- વર્લ્ડ બેંકની લોન બાકી, ફિઝિબિલિટી-માસ્ટર પ્લાન માટે પાલિકા એજન્સી શોધવા નીકળી
- 2016-17માં મૂકાયેલો 3904 કરોડનો અંદાજ પ્રથમ તબક્કામાં જ ખર્ચાઇ જશે
છેલ્લા ઘણાં વર્ષોથી કાગળ પર જ ચાલતાં રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ને મહાપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે વાસ્તવિક રૂપ આપવા કવાયત હાથ ધરી છે. ઇરિગેશન, કલેક્ટર કચેરી, સુડા સહિત ના જુદા જુદા વિભાગો સંકળાયેલા હોય તાજેતરમાં વર્કિંગ કમિટી બનાવ્યા બાદ હવે પ્રોજેક્ટ ના 33 કિ.મી. માં ફિઝિબિલિટી ચકાસવા-માસ્ટર પ્લાન માટે ડિઝાઇન કન્સલ્ટન્સી સોંપવામાં આવશે તથા પ્રોજેક્ટ માટે પ્રોક્યોરમેન્ટ કન્સલ્ટન્સી ફર્મ ની નિમણૂંક કરવામાં આવનાર છે.
પરંતુ મહત્ત્વની બાબત એ છે કે, વલ્ડ બેંક ની ટીમ ચાર-પાંચ વખત આવ્યા છતાં આ જાયન્ટ પ્રોજેક્ટ માટે લોન નું હજી ઠેકાણું પડ્યું નથી! સમગ્ર 33 કિ.મી. રૂઢ-ભાઠા થી લઈ ને કઠોર બ્રિજ સુધી તાપી બંને કાંઠા ના વિકાસ માં હાલ કૉઝવે સુધી 10 કિ.મી. ફેઝ-1 જ સાકાર કરવામાં આવનાર છે, આ ફેઝ-1 પાછળ જ પાલિકા ને 4 હજાર કરોડ સુધી નો ખર્ચો થઈ જાય તેમ છે આટલી પ્રોજેક્ટ કોસ્ટ સમગ્ર પ્રોજેક્ટ માટે ગત વર્ષ 2016-2017માં અંદાજ નક્કી કરાયો હતો, પરંતુ કોસ્ટ વધુ હોય પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો પણ કોસ્ટ વધતી જ રહી છે.!
પાળા વિના બેરેજ કોન્ટ્રાક્ટ આપી દેવાયો, તેને પણ વર્ષ થઈ ગયું
એપ્રિલ-2022માં શાસકોએ 40 વર્ષ સુધીની પાણી સમસ્યાનો હલ લાવવા, જળ સ્તર વધારવા અને વોટર સ્પોર્ટ્સ માટે 972 કરોડનો કન્વેન્શનલ બેરેજ બનાવવા ટેન્ડર મંજૂર કર્યા હતા. રૂંઢ-ભાઠાથી સિંગણપોર કૉઝવે સુધી 10 કિમીમાં સરોવર રચાશે પરંતુ બેરેજ માટે કોન્ટ્રાક્ટ ફાળવી દીધા બાદ નવા કમિશનરના કાર્યકાળમાં એવું સપાટી પર આવ્યું કે, પાળા જ બન્યા નથી તો બેરેજ-રિવરફ્રન્ટ કઈ રીતે બનશે? પહેલાં પાળાનો ઇજારો સોંપવાનો હતો પરંતુ ઉતાવળે બેરેજનો ફાળવી દેવાયો. આમ હવે બેરેજની કોસ્ટ પણ વધતી જ જશે.
બે કન્સલ્ટન્સી નિમવામાં જ 13 કરોડ ખર્ચાઈ જશે, ટેન્ડર મૂકાયાં
પાલિકાએ સમગ્ર 33 કિ.મી. માટે સૂચિત બેરેજ (રૂંઢ-ભાઠા)થી લઈ કઠોર બ્રિજ સુધી બંને કાંઠે રિવર ફ્રન્ટ માટે માસ્ટર પ્લાન અને ફિઝિબિલિટીના અભ્યાસ હેતુ ડિઝાઇન કન્સલ્ટન્સી સોંપશે તેમજ વલ્ડ બેંકની લોન મેળવનારા આ પ્રોજેક્ટ માટે પ્રોક્યોરમેન્ટ કન્સલ્ટન્સી નિમવા સહિતના બે ટેન્ડરો પાલિકાએ જાહેર કર્યા છે. આ બંને કન્સલ્ટન્સી પાછળ જ 13 કરોડથી વધુ ખર્ચ થાય તેમ છે.
વલ્ડ બેંકની ટીમ 4 વાર આવી ગઈ, પાલિકા પહેલાં 30% ખર્ચ કરશે
વલ્ડ બેંકની ટીમ 4 વખત આવી ગઈ છે. પ્રેઝન્ટેશનથી લઈને સ્થળ વિઝિટ સહિતની વિધિઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ છતાં લોન ફાળવી નથી. પાલિકા પહેલાં 30 ટકા ખર્ચ કરી કામગીરી આગળ ધપાવશે ત્યાર બાદ બાકીના જરૂરી ફાળા પેટે વલ્ડ બેંક લોન આપશે તેવી શરત હોવાતી હવે પાલિકાએ ફિઝિબિલિટી ચકાસણી, માસ્ટર પ્લાન સહિતની કામગીરી માટે ટેન્ડર જારી કર્યાં છે.
