નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગુજરાત સહિત સાત રાજ્યોમાં 70થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવ્યા છે. NIAએ જે રાજ્યોમાં દરોડા પાડ્યા છે તેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ સિવાય એજન્સીએ કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને ચંદીગઢમાં પણ તપાસ શરૂ કરી છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કચ્છ ગાંધીધામનાં કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના શખ્સની તપાસ હાથ ધરી છે. કુલવિંદર સિદ્ધુ લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી જોડાયેલો છે. પહેલા પણ બિશ્નોઈ ગેંગને આશરો દેવાના મામલામાં કુલવિંદરનું નામ સામે આવી ચુક્યું છે. કુલવિંદર સિદ્ધુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટમાં પણ જોડાયેલો છે તેવું સુત્રો જણાવી રહ્યાં છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બ્રાર પહેલેથી જ NIAના રડાર પર છે. NIAએ આ મામલે ઘણા ગેંગસ્ટરોની પૂછપરછ પણ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આતંકવાદ વિરોધી એજન્સી NIAએ ઉત્તર ભારત અને દિલ્હીમાં 50થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી એજન્સીએ એક ગેંગસ્ટર અને વકીલની પણ ધરપકડ કરી હતી.
