સુરતના સરથાણા ખાતે રહેતા રત્નકલાકારને વિદેશ જવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેવાયા છે. રત્નકલાકારને પાનના ગલ્લા પર મળેલા યુવક સાથે મિત્રતા થયા બાદ સ્ટુડન્ટ વિઝા પર સિંગાપોર મોકલવાનું કહીને 6 લાખ પડાવી લીધા હતા. બાદમાં પૈસા નહીં આપી બોગસ વિઝા લેટર વોટ્સએપ કરી છેતરપિંડી કરી હતી.
સિંગાપોર જવાનો ખર્ચ 6 લાખ જણાવ્યું
સુરતના સરથાણા ખાતે ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતો 22 વર્ષીય ધ્રુવ મહેશભાઇ સોજીત્રા રત્નકલાકાર છે. તેણે સરથાણા પોલીસ સ્ટેશનમાં નિલેશ ઢોલરીયા (ઉં.વ-23)ની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, નિલેશ સાથે તેમની મુલાકાત એપ્રિલ 2022માં એક પાનના ગલ્લા પર થઈ હતી. ત્યારે વાતચીતમાં જાણવા મળ્યું કે, નિલેશ વર્ષ 2019માં સ્ટુડન્ટ વિઝા પર સિંગાપોર ગયો હતો, પરંતુ ચામડીની બિમારી થતા વર્ષ 2020માં પરત આવી ગયો હતો. ધ્રુવે પોતાને વિદેશ જવાનું હોવાની તેને વાત કરી હતી. ત્યારે આરોપીએ ધ્રુવને સિંગાપુર જવા માટે સ્ટુડન્ટ વિઝાથી જવાશે અને તે માટે સિંગાપોર જવાનો ટોટલ ખર્ચ 6 લાખનો થશે તેમ કહ્યું હતું.
આરોપીએ વોટ્સએપ પર ખોટો લેટર મોકલ્યો
રત્નકલકાર ધ્રુવની વાત સાંભળી આરોપીએ તેને વિદેશમાં સ્ટડી વિઝા જવા અંગેની લોભામણી સ્કીમો બતાવી હતી. જેની વાતમાં આવીને સિંગાપુર સ્ટુડન્ટ વિઝા પર જવા માટે ધ્રુવ સહમત થયો હતો. જેથી તેને સ્ટુડન્ટ વિઝા માટે મોકલવાના બહાને તેની પાસેથી 6 લાખ રોકડા લઇ પોતાના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા સરથાણા શાખામાં જમા કર્યા હતા અને વોટ્સએપ નંબર પરથી ધ્રુવને ખોટા (બનાવટી) ICAનો વિઝા લેટર તથા STEI INSTITUTEનો કોલેજ અભ્યાસનો ઓફરલેટર મોકલી આપ્યો હતો.
સરથાણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
ધ્રુવે રૂપિયા આપી દીધા બાદ બીજાનો બોગસ બનાવટી લેટર મળ્યો હતો. ત્યારબાદ સિંગાપુર જવા માટે આરોપીને ફોન કરવામાં આવતા તે ઘણીવાર ફોન રિસીવ કરતો ન હતો અને ઉડાવ જવાબ આપતો હતો. જેથી ધ્રુવ અને તેના પરિવારને આ અંગે શંકા જતા નિલેશ ઢોલરીયાએ મોકલેલ વિઝા અને કોલેજ અભ્યાસનો ઓફર લેટર બહાર ચેક કરાવ્યું હતું, જ્યા આ બોગસ હોવાની જાણ થઈ હતી. બાદમાં આ અંગે તે ઉડાઉ જવાબ આપી પૈસા પણ પરત આપ્યા ન હતા. જેથી તેના વિરુદ્ધમાં સરથાણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
