સુરતમાં ફરી માતા-પિતા માટે ચેતવા સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લિંબાયતમાં એક વર્ષની માસૂમ બાળકી એસિડ ગટગટાવી ગઈ હતી. જેના પગલે ગંભીર હાલતમાં બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માતા રસોડામાં વ્યસ્ત હતી ને બાળકી એસિડ પી ગઈ હતી.
એસિડની બોટલને પાણી સમજી એસિડ પી લીધું
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મદીના મસ્જિદ નજીકના વિસ્તારમાં રસોડામાં રમતાં રમતાં એક વર્ષની માસૂમ બાળકી એસિડ ગટગટાવી ગઈ હતી. માતા ઘરમાં રોજા ખોલવાના હોવાથી રસોડામાં કામમાં વ્યસ્ત હતી જે દરમિયાન બાળકીએ ઘરમાં રહેલા એસિડની બોટલને પાણી સમજી એસિડ પી લીધું હતું.જેથી બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
બાળકી 50 એમએલ જેટલું એસિડ ગટગટાવી ગઈ
સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બાળકી 50 એમએલ જેટલું એસિડ ગટગટાવી ગઈ હતી. તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક આઇસીયુ વિભાગમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ બાળકીની હાલત ગંભીર છે.
થોડા દિવસ પહેલા બાળકી વીંટી ગળી જતાં અન્નનળીમાં ફસાઈ હતી
મૂળ ઓડિશાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મહંતોની 5 વર્ષીય પુત્રી મનસ્વી મંગળવારે ઘરે રમત રમતી હતી. આ દરમિયાન દીકરી રમતાં-રમતાં પોતાના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોઢામાં નાખી હતી. ત્યારે અચાનક બાળકીથી વીંટી ગળાઈ જતાં ગળામાં દુખાવો શરૂ થયો હતો. બાળકી વીંટી ગળી ગઇ હોવાની જાણ થતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો. ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યાર બાદ પરિવાર બાળકીને લઈ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. એક કલાક દૂરબીનની મદદથી તબીબોને અન્નનળીમાં ફસાયેલી વીંટી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
