કોન્સ્ટેબલ ચોકીમાં પૈસા લેતા ઝડપાયો:મારામારીના કેસમાં લોકઅપમાં ન રાખવા 20 હજાર લાંચ માગનારો કોન્સ્ટેબલ પકડાયો

By Abhishek Raghuvanshi
2 Min Read
  • યુવકને બારોબાર કોર્ટમાં રજૂ કરીને જામીન પર મુક્ત કરવા માટે કહ્યું હતું
  • નારોલ પોલીસ સ્ટેશનની કર્ણાવતી ચોકીનો કોન્સ્ટેબલ ચોકીમાં પૈસા લેતા ઝડપાયો

નારોલમાં રહેતા એક યુવાન વિરુદ્ધ મારામારીની અરજી થઇ હતી. જેની તપાસ કર્ણાવતી પોલીસ ચોકી પાસે હતી. જો કે યુવાનની ધરપકડ કર્યા બાદ તેને લોકઅપમાં નહીં રાખવા અને બારોબાર કોર્ટમાં રજૂ કરી જામીન ઉપર છોડી દેવા બદલ કોન્સ્ટેબલે રૂ.20 હજારની લાંચની માગણી કરી હતી. રકઝકના અંતે રૂ.4 હજાર નક્કી થતા યુવાન પાસેથી પૈસા લેતા કોન્સ્ટેબલને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધો હતો.

કોન્સ્ટેબલે રૂ.20 હજારની લાંચની માગણી કરી હતી
નારોલ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવેલી કર્ણાવતી પોલીસ ચોકીમાં નિર્મલસિંહ હમલભાઈ પરમાર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. નારોલમાં રહેતા એક યુવાન વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની અરજી થઇ હતી. જેની તપાસ કર્ણાવતી પોલીસ ચોકીના કોન્સ્ટેબલ નિર્મલસિંહ કરતા હતા. અરજીની તપાસમાં યુવાન સામે 151 (અટકાયતી પગલાં) હેઠળ કાર્યવાહી કરવાની હતી. જો કે નિર્મલસિંહે યુવાનની 151 કર્યા બાદ લોકઅપમાં નહીં રાખીને બારોબાર કોર્ટમાં રજૂ કરી દઈ જામીન ઉપર મુકત કરવાની વાત કરી હતી. જેના માટે નિર્મલસિંહે યુવાન પાસે રૂ.20 હજાર માગ્યા હતા. રકઝકના અંતે રૂ.4 હજાર નક્કી થયા હતા. પરંતુ યુવાન નિર્મલસિંહને પૈસા આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી.

યુવાનને કર્ણાવતી પોલીસ ચોકીમાં જ બોલાવ્યો હતો
દરમિયાનમાં નિર્મલસિંહે ગુરુવારે પૈસા લઈને યુવાનને કર્ણાવતી પોલીસ ચોકીમાં જ બોલાવ્યો હતો. આ અંગે યુવાને એસીબીના અધિકારીઓને જાણ કરતા તેમણે છટકું ગોઠવ્યું હતું. જેના ભાગ રૂપે યુવાન પોલીસ ચોકીમાં ગયો હતો અને નિર્મલસિંહ સાથે વાત કરીને તેને પૈસા આપતાંની સાથે જ એસીબીની ટીમે નિર્મલસિંહને ઝડપી લીધો હતો.

Exit mobile version