ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતીને શાનદાર શરૂઆત કરી હતી. જે બાદ પાર્ટીની નજર આગામી લોકસભા ચૂંટણી પર હતી. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
વિધાનસભામાં રાજીનામું આપવા આવેલા ભૂપત ભાયાણીએ કહ્યું કે હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું. જ્યારે આમ આદમી પાર્ટી રાષ્ટ્રવાદી પાર્ટી નથી. હું લોકોના હિતમાં કામ કરવા માંગુ છું. હું અગાઉ પણ ભાજપમાં હતો. આ સાથે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે વિસાવદર બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. અગાઉ ગયા વર્ષે પણ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી.
ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા
સૂત્રોએ દૈનિક જાગરણ ગ્રુપની ગુજરાતી વેબસાઈટ ગુજરાતી જાગરણને જણાવ્યું કે, તાજેતરમાં ભેસાણમાં AAP કાર્યકરોની એક બેઠક યોજાઈ હતી જેમાં ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. કેશુભાઈ પટેલ બાદ હર્ષદ રિબડિયા આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા હતા. જો કે, છેલ્લી વિધાનસભાની ચૂંટણી વખતે હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ સાથે નાતો તોડીને ભાજપમાં જોડાયા હતા અને ચૂંટણી લડ્યા હતા.
