના33
રાજકોટઉપલેટા32
ગીર સોમનાથકોડિનાર22

શેત્રુંજી ડેમ 85 ટકાથી વધારે ભરાઈ ગયો
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ 85 ટકાથી વધારે ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 31 ફૂટ 11 ઈંચે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 2030 ક્યુસેક પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી હજુ પણ વધશે.

ડેમ માત્ર 2 ફૂટ ખાલી
શેત્રુંજી ડેમમાં લેવલ સપાટી જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર કરવી નહીં તેમ સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું, ડેમ 34 ફૂટે છલકાશે તેથી હવે માત્ર 2 ફૂટ જેટલો જ ડેમ ખાલી છે, જેને પગલે ધરતીપુત્રો તથા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

- Advertisement -

શેત્રુંજી ડેમની સપાટી 31 ફૂટ 11 ઈંચ પહોંચી
આ અંગે ડેમ પરના ફરજ બજાવતા અધિકારી બાલધિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સતત ઉપરવાસમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે. આજે 3:45 વાગે વહેલી સવારે 8117 ક્યુસેક પાણીની પ્રવાહ આવી રહ્યો છે, સવારે 7 વાગ્યાથી અવિરત 2030 ક્યુસેક પાણી આવક સતત શરૂ છે જેના કારણે ડેમની સપાટી 31 ફુટ 11 ઈંચ જેટલો ભરાઇ ગયો છે, આમ, સતત ત્રણ-ચાર દિવસથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક અવિરત શરૂ રહી છે.

17 જેટલાં ગામોને એલર્ટ કરાયાં
ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પ્રવાહને કારણે શેત્રુંજી ડેમ હેઠળનાં 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળિયા, રોયલ, માખણિયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકોને સાવધાન રહેવા જણાવાયું છે.

ગાંધીનગરનું પીપળજ ગામ બેટમાં ફેરવાયું
ગાંધીનગરમાં સંતાકૂકડી રમતા વરસાદે મધરાતે ધમાકેદાર બેટિંગ કરી હતી. મધરાતે ધોધમાર દોઢ ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. ગાંધીનગરનું પીપળજ ગામ તો આખું બેટમાં ફેરવાઇ ગયું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં 20 વર્ષ બાદ આટલું પાણી ભરાયું છે.

જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો
જામનગરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ છે. જેને લઇને નદીઓ બે કાંઠે થઈ છે. આ બાજુ ખેતરો બેટમાં ફેરવાયાં છે. જામનગરની જીવાદોરી સમાન રજિતસાગર ડેમ ઓવરફ્લો થયા બાદ આજે સસોઈ ડેમમાં એક ફૂટથી વધુ પાણીની આવક થતાં ઓવરફ્લો થયો છે.

અમરેલીમાં ધોધમાર વરસાદ
ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કર્યું છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ટિબલા, પાણિયા, સહિતનાં ગામોમાં ભારે વરસાદ પડતાં ખેડૂતોને ખેતર જવાના રસ્તાઓ પર નદી માફક પાણી ફરી વળ્યાં છે. તો સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન વેરાવળને બદલે અમદાવાદથી ચાલશે
છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ અને વેરાવળમાં પડી રહેલા ભારે વરસાદના કારણે રેલ વ્યવહારને અસર પહોંચી રહી છે. ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે ટ્રેનના પાટા ઉપર પાણી ફરી વળતાં ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવાની ફરજ પડી રહી છે. વેરાવળથી ચાલતી તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન વેરાવળને બદલે અમદાવાદથી ચાલશે.

Exit mobile version