ગ્રાન્ટનો અભાવ:ચોમાસાના પ્રારંભે જ રોડ રિપેરિંગમાં 7 કરોડ ફૂંકી દીધા, હવે વરાછા-લિંબાયતમાં 51 કરોડ ખર્ચાશે

By Abhishek Raghuvanshi
3 Min Read

  • 5 વર્ષમાં રસ્તા મરામત પાછળ 477 કરોડ ખર્ચાઈ ગયા, કાયમી ઉકેલ નહીં
  • ડામર કરતાં સીસી રોડમાં લાંબાગાળે ફાયદો હોવાથી શાસકો નવી પોલિસી તો લાવ્યા પણ ગ્રાન્ટનો અભાવ

ચોમાસાના પ્રારંભે જ શહેરમાં નવા બનેલા તેમજ જૂના એવા અસંખ્ય ડામર રોડનું નિકંદન નિકળી ગયું છે. નિર્માણ બાદ માંડ ત્રણ વર્ષ પણ નહીં ટકતાં રસ્તાઓને સીસી રોડ બનાવવા પૉલિસી લવાઈ 24 મીટર અને તેથી મોટા રસ્તા સીસી બનાવવાના છે પરંતુ ગ્રાન્ટ અભાવે અદ્ઘરતાલ છે. ત્યારે ડામર રોડ પાછળ પાલિકાને થતું આંધણ ચોમાસાના પહેલાં તબક્કાથી જ શરૂ થઈ ગયું છે.

ગણતરીના દિવસોમાં જ રસ્તાની દુર્દશા થતાં રિપેરિંગ પાછળ 7 કરોડ ખર્ચાઈ ગયા છે. હવે 51 કરોડની માતબર રકમના ખર્ચે લિંબાયત અને વરાછા ઝોનના વિસ્તારોમાં કાર્પેટ, રિ-કાર્પેટ, ફુટપાથ, ડિવાઈડર સહિતના કામો માટે હોટ મિક્સ પ્લાન્ટ સ્થાપવા કવાયત શરૂ કરવામાં આવી છે, જ્યારે અઠવામાં હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત છે તેથી ઉબડખાડબ રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. ગત 5 વર્ષમાં 2018-19થી 2022-23 સુધીમાં રસ્તા મરામત પાછળ જ અધધ 477 કરોડ ખર્ચાઈ ગયા છે અને દર વર્ષે તબક્કાવાર ખર્ચામાં વધારો જ થઈ રહ્યો છે.

અઠવા, વરાછા, લિંબાયત ઝોનમાં હોટ મિક્સ પ્લાન્ટ સ્થાપવા કોન્ટ્રાક્ટ
ચોમાસામાં રોડ તૂટી જતાં પાલિકા મોટા ઉપાડે રિપેરિંગ કામગીરી શરૂ કરે છે તે માટે અઠવા, વરાછા, લિંબાયત સહિતના ઝોનમાં હોટ મિક્સ પ્લાન્ટ માટે કોન્ટ્રાક્ટ સોંપાય છે, જેમની પાછળ લખલૂંટ ખર્ચો કરવો પડે છે.

કયા વર્ષે કેટલા ખાડામાં ઉતર્યા
2022-23155 કરોડ
2021-22135 કરોડ
2020-2152 કરોડ
2019-2073 કરોડ
2018-1962 કરોડ

5 વર્ષમાં ખર્ચો તબક્કાવાર વધીને 2 ગણો થઈ ગયો
​​​​​​​દર વર્ષે ચોમાસામાં રોડનું નિકંદન નિકળી જાય છે અને પાલિકા મરામત કરે છે, જેમાં તબક્કાવાર ખર્ચો પણ વધી રહ્યો છે. પાલિકાના જવાબદાર આરડીડી વિભાગ માર્કેટ રેટ અને ડામર કોસ્ટિંગ વધતાં દર વર્ષે ભાવ વધતો હોવાનું કહે છે. વર્ષ 2018-19માં 62 કરોડ ખર્ચ હતો જે તબક્કાવાર વધીને બમણો થઈ 22-23માં 155 કરોડ થયો છે અને 1 વર્ષમાં 200 કરોડ પહોંચી જશે.

- Advertisement -

300 સોસાયટીનું સીસી રોડ નિર્માણ પણ ઘોંચમાં
​​​​​​​આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ વધતા રોડ નિર્માણમાં વપરાતાં મટિરિયલ ડામરના ભાવ આસમાને પહોંચતાં હોય છે અને ડામર રોડના વારંવાર ખર્ચાઓથી પાલિકા ઉપર આર્થિક બોજ વધે છે ત્યારે સીસી રોડનું નિર્માણ કરવામાં આવે તો કોસ્ટ મોંઘી પડે છે પણ લાંબાગાળે ફાયદો થતો હોવાનો તર્ક રજૂ કરી સ્થાયી ચેરમેન પરેશ પટેલે સીસી રોડ પોલિસી અમલમાં લાવ્યા હતા. ત્યારે સીસી રોડ બનાવવા માંગતી સોસાયટીઓ માત્ર 500 રૂપિયા ભરીને તેનો લાભ લઈ શકશે એવી જાહેરાત પણ કરાઈ હતી, પરંતુ ગ્રાન્ટના અભાવે 300થી વધુ સોસાયટીઓનું સીસી રોડ નિર્માણ અટકી પડ્યું છે.

Exit mobile version