રાજ્યભરમાં એસટી નિગમે 3650 વધારાની ટ્રીપ દોડાવી:તલાટીની પરીક્ષાને લીધે એક દિવસમાં જ એસટીને 10 કરોડની આવક થઈ

By Abhishek Raghuvanshi
1 Min Read

રવિવારે યોજાયેલી તલાટી-કમ-મંત્રીની પરીક્ષા એસટી વિભાગને ફળી છે. પરીક્ષા આપવા જનારા લગભગ 2 લાખથી વધુ ઉમેદવાર હોવાથી શનિવાર અને રવિવારે એસટીને લગભગ 19 કરોડની આવક થઈ હતી. રવિવારે થયેલી 10 કરોડની આવક એસટીના ઇતિહાસની સૌથી વધુ દૈનિક આવક હતી. મહેસાણા ડિવિઝનમાં સૌથી વધુ આવક થઈ હતી. રવિવારે એસટી વિભાગે 3650 વધારાની ટ્રીપ કરી હતી. આ ઉપરાંત દરેક જિલ્લામાં કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો હતો.

અંદાજ મુજબ 2.19 લાખ પરીક્ષાર્થીએ એસટીની મુસાફરી કરી
એક અંદાજ મુજબ 2.19 લાખ પરીક્ષાર્થીએ એસટીની મુસાફરી કરી હતી. મહેસાણા ડિવિઝનમાં આવતા 12 ડેપોમાંથી 1 કરોડથી વધારે આવક થઈ હતી. આ 12 ડેપો પરથી 500 વધારાની ટ્રીપ એસટીએ મારી હતી. તલાટીની પરીક્ષાના દિવસે વહેલી સવારથી મોડી રાત સુધી બસો દોડાવવામાં આવી હતી. મહેસાણા પછી પાલનપુર ડિવિઝનને અંદાજે 95 લાખ જ્યારે અમદાવાદ ડિવિઝનને 92 લાખથી વધુ આવક થઈ હતી. અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેશન ઉપરાંત એસ.જી. હાઇવે પર પણ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Exit mobile version