નરોડા હત્યાકાંડ કેસના 1780 પાનાના ચુકાદામાં ડેઝિગ્નેટેડ જજ શુભદા બક્ષીએ અવલોકન કર્યુ છે કે, કોર્ટના રેકર્ડ પર આવેલા સમગ્ર પુરાવા, લેખિત દલીલો, ચુકાદાઓ જોતાં ફરીયાદપક્ષ કોઇપણ રીતે આરોપીઓએ ગુનાઈત કાવતરું રચી, ગેરકાયદે મંડળી રચી તેઓનો એક સમાન ઇરાદો પાર પાડવા કોઇ દુષ્કૃત્ય કે કોઇનું મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકતો પુરવાર કરી શક્યા નથી.
ડો. માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરતાં કોર્ટે ટાંક્યું હતું કે, નરોડા પાટિયા-નરોડા ગામ હત્યાકાંડ એક જ સમય, એક જ તારીખે બન્યો હતો, તો આરોપી બંને જગ્યાએ કેવી રીતે હાજર હોઈ શકે? ગુડલક ટાયરવાળા મોહંમદરફીક અને તેના પુત્ર અલ્લાઉદ્દીનને તેમજ અબ્દુલસત્તારના ઘરમાં મૃત્યુ પામેલા અને મદીનાબેનના ઘરમાં મૃત્યુ પામેલાને જીવતા સળગાવવા કોઈ હકીકત રજૂ થયેલ પુરાવાને આધીન ફરિયાદ પક્ષ પુરવાર કરતા નથી. એડવોકેટ ચેતન શાહ અને હિરેન પટેલે રજૂ કરેલી લેખિત દલીલોમાં બનાવના દિવસે ગુડલક ટાયરના બનાવમાં આરોપી વિનુ માવજી કોળીને પણ ઈજા થઈ હતી. અને તેણે દવાખાનામાં ડોક્ટર પાસે સારવાર કરાવેલી છે. વિનુ કોળીને કેવી રીતે ઇજા થયેલી તે અંગે ફરિયાદ પક્ષે રજૂ કરેલ પુરાવો જોતાં ગુડલક ટાયરના શેઠે તલવાર મારતા તેને ઇજા થઇ હતી.
ઇજાગ્રસ્ત વિનુને આરોપી બતાવવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરી 2002ના રોજ બનાવમાં જ્યારે રજૂ થયેલ પુરાવા જોતાં સામસામે પથ્થરમારો અને હિન્દુ ટોળું મુસ્લિમ મહોલ્લામાં પ્રવેશ કરે નહીં માટે ટાયરો સળગાવી અને વચ્ચે લોડિંગ રિક્ષા, સાઈકલ તથા પલંગ મૂકી સળગાવવામાં આવેલ છે. ત્યારે આ કામે તે જ બનાવમાં સામે આનંદ સિનેમા પાસે ઘનશ્યામ પટેલની હત્યા થઈ હતી. તે જ રીતે વિનુ કોળીને પણ ઈજા થાય છે. ત્યારે બન્ને સંદર્ભે રજૂ થયેલ પુરાવાના અનુંસધાને તેને થયેલી ગુડલક ટાયરના શેઠ મોહંમદરફીક શેખનું અવસાન થયેલ છે. તે સંદર્ભે વધુ કોઇ ખુલાસો કે સ્પષ્ટતા થાય નહીં.
ગુનાઈત કાવતારમાં આરોપીઓએ કોઇ ભાગ ભજવેલ હોય કે કોઇને મારતા, સળગાવતા કે લૂંટફાટ કરતા હોય તેવું રજૂ થયેલા પુરાવાથી પુરવાર થતું નથી. બનાવના દિવસે આરોપીના સબંધીના અવસાન થતાં બારમાની વિધી ચાલતી હતી. એ વખતે ઠાકોરવાસમાં પથ્થરમારો થતા તમામ લોકો બારમાની વિધી પડતી મૂકીને બધા ઘર ખુલ્લા મૂકીને જતા રહેલ હોય તે સ્પષ્ટ જણાય છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુનાઈત કાવતરું રચી 28 ફેબ્રુઆરી 2002 ના રોજ સવારથી નરોડા ગામમાં ફુવારા પાસે આરોપીઓ ભેગા થયા હતાં. અને ટોળાને ઉશ્કેરણી જનક ભાષણ આપી ઉશ્કેરયા હતાં. અને ગેરકાયદે મંડળી રચી ચંદુલાલ વાણીયાની ચાલીમાં મરણ જનાર આરીફહુસેન,સાબીરહુસેન, ઝાકીરહુસેન, જૈનમબીબી તથા કુંભારવાસમાં મરણ જનાર અબ્દુલસત્તાર, તેની પત્ની સુગરા બીબી, દીકરી કરીમાબીબી, પૌત્રી રઝિયાબાનું અને ગુડલક ટાયરવાળા મોહંમદસૈન અને તેના દીકરા અલાઉદ્દીનને જીવતા સળગાવ્યા હોય તેવો ફરિયાદ પક્ષ કોઇપણ રીતે પુરવાર કરી શકી નથી. બચાવપક્ષનો પુરાવો જોતાં આરોપીઓ પ્રથમથી જ એલીબી પ્લી સાથે નરોડા પાટિયામાં હાજરી પુરવાર થયેલી છે.
21 વર્ષે આવેલા ચુકાદાની ભીતરમાં
તમામ 67ને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાનાં કારણો પણ કોર્ટે આપ્યાં
ડેઝિગ્નેટેડ કોર્ટે હત્યાકાંડના દિવસે માયા કોડનાની વિધાનસભા, સોલા સિવિલ અને તેમના શિવમ નર્સિંગ હોમમાં હોવાના પુરાવા સ્વીકાર્યા છે. બાબુ બજરંગી ખેડબ્રહ્માની હોસ્પિટલમાં દાખલ હતો પણ સીટે ત્યાંના ડોક્ટરનું નિવેદન લીધું નથી.
માયાબહેન કોડનાની; કોર્ટે કહ્યું, કોઈ પુરાવા ન હતા છતાં ઘટના બન્યાનાં 6 વર્ષ પછી આરોપી બનાવાયાં
માયા કોડનાની નરોડા પાટિયામાં દોષિત ઠર્યા હતા. ત્યારબાદ હાઈકોર્ટમાં અપીલ થતાં નિર્દોષ છૂટ્યા હતા. તેનું અવલોન કરી, રેકોર્ડ પર કોલ ડિટેઈલ્સનો પુરાવો ધ્યાને લેતાં ઘટનાના સમય અને સ્થળે તેમની હાજરીને સમર્થન મળતું નથી. 2008માં એસઆઈટીએ કાવતરામાં નામ જાહેર કર્યું. 6 વર્ષ પછી કઈ રીતે આરોપીની સંડોવણી પ્રથમ વખત જાહેર કરી? કોઈ પુરાવો હતો નહીં છતાં આરોપી તરીકે દર્શાવી ચાર્જશીટ કરી. જે સાક્ષીઓએ નામ જાહેર કર્યા તેમાં સાડા છ વર્ષના વિલંબ માટે કોઈ કારણ નથી. સુપ્રીમના આદેશ મુજબ વધુ તપાસ કરવાની હતી. ફરીથી કોઈ તપાસ કરવાની ન હતી. નરોડા પાટિયા કેસમાં આરોપી તરીકે દાખલ થયેલ હોય ત્યારે ફરીથી એક જ વ્યક્તિ એક જ સમયે અનેક જગ્યાએ કેવી રીતે હાજર હોઈ શકે? 28 ફેબ્રુઆરી 2002એ તેમની હાજરી નરોડા ગામ કે નરોડા પાટિયા નહીં પરંતુ વિધાનસભા, સોલા સિવિલ તેમના ઘરે અને નર્સિંગ હોમ હતી.
બાબુ બજરંગી; હોસ્પિટલમાં દાખલ છતાં સીટે ડોક્ટરનું નિવેદન ન લીધું
બનાવના દિવસે ખેડબ્રહ્માની વરદાન હોસ્પિટલમાં દાખલ હતા. તેમની પાસે સારવારના પેપર હોવા છતાં એસઆઈટીએ ડોક્ટરનું નિવેદન લીધું નહીં. 28 ફેબ્રુઆરી 2002એ ગોધરાકાંડમાં સોલા સિવિલમાં મૃતદેહો લાવવામાં આવ્યા ત્યારે તેઓ ત્યાં હાજર હતા. મૃતદેહ સોંપાયા ત્યારે તેમના સંબંધીનો મૃતદેહ પણ સોંપાયો હતો. જેને અંતિમવિધિ માટે તેઓ ખેડબ્રહ્મા લઈ ગયા હતા. જ્યાં તેમની તબિયત લથડતાં વરદાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોર્ટે સાંયોગિક પુરાવાના અભાવને કારણે બાબુ બજરંગીને નિર્દોષ જાહેર કર્યા હતા.
ડો. જયદીપ પટેલ; કોલ ડીટેઈલ ઘટના સ્થળે હાજરી હોવા અંગે કોઈ જ સમર્થન આપતી નથી
નરોડા હત્યાકાંડની તપાસ યોગ્ય રીતે થતી નથી આથી તપાસ અન્ય એજન્સીને સોંપવા તેમજ માયાબેન કોડનાની અને જયદીપ પટેલને આરોપી બનાવવા સુપ્રીમ કોર્ટમાં કરાયેલા 9 અસલ સોગંદનામાં હાલમાં પણ કયાં છે? તે અંગે ફરિયાદ પક્ષ કોઇ ખુલાસો કરી શકી નથી. રેકર્ડ ઉપર પ્રિન્ટેડ ફરિયાદ અરજીમાં જયદીપ પટેલનંુ નામ જાહેર થયેલું. પરંતુ તે પ્રિન્ટેડ ફરિયાદ અરજી સંદર્ભે પણ તે કઇ રીતે તૈયાર થયેલ છે? અને કઇ રીતે આરોપીઓના નામ જાહેર કરવામાં આવેલા છે? રેકર્ડ પર રજુ કરેલ જયદીપ પટેલના કોલ ડિટેઈલ તથા ટાવર લોકેશન જોતાં તેમની બનાવના દિવસે સમયે અને ઘટના સ્થળે હાજરીને સમર્થન કરતી નથી. ફરિયાદ જયદીપ પટેલને કયાં જોયેલા? કેટલા વાગે જોયેલા? અને સૂત્રોચ્ચારો કરતાં હતા કે કેમ તેવો કોઇ ઉલ્લેખ નથી. તેમજ તપાસ દરમિયાન તેમની પાસે પિસ્તોલ હોય અને ખાનગી ફાયરિંગ કરેલ હોય તેવો પુરાવો પણ તપાસ દરમિયાન મળેલો નહીં.
67 આરોપીએ 10 વકીલ રોક્યા, 1 આરોપી જાતે કેસ લડ્યો હતો
નરોડા ગામ કેસમાં કુલ 67 આરોપીઓએ પોતાનો કેસ લડવા માટે 10 વકીલો રોક્યા હતા. મોટાભાગના આરોપીએ ચેતન શાહ અને હિરેન પટેલને રોક્યા હતા. એકમાત્ર આરોપી રાજકુમાર ચોમાલે પોતાનો કેસ જાતે લડ્યો હતો. જ્યારે માયા કોડનાનીએ યોગેશ લાખાણી અને અમિત પટેલને રોક્યા હતા. ઉલ્લેખનયી છે કે, 28 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન બનેલી ઘટના અંગે પોલીસ અને એસઆઈટીએ 2002, 2004, 2008, 2009, 2010માં 10 જેટલી ચાર્જશીટ કરી હતી. જ્યારે 30 સપ્ટેમ્બર 2009 અને 9 જુલાઈએ ચાર્જફ્રેમ કર્યો હતો. 187 જેટલા વ્યક્તિઓએ મૌખિક પુરાવા આપ્યા હતા. જ્યારે 58 સાક્ષીઓએ નિવેદન આપ્યા હતા. ફરિયાદી પક્ષના 187 અને બચાવ પક્ષના 58 સાક્ષીની ઉલટતપાસ થઈ હતી જે બે વર્ષ સુધી ચાલી હતી. રમખાણોનો આ પહેલો કેસ છે જે 21 વર્ષ સુધી ચાલ્યો હતો.
સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2003માં ટ્રાયલ પર સ્ટે આપ્યો હતો અને ઓગસ્ટ 2008માં સીટની રચના કરી હતી. સીટે ચાર્જશીટ દાખલ કર્યા પછી સુપ્રીમે મે 2009માં સ્ટે હટાવ્યો હતો.
