વાંદરાએ પીપડું પાડતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો:અમદાવાદમાં આરોપીએ ઘરમાં ઘૂસી યુવતીની છેડતી કરી માર માર્યો, યુવતીની માતાના કપડા ફાડ્યા, હવે તપાસ અધિકારી સામે તોળાતા ખાતાકીય પગલા

By Abhishek Raghuvanshi
3 Min Read

વર્ષ 2019માં અમદાવાદના ગોતામાં રહેતી મહિલાએ ઘઉં ભરવાનું પીપડું ધાબા પર મૂક્યું હતું. ત્યારે વાંદરા પીપડું પાડતા તે આરોપીના ઘર પડ્યું હતું. આથી આરોપી મહિલાના ઘરમાં ઘૂસી પુત્રીની છેડતી કરી માર માર્યો હતો અને મહિલાના કપડા ફાડી નાખ્યા હતા. આથી મહિલાએ વિકાસ સાલવી, ગોપાલ બુનકર અને રમેશ સોનાર્થી સામે સોલા પોલીસ મથકે છેડતી, માર મારવાની અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે DGPને તપાસ અધિકારીએ યોગ્ય તપાસ ન કરી હોવાનો હુકમ મોકલવા જણાવ્યું છે. આથી તપાસ અધિકારી સામે ખાતાકીય પગલા લેવાઈ શકે છે.

પોલીસે આરોપીઓ સામે IPCની કલમ 323, 452, 354(ક), 506(2) અને 114 અંતર્ગત ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

વાંદરાએ પીપડું આરોપીના ઘરના પતરા ઉપર પાડ્યું
ફરિયાદી મહિલા પોતાના પતિ, 14 વર્ષીય પુત્ર અને 20 વર્ષીય પુત્રી સાથે ગોતામાં રહેતા હતા. ફરિયાદી મહિલા નજીકમાં એક જગ્યાએ કામ પર પણ જતા હતા. એક દિવસ કામ પર જતાં અગાઉ તેમને ઘઉંનું પીપડું ત્રીજા માળે સાફ કરવા મૂક્યું હતું. બાદમાં તેમની પુત્રી તેને સાફ કરવા ત્રીજા માળે ગઈ હતી. તે દરમિયાન ત્યાં વાંદરા આવી જતા તે ડરી ગઈ હતી. વાંદરાએ પીપડું નીચે પાડતા તે આરોપીના ઘરના પતરા ઉપર પડ્યું હતું. આ બાબતે ઝઘડો કરવા આરોપીઓ તેણીના ઘરમાં ઘૂસી ગયા હતા.

પ્રતિકાત્મક તસવીર.

દીકરીની છેડતી કરી પુત્રને ઉપાડી જવાની ધમકી આપી
આરોપીઓ વિકાસ, ગોપાલ અને રમેશ જ્યારે ફરિયાદીના ઘરમાં ઘૂસ્યા ત્યારે તેની 20 વર્ષીય દીકરી ઘરમાં એકલી હતી. આરોપીઓએ તેની છેડતી કરી અને માર માર્યો હતો. આ સમયે ફરિયાદી એવી દીકરીની માતા આવી જતા તેમને પણ માર મારી કપડા ફાડી નાખ્યા, તેમજ નીચે સુધી ઢસડ્યા હતા. ઉપરાંત ફરિયાદીને જાનથી મારી નાખવાની અને તેના 14 વર્ષીય પુત્રને ઉપાડી જવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી પૈકી વિકાસ અને ગોપાલ ઘટના અગાઉ પણ ફરિયાદીની દીકરીની છેડતી કરતા હતા.

- Advertisement -
પ્રતિકાત્મક તસવીર.

અગાઉ પણ દીકરીની છેડતી મામલે ફરિયાદ થઈ હતી
આ મુદ્દે પોલીસ ફરિયાદ થતા આ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં 4 સાહેદ અને મેડિકલ ઓફિસરનો રિપોર્ટ તપાસાયો હતો. ફરિયાદી પક્ષે સરકારી વકીલ બી. એન. પ્રજાપતિ ઉપસ્થિત થયા હતા. આરોપી પક્ષે દલીલ કરાઈ હતી કે, ફરિયાદ પક્ષ તરફથી અગાઉ છેડતીની ફરિયાદ અપાઈ નથી. પોલીસે ફરિયાદીના કપડાં કબજે કર્યા નથી. ઘટના સમયના સ્વતંત્ર સાહેદો લેવાયા નથી.

પ્રતિકાત્મક તસવીર.

તપાસ યોગ્ય ન કરતા અધિકારી સામે ખાતાકીય પગલાં લેવાશે
જો કે, કોર્ટે મહિલા વિરુદ્ધના આ ગુનામાં આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને 5 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. દંડમાંથી 5 હજાર રૂપિયા ફરિયાદીને વળતર રૂપે અપાશે. ઉપરાંત હુકમમાં જણાવાયું છે કે, આ કેસમાં તપાસ અધિકારી જીગ્નેશ પટેલે ફરિયાદ બનાવના દિવસે લીધી નથી, પંચનામું કર્યું નથી, ફરિયાદીના કપડા કબજે લીધા નથી. આમ આ કેસમાં તપાસ યોગ્ય રીતે કરાઈ નથી. જેનો લાભ આરોપીને મળી શકે તેમ હતો. આથી કોર્ટે હુકમની નકલ DGP ગાંધીનગરને મોકલી આપવા જણાવ્યું છે. જેથી કરીને તપાસ અધિકારી સામે ખાતાકીય પગલાં લઈ શકાય.

Exit mobile version