સરકારે દાયકામાં 25 કરોડથી વધારે વળતર ચૂકવ્યું:ગુજરાતમાં વન્ય પ્રાણીઓએ 10 વર્ષમાં 214 લોકોના જીવ લીધા

By Abhishek Raghuvanshi
2 Min Read

ગુજરાત વિધાનસભામાં સરકારે જણાવ્યું હતું કે 2021 અને 2022નાં બે વર્ષમાં સિંહ દ્વારા હુમલામાં 7 લોકોના, જ્યારે દીપડાના હુમલામાં 27 લોકોનાં મોત થયાં હતાં. વર્ષ 2021-22માં પ્રાણીઓએ 20 લોકોનો ભોગ લીધો છે. વન વિભાગના આંકડાઓ મુજબ, છેલ્લાં 10 વર્ષમાં વન્ય પ્રાણીઓના હુમલામાં 214 લોકોનાં મોત થયાં છે જ્યારે 1400થી વધારે લોકોને ઇજાઓ થઇ છે.

વર્ષ 2021-22માં પ્રાણીઓએ 20 લોકોનો ભોગ લીધો
ઉપરાંત, પશુઓનાં મૃત્યુ અને ઇજાનો આંકડો 41 હજારથી વધારે છે. આ 10 વર્ષમાં સરકાર દ્વારા રૂ. 25 કરોડથી વધારે વળતર ચૂકવાયું છે. વન વિભાગ દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં રૂ. 4 લાખ વળતર આપવામાં આવતું હતું જે વધારીને હવે રૂ. 5 લાખ કરાયું છે. વન વિભાગના જાન્યુઆરી 2022ના ઠરાવ મુજબ વળતરના દરોમાં વધારો કરાયો હતો, જે પ્રમાણે વન્ય પ્રાણીઓની વ્યાખ્યામાં આવતાં પ્રાણીઓ દ્વારા મૃત્યુ કે ઇજાના કેસમાં વળતર ચૂકવાય છે.

રાજ્યમાં આ રીતે નક્કી થાય છે વળતરની રકમ
વન અને પર્યાવરણ વિભાગના જાન્યુઆરી, 2022ના ઠરાવ મુજબ વળતરના નવા દરો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં માનવમૃત્યુના કિસ્સામાં વ્યક્તિ દીઠ રૂ. 5 લાખ છે. અગાઉ રૂ. 4 લાખ વળતર હતું. માનવ ઇજાઓમાં 40થી 60 ટકા અપંગતા હોય તો રૂ. 1 લાખ જ્યારે 60 ટકાથી વધારે અપંગતા હોય તો રૂ. 2 લાખ વળતર અપાય છે. વ્યક્તિ 3 દિવસ કે વધુ સમય હોસ્પિટલમાં રહે તો 10 હજાર મળે છે. દૂધાળાં પશુઓનાં મૃત્યુના કિસ્સામાં ગાય કે ભેંસ હોય તો 50 હજાર, ઊંટ માટે 40 હજાર જ્યારે ઘેટાં-બકરાં માટે રૂ. 5 હજાર છે.

એક દાયકામાં પ્રાણીઓ-માણસો વચ્ચેના સંઘર્ષની માહિતી

- Advertisement -
માનવ મૃત્યુની સંખ્યા214
માનવ મૃત્યુ માટે6.26 કરોડ
માનવ ઇજાની સંખ્યા1431
માનવ ઇજા માટે62.52 લાખ
પશુઓનાં મૃત્યુ-ઇજાઓ41489
પશુ મૃત્યુ-ઇજારૂ. 19 કરોડ
Exit mobile version