મોતીયાના ઓપરેશનમાં વૃદ્ધે દૃષ્ટિ ગુમાવી:ડોક્ટરની બેદરકારીએ દર્દીની આંખમાં ચેપ લાગ્યો, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો 8 લાખનું વળતર વ્યાજ સાથે ચૂકવવા આદેશ

By Abhishek Raghuvanshi
6 Min Read

અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા 65 વર્ષીય રમેશભાઈ મકવાણાએ 2016માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલમાં જમણી આંખમાં મોતીયાનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ તેમને જમણી આંખની દૃષ્ટિ ગુમાવતા અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વકીલ રોહિત પટેલ દ્વારા વળતર માટે કેસ દાખલ કર્યો હતો. જેની પર ચુકાદો આપતા અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને અરજદારને 8 લાખ રૂપિયા વળતર વ્યાજ સાથે આપવા હુકમ કર્યો છે.

દર્દીએ 2016માં મોતીયાનું ઓપરેશન કરાવ્યું
આ કેસની વિગત મુજબ અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ રમેશભાઈ મકવાણા જમણી આંખમાં મોતીયાના ઓપરેશન માટે 2016માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં આંખના નિષ્ણાત અને આંખ વિભાગના હેડ ડો.બીના દેસાઈ દ્વારા તેમને લેઝરથી ટાંકા વગરની સર્જરી માટે સલાહ અપાઈ હતી. આ સર્જરીમાં સામાન્ય રીતે કોઈ તકલીફ પડતી નથી. તેમજ અડધો કલાકમાં સર્જરી પત્યા બાદ તે જ દિવસે દર્દીને રજા આપી દેવામા આવે છે.

ઓપરેશન બાદ આંખમાંથી પ્રવાહી નીકળ્યું
મોતીયાના ઓપરેશન માટે હોસ્પિટલમાંથી જ ખરીદાયેલ 950 રૂપિયાનો લેન્સ અરજદારની જમણી આંખમાં ઓપરેશન દ્વારા દાખલ કરાયો હતો. ઓપરેશન પહેલા અને બાદમાં આંખમાં નાખવાના ટીપા પણ દર્દીએ નાખ્યા હતાં. પરંતુ બીજા દિવસથી અરજદારને ઓપરેશન વાળી આંખમાંથી પ્રવાહી આવવાનું શરૂ થઈ ગયું હતું. માથુ પણ સતત દુઃખતુ હતું. આથી અરજદાર ફરી એલ.જી હોસ્પિટલ ગયા હતા. જ્યાં ડો.બીના દેસાઈએ ઓપરેશન વાળી આંખમાંથી લેન્સ કાઢી નાખીને વિવિધ પ્રકારના આંખના ટીપાં લખીને આપ્યા હતા. ઉપરાંત ઈન્જેકશન પણ આપ્યું હતું. તેમ છત્તા આંખમાંથી પ્રવાહી નીકળવાનું બંધ ન થતા દર્દીને ત્રણ મહિના માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે દરમિયાન દર્દીના તમામ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ દર્દીએ પોતાની જમણી આંખની દૃષ્ટિ ગુમાવી દિધી હતી.

2017માં દૃષ્ટિ ગુમાવ્યાનો કેસ દાખલ કર્યો
ઉલ્લેખનીય છે કે અરજદારની આંખનું જે દિવસે મોતીયાનું ઓપરેશન કરાયું હતું. તે જ દિવસે તે જ ડોકટરોની ટીમ દ્વારા એલ.જી હોસ્પિટલમાં જ અન્ય 4 દર્દીનું ઓપરેશન કરાયું હતું. જે લોકોએ પણ દૃષ્ટિ ગુમાવી દિધી હતી. આથી દર્દી રમેશભાઈ મકવાણાએ 2017માં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ડોક્ટરની બેદરકારીથી દૃષ્ટિ ગુમાવવા બદલ 15 લાખ રૂપિયાના વળતરની માંગ કરતો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં ડો.બીના દેસાઈ, એલ.જી.હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર(RMO) અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પ્રતિવાદી બનાવાયા હતા.

- Advertisement -

અરજદારે કમિશનમાં પુરાવા રજૂ કર્યા
અરજદારે કમિશનમાં પુરાવા તરીકે સારવારની ચોપડી, રસીદો, ડિસ્ચાર્જ કેસ, ડિસેબીલીટી સર્ટિફિકેટ સહિતના કાગળિયા મુક્યા હતા. ડો. બીના દેસાઈ તરફથી દાવો કરાયો હતો કે ઓપરેશન ડો.ગઝાલા મન્સુરીએ કર્યું છે. જે પણ આ કાર્યમાં નિષ્ણાત ડોકટર છે. તેઓ ફક્ત માર્ગદર્શક હતા. તેમજ ઓપરેશનમાં કોઈ ખામી નહોતી. ડો. બીના દેસાઈ આંખના નિષ્ણાત ડોકટર તરીકે 30 વર્ષથી કાર્યરત છે. જેઓ મહિને 50-60 સર્જરી કરે છે. તેમજ ગરીબો માટે 500 જેટલા કેમ્પ પણ કરી ચુક્યા છે.

સર્જરીમાં 5 લોકોએ દૃષ્ટિ ગુમાવી
એક જ દિવસની સર્જરીમાં કુલ 5 લોકોએ દૃષ્ટિ ગુમાવતા શા કારણે આ ઘટના બની તેની હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે ઓપરેશનમાં ‘સેવલોન’ એન્ટિસેપ્ટિકનો ઉપયોગ થયો હતો. જેના કલચર રિપોર્ટમાં તેની અંદર બેક્ટેરિયલ ગ્રોથ જોવા મળ્યો હતો. આ બેક્ટેરિયા દર્દીની આંખમાં પ્રવેશી જતા તેને ચેપ લાગ્યો હતો. જેમાં તેને આંખની દૃષ્ટિ ગુમાવી દિધી હતી. બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના આદેશથી ‘સેવલોન’ એન્ટિસેપ્ટિક લિકવિડ સપ્લાયર સામે પોલીસ FIR નોંધાવવામાં આવી હતી.

સર્જરી ડો.ગઝાલા મન્સુરીએ કરી છતાં પાર્ટી બનાવાઈ નથી
ઉલ્લેખનીય છે કે બચાવ પક્ષ દ્વારા કમિશનને જણાવાયું હતું કે સર્જરી ડો.ગઝાલા મન્સુરીએ કરી હોવા છતાં તેને આ કેસમાં પાર્ટી બનાવાઈ નથી. વળી દર્દી ડોક્ટરની બેદરકારી સાબિત કરી શક્યા નથી. આ કેસમાં દૃષ્ટિ જવાના કારણો માટે કોઈ નિષ્ણાતની સલાહ લેવામાં આવી નથી. મેડિકલ ક્ષેત્રે ઓપરેશનમાં હકારાત્મક અને નકારાત્મક પાસા હોય છે. જો દર્દીને અગાઉથી નકારાત્મક પાસાની જાણ કરાય તો તે ઓપરેશન કરાવે જ નહીં.

‘સેવલોન’ એન્ટિસેપ્ટિકમાં બેક્ટેરિયલ ગ્રોથથી ચેપ લાગ્યો
જો કે એલ.જી.હોસ્પિટલના RMO એ સ્પષ્ટ કહ્યું હતું કે અરજદારની સર્જરી ડો.બીના દેસાઈએ જ કરી હતી. આથી કોર્ટે નોંધ્યું હતું કે ડો.બીના દેસાઈ પોતાને બચાવી રહ્યા છે. વળી કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે ‘સેવલોન’ એન્ટિસેપ્ટિકમાં બેક્ટેરિયલ ગ્રોથને લઈને દર્દીની આંખમાં ચેપ લાગવાથી આ ઘટના બની, તેવો બચાવ ડોકટર કરી શકે નહીં. ડોક્ટરે દર્દીના ઓપરેશન પહેલા તમામ પ્રકારની કાળજી રાખવાની હોય. કમિશને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આ કેસમાં નિષ્ણાંતના અભિપ્રાયની જરૂર હોવાની વાતને નકારી દિધી હતી. તેમજ આરોપીએ પોતે પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી છે તે સાબિત કરવાની જવાબદારી આરોપીની જ હોય તેમ જણાવ્યું હતું.

ડોક્ટરની બેદરકારીથી જ દર્દીને ચેપ લાગ્યો
દર્દીને ઓપરેશન બાદ તકલીફ થતા તેને તુરંત હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. ડોક્ટરની બેદરકારીથી જ દર્દીને ચેપ લાગ્યો છે. ડોક્ટરની સેવામા ઉણપ રહી ગઈ છે. નાગરિકોના ટેક્સના પૈસે હોસ્પિટલ ચાલે છે તેમજ ડોક્ટરને પગાર પણ મળે છે. ફરિયાદી વૃદ્ધ છે, તેઓની પોતાની અત્યારે કોઈ આવક નહિ હોય. સરકારી હોસ્પિટલમાં ગરીબ અમે નીચલો મધ્યમ વર્ગ સારવાર મેળવે છે. લેબર લો અને મોટર એક્સીડેન્ટ ક્લેમ ટ્રીબ્યુનલ પ્રમાણે આંખ ગુમાવવી તે આવકની કેપેસિટીના 50 ટકા ગુમાવવા જેટલું નુકશાન છે.

દર્દીને 8 લાખ રૂપિયા વળતર વ્યાજ સાથે ચૂકવવા હુકમ
કમિશનના કોરમમાં અધ્યક્ષ કે.બી.ગુજરાથી અને સભ્ય વાય.ટી.મહેતા હતા. જેમને અરજદારને અરજી કરે એટલે કે 2017થી આજદિન સુધીમાં (6 વર્ષ) 8 લાખ રૂપિયા વળતર દર વર્ષના 8 ટકા વ્યાજ સાથે એક મહિનાની અંદર ચૂકવવા હુકમ કર્યો હતો. ઉપરાંત 10 હજાર રૂપિયા કાયદાકીય ખર્ચના આપવા હુકમ કર્યો હતો.

Exit mobile version