પ્રજા દુ:ખી અને કોન્ટ્રાક્ટરો સુખી:લાખો-કરોડોનું કામ મળ્યા પછી રાજકીય પીઠબળ ધરાવતા કોન્ટ્રાક્ટરો નરી વેઠ ઉતારે છે

By Abhishek Raghuvanshi
4 Min Read
  • હાટકેશ્વર બ્રિજમાં વપરાયેલું મટીરિયલ હલકી કક્ષાનું હતું
  • સરકારની તપાસમાં પણ ઘટસ્ફોટ થયો

અમદાવાદ માટે થતાં વિકાસ કામોમાં રાજકીય પીઠબળ ધરાવતાં કોન્ટ્રાક્ટરોને લાભ કરી આપવાની ગોઠવણો થતી હોવાનું મ્યુનિ.ના સૂત્રોમાં જ ચર્ચાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરો એકવાર લાખોનો કોન્ટ્રાક્ટ મળી જાય પછી નબળી ગુણવત્તાનું કામ કરતા હોય છે. આમ છતાં તેમની સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવતી હોતી નથી.

હાટકેશ્વર બ્રિજમાં વપરાયેલું હલકી ગુણવત્તાનું મટીરિયલ, મલ્ટિલેવલ પાર્કિંગમાં જૂનાં સાધનો પર નવા સ્ટિકર જેવા અનેક મુદ્દા ઉપસ્થિત થયા છે. એકંદરે રાજકીય પીઠબળ ધરાવતા કોન્ટ્રાક્ટર સુખી થાય છે અને શહેરની પ્રજા દુ:ખી થાય છે.

હાટકેશ્વર બ્રિજ તોડવાની નોબત આવી
મકાનનું ધાબું ભરવા માટે વપરાતી કોંક્રિટ કરતાં પણ ઓછી કોંક્રિટથી બનેલો હાટકેશ્વર બ્રિજ તોડવાની નોબત આવી છે. વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવાયો હતો. મંગળવારે શહેરી વિકાસ સચિવ મુકેશ કુમાર, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન અને બ્રિજ પ્રોજેક્ટના એડિશનલ સિટી એન્જિનિયર હિતેશ કોન્ટ્રાક્ટરે બ્રિજની મુલાકાત લઈ ચકાસણી કરી હતી. સરકારની તપાસમાં પણ એવો ઘટસ્ફોટ થયો છે કે, હાટકેશ્વર બ્રિજમાં વપરાયેલું મટીરિયલ હલકી કક્ષાનું હતું.

અધિકારીઓએ હાટકેશ્વર બ્રિજની મુલાકાત લેતા અનેક અટકળો શરૂ થઈ ​​​​​​​
ત્રણ ઉચ્ચ અધિકારીઓએ એકાએક હાટકેશ્વર બ્રિજની મુલાકાત લેતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. હવે આ બ્રિજ ઉતારીને નવેસરથી બનાવવામાં આવે તેવી શક્યતા વધુ છે. સમીક્ષા માટે પહોંચેલા કમિશનર થેન્નારસનને બ્રિજની સ્થિતિ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે તેમણે જણાવ્યું હતું કે, રૂડકી ખાતે મોકલવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ આવે તેની અમે પણ રાહ જોઈએ છે. એકવાર આ રિપોર્ટ આવી જાય પછી જવાબદારો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.

- Advertisement -

ટેસ્ટિંગ રિપોર્ટ મુજબ આ બ્રિજ ઉપયોગમાં લઈ શકાય તેવો નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર હાટકેશ્વર નવેસરથી બનાવવામાં આવે તો આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પર કયા પ્રકારની અસરો પડી શકે છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બ્રિજની લાઈફ 50 વર્ષ નક્કી કરવામાં આવી હતી. પરંતુ માત્ર 5-6 વર્ષમાં જ પોલ ખૂલી ગઈ છે. હાટકેશ્વર બ્રિજની વચ્ચેના 45-45 મીટરના બે ગાળામાં વપરાયેલા મટીરિયલના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા હતા. ટેસ્ટિંગ રિપોર્ટ મુજબ કોઈપણ સંજોગોમાં આ બ્રિજ ઉપયોગમાં લઈ શકાય તેવો નથી. હજુ 35-35 મીટરના 6 ગાળામાં વપરાયેલા મટીરિયલનો રિપોર્ટ આવવાનો બાકી છે.

બ્રિજ બનાવનારી કંપનીને પેનલ્ટીમાંથી રાહત
હાટકેશ્વર બ્રિજ બનાવી અજય એન્જિનિયરિંગને અગાઉ કમિશનરે 2.37 કરોડ પેનલ્ટી કરી હતી. પરંતુ આ પેનલ્ટીની રકમ ઘટાડીને રૂ.23.69 લાખ કરી દેવામાં આવી હતી. આ મુદ્દે પણ ભારે વિવાદ થયો હતો.
કોંગ્રેસ ખોખરા પોલીસમાં આજે ફરિયાદ નોંધાવશે
મ્યુનિ. વિપક્ષ કોંગ્રેસે આ હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, આ એક ગુનાઈત કૃત્ય છે. આ મુદ્દે બુધવારે કોંગ્રેસના કાર્યકરો ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે. પક્ષે લોકોની પરેસવાની કમાણીમાંથી મળેલા ટેક્સના પૈસાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો છે.

ભરતી કોન્ટ્રાક્ટ માટે ચિઠ્ઠી ઉછાળાઈ ભાજપ કોર્પોરેટરનો પરિવાર લાભાર્થી!

આરોગ્ય વિભાગમાં ભરતી માટે 10 ટેન્ડરમાં સરખો ભાવ, અંતે ચિઠ્ઠી ઉછાળી
મ્યુનિ. હોસ્પિટલો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સહિતના યુનિટમાં કોન્ટ્રાક્ટ પર કામદારો લેવાના 10 ટેન્ડર મ્યુનિ.ને મળ્યા હતા. દસેય ટેન્ડરમાં સરખો ભાવ આવતાં અધિકારીઓએ ચિઠ્ઠી ઉપાડીને 3ને કોન્ટ્રાક્ટ આપ્યા હતા. આમાંથી પણ એક કોન્ટ્રાક્ટ ભાજપના કોર્પોરેટર શીતલ ડાગાના પરિવારના સભ્યોને મળ્યો છે. કુલ 188 ખાલી જગ્યા માટે ટેન્ડર મગાવાયા હતા. 3 કોન્ટ્રાક્ટરની રેન્ડમ પસંદગી માટે ઈ-ગવર્નન્સ વિભાગ પાસે મદદ મગાઈ હતી પરંતુ વિભાગે કહ્યું, અમારી પાસે આવું સોફ્ટવેર નથી.

શીતલ ડાગાએ કહ્યું, કોઈ કોર્પોરેટરને કોન્ટ્રાક્ટ મળતો નથી

કેમ 10 કોન્ટ્રાક્ટરોનો ભાવ એક સરખો આ‌વ્યો?
કોર્પોરેટર શીતલબહેન ડાગાના પરિવાર પાસે મ્યુનિ.માં આ ત્રીજો કોન્ટ્રાક્ટ હોવાનું સૂત્રોનું કહેવું છે. હેલ્થ વિભાગમાં કામદારો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ ડાગા ગ્રૂપની મારુતિ ટ્રાવેલ્સને આપવામાં આવ્યો છે.

Exit mobile version