- તંદુરસ્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય સાર્થક કરે તે મિશન સાથે નવ ધન્વંતરિઆરોગ્ય રથની શરૂઆત
રાજય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સયુંકત ઉપક્રમે હસ્તક કાર્યરત ધનવંતરી આરોગ્ય રથને આજે 74માં પ્રજાસત્તાક દિન નિમિત્તે હજીરા ક્રિભકોના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લીલી ઝંડી આપી પ્રજાજનોની સેવા માટે રવાના કરાયા હતા.
सर्वे सन्तु निरामया: સંસ્કૃતનાં આ શ્લોકને સાર્થક કરતુ સરકારનાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની સંયુક્ત પહેલ હેઠળ કાર્યાન્વિત ધન્વંતરિ આરોગ્ય રથ સેવા, બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવા કડીયાનાકા અને બાંધકામ સાઈટ સુધી પહોંચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે.
સરકારની નેમ છે કે આપણું રાજ્ય નીરોગી બને એટલા માટે દરેક કડીયાનાકે અને બાંધકામ સાઈટ પર ધન્વંતરિ આરોગ્ય રથ જઈને તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ, અને તંદુરસ્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય સાર્થક કરે તે મિશન સાથે નવ ધન્વંતરિ આરોગ્ય રથ સેવાની શરૂઆત કરી છે. ધન્વંતરિ આરોગ્ય રથ સેવા સાચા અર્થમાં બાંધકામ શ્રમિકો માટે આશીર્વાદ રૂપ બની રહે તે હેતુથી રાજ્યના દરેક કડીયાનાકે તથા બાંધકામ સાઈટ પર જઈને બાંધકામ શ્રમિકોની નોંધણી અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
આ સેવાનું સંચાલન ઈએમઆરઆઈ, ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે છેલ્લા 15 વર્ષથી 108 ઈમરજન્સી સેવા ,ખિલખિલાટ, 104 હેલ્થ હેલ્પલાઈન, 155372 શ્રમિક સહાયક હેલ્પલાઈન જેવી વિવિધ સેવાઓનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યું છે, તેના દ્વારા કરવામાં આવે છે. તમામ ધન્વંતરિ આરોગ્ય રથ અદ્યતન ટેકનોલોજી જેવી કે ઓનલાઈન ડેટા ટ્રાન્સફર, જીપીએસ, વગેરે અદ્યતન સંશાધનોથી સુસજ્જ છે અને તમામ ધન્વંતરિ આરોગ્ય રથમાં તાલીમબધ કર્મચારીગણ દ્વારા તબીબી સેવાઓ આપવામાં આવે છે.
રથમાં ઉપલબ્ધ સેવા
બાંધકામ શ્રમિકોની નોંધણી, સાઈટો, કડીયાનાકો અને વસાહતો, ખાતે બાંધકામ શ્રમિકોની વિના મુલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ-નિર્માણ કાર્ડ બનાવી આપવામાં આવશે. આ ઉપરાંત શ્રમિક પરામર્શ અને ત બીબી સેવાઓ, તાવ, ઝાડા, ઉલટીની સારવાર, સામાન્ય રોગોની સારવાર, નાની ઈજા તેમજ ડ્રેસિંગ વગેરેની સારવાર, રેફરલ સેવા, નાના બાળકોની સારવાર, સગર્ભા પ્રાથમિક તપાસ, લેબોરેટરી સેવા, હિમોગ્લોબીનની તપાસ, મેલેરીયાની તપાસ, સુગરની તપાસ, પ્રેગનેન્સી ટેસ્ટ કરવામાં આવશે. સાથે ડોક્ટરની સલાહ મુજબ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
