રજા હોવાથી મિત્રો સાથે બાઈક પર ફરવા નીકળ્યા:અણુવ્રત દ્વાર પાસે પોલીસથી બચવા BRTS કોરિડોરમાં 3 મિત્રો બાઈક લઈ ઘૂસ્યા,સિટીબસની અડફેટે 1નું મોત

By Abhishek Raghuvanshi
2 Min Read
  • 18 વર્ષીય ફરીદ શેખના મોત મામલે વેસુ પોલીસે સિટીબસના ચાલક સામે ગુનો દાખલ કર્યો

અણુવ્રત દ્વારા પાસે પોલીસથી બચવા માટે બીઆરટીએસ કોરીડોરમાં ઘુસી ગયેલા બાઈક સવાર ત્રણ યુવકોને સિટી બસ ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે સિટીબસના ડ્રાઈવર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ઉમરવાડા ખાતે રહેતો ફરીદ યુનુશ શેખ(18) કાપડની દુકાનમાં કામ કરી પરિવારને ગુજરાનમાં મદદરૂપ થતો હતો. તેના પિતા સુથારીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે રજા હોવાથી ફરીદ અને તેના બે મિત્રો સાથે બાઈક પર ફરવા માટે નીકળ્યા હતા.

મૃતક ફરીદ

ત્રણે બાઈક લઈ વેસુ અણુવ્રત દ્વાર પાસેથી પસાર થતા હતા. ત્યારે ટ્રાફીક પોલીસને જોઈને ત્રણે મિત્રોએ બાઈક બીઆરટીએસ કોરીડોરમાં ઘુસાડી દીધી હતી. દરમ્યાન પુરપાટ ઝડપે પસાર થતી બીઆરટીએસ બસના ડ્રાઈવરે ત્રણેને અડફેટમાં લઈ લીધા હતા. આ અકસ્માતમાં બાઈક પર પાછળ બેસેલા ફરીદને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અન્ય બે મિત્રોને સામાન્ય ઈજા થઈ હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલા ફરીદને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન સોમવારે મળસ્કે તેનું મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે વેસુ પોલીસે બીઆરટીએસ બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સિટીબસમાં ચડવામાં ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને ડ્રાઇવર સિવિલમાં લઇ ગયો
નાનપુરા ટીએન્ડટીવી સ્કુલ પાસે સોમવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સિટીબસનો ચાલક બસનો ટર્ન લેતો હતો. ત્યારે સ્કુલમાંથી છુટેલા બાળકો બસમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાક વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ધક્કો મારતા પડી ગયેલા વિદ્યાર્થીની આંગળીઓ પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ડ્રાઈવર અને કંડક્ટર બસમાં જ સારવાર માટે સિવિલ લઈ ગયા હતા. પાંડેસરા ગોપાલનગર રહેતો સમર્થ વિનય શર્મા(11) નાનપુરાની ટીએન્ડ ટીવી સ્કુલમાં ધો. 7માં અભ્યાસ કરે છે.

સિટીબસનો ડ્રાઈવર બસને ટર્ન મારી રહ્યો હતો
સોમવારે બપોરે સમર્થ સ્કુલમાંથી છુટી ઘરે જવા માટે નીકળ્યો હતો. સ્કુલની સામે જ સિટીબસનો ડ્રાઈવર બસને ટર્ન મારી રહ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓ બસમાં ચડવાનો પ્રયાસ કરતા હતા. બસમાં ચડવા જઈ રહેલા સમર્થને પાછળથી અન્ય વિદ્યાર્થીઓએ ધક્કો મારત પડી ગયો હતો અને તેના પગની આંગળીઓ પરથી બસનું પાછળનું વ્હીલ ફરી વળ્યું હતું

- Advertisement -
Exit mobile version