ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક ભવનમાં અભ્યાસ કરતા પ્રોફેસરની વર્ષ 2018માં ખોટી રીતે ભરતી કરી હોવાની યુનિવર્સિટીના વિવાદિત પૂર્વ પ્રોફેસરે ફરિયાદ કરી હતી. આ ફરિયાદના સંદર્ભમાં ઉચ્ચ શિક્ષણ દ્વારા તપાસ સોંપવામાં આવી છે. જેથી 4 નિષ્ણાંત પ્રોફેસરની તપાસ કમિટી બની છે. જે ગુજરાત યુનિવર્સિટીમાં થયેલ પ્રોફેસરની ભરતી બાબતે તપાસ કરી રહી છે. જોકે, આ તપાસ દરમિયાન કેટલાક પ્રોફેસરોએ તપાસ કમિટી અને ગુજરાત યુનિવર્સિટીને ફરિયાદ કરનાર પ્રોફેસર પણ ભરતી સમયે હાજર હોવાથી ભરતી ખોટી હોય તો તેમનો રોલ હોવાનું જણાવી ભરતી કરનાર પ્રોફેસર સામે પણ પગલાં લઈને પેન્શન બંધ કરવા જણાવ્યું છે.
પૂર્વ પ્રોફેસરની ઉચ્ચ શિક્ષણ વિભાગને ફરિયાદ
ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ વિભાગમાં વર્ષ 2018માં ભરતી કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર પી.પી. પ્રજાપતિએ ઉચ્ચ શિક્ષણ વિભાગને ફરિયાદ કરી છે કે, યુનિવર્સિટીમાં કેટલાક પ્રોફેસરની ભરતી 7થી વધુ હાયર પેમેન્ટ કોર્ષ અથવા ખાનગી કોર્સમાં કરવામાં આવી છે, જે ખોટી છે. પી.પી. પ્રજાપતિની ફરિયાદને લઈને ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં નિષ્ણાત પ્રોફેસર પણ છે.
તપાસમાં યુનિવર્સિટી તરફથી પૂરો સાથ સહકાર
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 3 દિવસથી તપાસ કમિટી દ્વારા પ્રોફેસરની ભરતીને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પ્રોફેસરોએ ભરતી સમયે જે ડોક્યુમેન્ટ આપ્યા હતા તે પણ યુનિવર્સિટી પાસે માગવામાં આવ્યા છે. તપાસ કમિટીના સભ્યના જણાવ્યા અનુસાર અત્યારસુધીની તપાસમાં યુનિવર્સિટી તરફથી પૂરો સાથ સહકાર મળી રહે છે. આગામી દિવસોમાં કાગળ આવ્યા બાદ તેનું વેરિફીકેશન કરવામાં આવશે.
પૂર્વ પ્રોફેસર પર 4 અલગ અલગ ફોજદારી ગુના
તપાસ કમિટી તપાસ કરી રહી હતી તે દરમિયાન કેટલાક પ્રોફેસરોએ તપાસ કમિટી અને ગુજરાત યુનિવર્સિટીને લેખિતમાં જણાવ્યું છે કે, ફરિયાદ કરનાર પૂર્વ પ્રોફેસર પર 4 અલગ અલગ ફોજદારી ગુના નોંધાયા છે. આ પ્રોફેસર પણ ભરતી સમયે વિભાગમાં ફરજ બજાવતા હતા. 4 વર્ષ બાદ ભરતીને ચેલેન્જ કરવામાં આવી છે તો તે સમયે પ્રોફેસર પણ ભરતી પ્રક્રિયાનો ભાગ હતા. ભરતીમાં ખોટું જણાય તો સૌપ્રથમ પ્રોફેસરે ખોટી ભરતી કરી જેથી તેમની સામે કાર્યવાહી કરી તાત્કાલિક પેન્શન બંધ કરવું જોઈએ. તપાસ કમિટી દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે અમને સ્વીકાર છે.
