કોઇ પણ જાતના ચાર્જ વગર એક્સીસ બેંકનું ક્રેડિટ કાર્ડ ચાલુ કરી આપવાના બહાને ફાર્માસિસ્ટ યુવકના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 6.22 લાખની લોન કરાવી લોનની તમામ રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેનાર સાઇબર માફિયા સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સાઇબર ફ્રોડની તપાસ શરૂ કરી છે.
ભાગ બનનાર હોસ્પિટલમાં નોકરી કરે છે
તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, શહેરના ટી.પી.-114, સી-201, અર્બન રેસિડેન્સી, ભાયલીમાં રાજેશ નરસિંહભાઇ રાઠવા પરિવાર સાથે રહે છે. ગોરવા ખાતે આવેલી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે બે વર્ષથી નોકરી કરે છે. તેનું અલકાપુરી ખાતે આવેલી એક્સીસ બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ છે.
ફોન કરી ક્રેડિટ કાર્ડ અંગે વિગત મેળવી
એક્સીસ બેંકમાંથી રાજેશ રાઠવા ઉપર ક્રેડિટ કાર્ડ માટે ફોન આવ્યો હતો. આથી તેઓ પોતાની સહમતી દર્શાવ્યા બાદ બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ કુરિયર દ્વારા મોકલવામાં આવ્યું હતું. પરંતુ, ક્રેડિટ કાર્ડનો વાર્ષિક ચાર્જ રૂપિયા 500 હોવાથી તેઓએ કાર્ડ એક્ટિવેટ કરાવ્યું ન હતું. દરમિયાન તા. 15-4-2023ના રોજ રાજેશને સૌરભ શર્મા નામના ભેજાબાજે એક્સીસ બેંકમાંથી બોલું છું, તેમ જણાવી ફોન કર્યો હતો. જેમાં તેણે ક્રેડિટ કાર્ડ કેમ ચાલુ કરતા નથી તેવો સવાલ કર્યો હતો.
કોઇ પણ ચાર્જિસ વગર કાર્ડ આપવાની લાલચ આપી
રાજેશ રાઠવાએ ક્રેડિટ કાર્ડ ચાલુ ન કરવા માટે ચાર્જિસ વધુ હોવાનું જણાવતા ભેજાબાજ સૌરભ શર્માએ કાર્ડ કોઇ પણ ચાર્જિસ વગર કરી આપવા માટે જણાવતા રાજેશે ક્રેડિટ કાર્ડ ચાલુ કરવાની તૈયારી બતાવી હતી. રાજેશે કાર્ડ ચાલુ કરવાની તૈયારી બતાવતા ભેજાબાજે જરૂરી પ્રોસેસ કરવાના નામે જરૂરી વિગતો મેળવી લીધી હતી.
એકાઉન્ટમાં લોન રૂપે રકમ જમા થઈ
ભેજાબાજે જરૂરી વિગતો મેળવ્યા બાદ ગણતરીની મિનિટોમાં રાજેશ રાઠવાના એકાઉન્ટમાં રૂપિયા 6, 22,570 જમા થઇ ગયા હતા. રાજેશ રાઠવા પોતાના એકાઉન્ટમાં લોન રૂપે જમા થયેલી રકમ જોઇ ચોંકી ઉઠ્યો હતો. તુરંત જ તેને ભેજાબાજ સૌરભ શર્માને ફોન કરીને જણાવ્યું હતું કે, મારા એકાઉન્ટમાં રૂપિયા 6,22,570 લોન પેટે કેવી રીતે જમા થઇ ગયા. ત્યારે ભેજાબાજે જણાવ્યું હતું કે, ભૂલથી રકમ જમા થઇ ગઇ છે. થોડી વારમાં ડેબીટ થઇ જશે અને લોન કેન્સલ થયાનો મેસેજ પણ આવી જશે અને NOC પણ આવી જશે.
EMIનો મેસેજ જોઇ યુવક ચોંકી ઉઠ્યો
આ વાતચિત થયા બાદ ગણતરીની મિનિટોમાં રાજેશ રાઠવાના એકાઉન્ટમાં જમા થયેલી રૂપિયા 6,22,570 તબક્કાવાર ડેબીટ થઇ ગઇ હતી. પોતાના એકાઉન્ટમાંથી રકમ ડેબિટનો મેસેજ પણ રાજેશ રાઠવાએ જોયો હતો. પરંતુ તેને એવું વિચાર્યું કે, બેંકે ભૂલથી નાંખેલી રકમ પરત ડેબિટ કરી દીધી હશે. તેમ વિચારી તેઓએ ધ્યાન આપ્યું ન હતું. થોડીવાર બાદ એક્સીસ બેંકનો મેસેજ આવતા માસિક રૂપિયા 10 હજારનો EMIનો મેસેજ આવતા ચોંકી ઉઠ્યો હતો. તે બાદ તેણે ભેજાબાજ સૌરભ શર્માનો સંપર્ક સાધતા થઇ શક્યો ન હતો. આથી તેણે લાગ્યું કે, તેની સાથે છેતરપિંડી થઇ છે.
સાઇબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ આપી
દરમિયાન રાજેશ રાઠવાએ સાઇબર ક્રાઇમ ઓન લાઇન તમામ હકિકત સાથેની ફરિયાદ નોંધાવી હતી. ઓન લાઇન ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે રૂપિયા 6,22,570 ગુમાવનાર ફાર્માસિસ્ટ રાજેશ રાઠવાને પોલીસ મથકમાં બોલાવ્યો હતો. તેઓએ આપેલી હકીકતના આધારે ભેજાબાજ સૌરભ શર્મા સામે રૂપિયા 6,22,570 ની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
