- કાપોદ્રામાં પિધ્ધડ સાજને 6ને ઉડાવ્યા બાદ પણ પાલિકા અને પોલીસ તંત્રએ કોઈ બોધપાઠ ન લીધો
- મુખ્ય માર્ગો પર લારીઓનાં દબાણ, આડેધડ પાર્કિંગ, ખાડા અને સિંગલ લેનથી ટ્રાફિક જામ થતાં વાહનો BRTSમાં જાય છે
હેતલ શાહ
રવિવારે કાપોદ્રાના BRTS રૂટમાં પિધ્ધડ કારચાલકે 6 લોકોને ઉડાવી અપંગ બનાવી દીધા હતા. જો કે, આ ઘટના પછી પણ પાલિકા અને પોલીસ તંત્રએ કોઈ બોધપાઠ લીધો હોય એમ લાગતું નથી. જાહેર રોડ પર લારી-પાથરણવાળા કે રિક્ષા-કાર જેવા વાહનોના દબાણોના કારણે ઘણાખરા રોડ હંમેશા બ્લોક જ રહે છે, જેથી વાહનચાલકો BRTS રૂટમાં ઘૂસવા મજબૂર બની રહ્યા છે.
શહેરના વરાછા, ભાઠેના અને કતારગામમાં આવા દૃશ્યો રોજ જોવા મળી રહ્યા છે. રોડ પરના દબાણો હટાવી ટ્રાફિક હળવો કરવામાં પાલિકા તથા પોલીસ તંત્ર સફળ રહ્યા નથી ત્યારે ચાલકો BRTS રૂટમાં કેમ પ્રવેશી રહ્યા છે તે બાબતે જાણવા ‘દિવ્ય ભાસ્કર’એ પ્રયાસ કર્યો હતો.
સરદાર માર્કેટ સામે તો આખા સર્વિસ રોડ પર લારીઓનો કબજો
મુખ્ય માર્ગ સિંગલ રોડ બની ગયાવરાછાના કીર્તિ ગજેરાએ કહ્યું કે, રોડ પર પાર્કિંગ થતાં ટ્રાફિક જામ થાય છે. જેથી વાહનો BRTS રૂટમાં જાય છે. સરથાણાના વિમલ પરમારે કહ્યું કે, વરસાદમાં રોડ ધોવાતાં ખાડાથી બચવા BRTSમાં જાય છે. વેલંજાના પ્રકાશ વડોદરિયાએ કહ્યું કે, રિક્ષા રોડ પર જ ઊભી રહેતાં ટ્રાફિક જામ થાય છે.
દબાણો સામે કડક કાર્યવાહી કરાશે
શહેરમાં ઘણા સ્થળે રસ્તા પર દબાણો થાય છે, જેમાં નિયમિત કાર્યવાહી પણ કરવામાં આવે છે. જો કે, કાપોદ્રાની ઘટના પછી પાલિકા આવા દબાણો સામે કડ હાથે કાર્યવાહી કરશે. હાલમાં મેટ્રોની કામગીરીને કારણે પણ સમસ્યા છે. > કમલેશ નાયક, ડેપ્યુટી કમિશનર, સિટીલિંક
સાજન લાઈસન્સ વગર જ કાર હંકારતો હતો, નવી કલમનો ઉમેરો
8 ગુનાના આરોપી સામે પોલીસ પાસાની કાર્યવાહી કરશે?
સાજને દારૂ ક્યાંથી લીધો? બુટલેગરોને સાચવતી પોલીસ
સુરત ઃ 27 વર્ષિય સાજન પટેલે કાપોદ્રામાં 6 જણાને ઉડાવ્યા ત્યારે તેની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ જ ન હતું, જેથી પોલીસે મોટર વ્હીકલ એક્ટ-181નો ઉમેરો કર્યો છે. જો કે, સાજને દારૂની પાર્ટી ક્યાં કરી અને દારૂ ક્યાંથી લાવ્યો તેવી કોઇ તપાસ ન કરી રિમાન્ડ વગર જ જેલમાં મોકલી દેવાયો છે.
જો રિમાન્ડ લીધા હોત તો ઘણી ચોંકાવનારી હકીકતો ખુલી શકી હોત. બીજા દિવસે પોલીસે સાજનનો વરઘોડો કાઢીને વાહવાહી મેળવી હતી. સાજન સામે કુલ 8 ગુના નોંધાઇ ચૂક્યા છે ત્યારે પોલીસ પાસાની કાર્યવાહી કરશે કે નહીં તે પણ ચર્ચાનો વિષય છે.
BRTS રૂટમાં વાહનો ઘૂસે તો કડક કાર્યવાહી
શહેરમાં વધતા અકસ્માતો વચ્ચે પોલીસ કમિશનર અજય તોમરે રોડ સેફ્ટીની બેઠક યોજી હતી, જેમાં બીઆરટીએસ રૂટમાં વાહનો દોડાવનારા સામે કડક કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો છે. કમિશનરે નવા સિગ્નલો સત્વરે લગાડવા તાકીદ કરી હતી. પાલિકાના અધિકારીઓને જણાવ્યું કે, જરૂર પડે સત્વરે બંદોબસ્ત મળી જશે.
