કંડલામાં આગ બાદ ઉચાટ:તેલચોરીનો તણખો કદી સંકુલમાં મોટી દુર્ઘટના ન સર્જે

By Abhishek Raghuvanshi
5 Min Read
  • 35 લાખ ટનની સંગ્રહ ક્ષમતા સાથે ભારતજ નહિ, દક્ષિણ એશીયાનું સૌથી મોટુ લીક્વીડ સ્ટોરેજ હબ છે કંડલા કોમ્પલેક્ષ
  • કંડલામાં પેટ્રોલ – ડિઝલની લાઈનોમાં બાકોરુ પાડીને થતી ચોરીનો સીલસીલો બંધ કેમ નથી થતો ?

આખા એશીયા ખંડમા સર્વાધિક ઓઇલ સ્ટોરેજ ક્ષમતા ધરાવતા આંગળીના વેઢે ગણી શકાય એટલા સ્થાનોમાંથી મોટુ નામ કંડલા પોર્ટ સંકુલનું છે, પરંતુ અહીં લાગેલી પાઈપલાઈનોમાંથી થતી ચોરીની ઘટનાઓએ આજ હકારાત્મક પાસાને આખા ગાંધીધામ કંડલા સંકુલ માટે નકારાત્મક ભયના ઓથારનું કારણ પણ બનાવી દીધુ છે.

એચપીસીએલની પેટ્રોલ લાઈનમાં આગ લાગી હતી
સોમવારની રાત્રે ખારીરોહર પાસે આવેલી એચપીસીએલની પેટ્રોલ લાઈનમાંથી ભભુકેલી આગે આ ભય વાસ્તવિકતામાં પરિણમી શકે તેનો વધુ એક વાર અંદેશો આપ્યો છે. આ આગ પણ ચોરી માટેના પ્રયાસ દરમ્યાન લાગી હોવાની પુર્ણ સંભાવના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી ચુક્યુ છે.

પોર્ટમાં હેંડલા થતા કાર્ગોનો અડધો અડધ ભાગ લીક્વીડ કાર્ગોનો
ડીપીએ, કંડલા પોર્ટની ઓળખ માત્ર બંદરીય આયાત નિકાસથી ઉપર ઉઠીને વિવિધ સ્તરીય વિકાસના કારણે વિસ્તરવા પામી છે. પોર્ટમાં હેંડલા થતા કાર્ગોનો અડધો અડધ ભાગ લીક્વીડ કાર્ગોનો છે. જેમાં કૃડ અને ખાધ તેલ થી લઈને વિવિધ પ્રકારના કેમીકલ પણ સામેલ છે. આટલા મોટા પ્રમાણમાં ઓઈલનો જથ્થો આવતો હોવાથી તેના સંગ્રહ અને સપ્લાયની દિશામાં ખુબ વિકાસ થયો છે, હાલ કંડલા કોમ્પલેક્ષમાં 28 ખાનગી સ્ટોરેજ ટર્મિનલ આવેલા છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 20 લાખ ટન છે, તો અન્ય આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલ જેવી સરકારી યુનિટ આવેલા છે, જેઓ 15 લાખ ટન જેટલું સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. આમ, કંડલા સંકુલમાં કુલ 35 લાખ ટન જેટલો જંગી દરેક પ્રકારના લીક્વીડ કાર્ગો દરેક ક્ષણે હોઇ શકે છે.

પાઈપલાઈનોમાં બાકોરુ પાડીને થઈ રહેલી વારંવાર ચોરીની ઘટનાઓ ​​​​
આ આંકડો એટલો મોટો છે, કે તે સ્ટોરેજ કેપીસીટી મામલે કંડલા સંકુલને ભારતજ નહિ, સમગ્ર દક્ષિણ એશીયા ખંડમાં અવ્વલ બનાવે છે. આટળી મોટી ક્ષમતા જ્યાં છે તે પોર્ટ સંકુલમાં પાઈપલાઈનોમાં બાકોરુ પાડીને થઈ રહેલી વારંવાર ચોરીની ઘટનાઓ અને તેના પર ન આવતો સંપુર્ણ કાબુ સમગ્ર સંકુલ માટે અત્યંત ભયજનક માહોલ ઉભો કરે છે. પેટ્રોલ અને ડિઝલને વહન કરતી આ પાઈપલાઈનોમાં બાકોરુ પાડીને થતી ચોરી અને ત્યાં ફરી ડટ્ટી લગાવીને તેને બંધ કરી દેવાની વર્ષો જુની મોડસ ઓપરેંડી હજી પણ ચાલી રહી છે, તેમાં જો ક્યાંય આગનું તણખણુ ચાલુ લાઈનમાં લાગી જશે અને કાબુ બહાર જશે તે ભયાનક આગનો વ્યાપ કેટલો મોટો હશે, તેનો ભય સંમગ્ર સંકુલના પ્રબુદ્ધ વર્ગને વારંવાર સતાવતો રહે છે. પરંતુ આ ચોરીની ઘટનાઓ માટે જડબેસલાક કાર્યવાહી થકી સંપુર્ણ અંકુશ વર્ષો બાદ પણ કેમ નથી આવી શકતો તે યક્ષપ્રશ્ન છે.

- Advertisement -

આગની પ્રાથમિક તપાસમાં ચોરીની સંભાવના સામે આવી છે, કાર્યવાહી કરાશેઃ એસપી
પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેંદ્ર બગડીયાએ જણાવ્યું કે કંડલામાં આગ લાગ્યાની ઘટનામાં કંપનીના સુત્રોએ આ લાઈન બે વર્ષથી બંધ હાલતમાં હોવાનું જણાવ્યું હતું, પરંતુ હાલમાં કરાયેલી પ્રાથમિક તપાસમાં લાઈનમાંથી ચોરી થઈ હોવાની સંભાવના જોવા મળી રહી છે. જેથી આ અંગેના જરૂરી રિપોર્ટ આવતા પોલીસ શખ્ત પગલા ઉઠાવશે. આ પ્રકારની તેલચોરીને ડામવા માટે જરૂરી પગલા ભરી રહી છે, અગાઉ પણ ભચાઉ પાસે આખી એક ગેંગને પકડી હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.

આગની ઘટનાના બીજે દિવસે ખારીરોહરમાં ટીમે સ્થળ તપાસ કરી કારણ જાણવાનો પ્રયાસ કર્યો
કંડલાના ખારીરોહર વિસ્તારમાંથી પસાર થઈને એચપીસીએલ ટર્મીનલમાં જતી પાઈપલાઈનમાં ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આ લાઈન પેટ્રોલની છે ત્યારે તેને આગળ વધતી રોકવા ડીપીએ સહિતના ફાયર ફાઈટીંગની ટીમોએ પંદર જેટલા ટેન્કર ફોર્મનો મારો ચલાવી તેના પર એકાદ કલાકની અંદરજ કાબુ મેળવ્યો હતો. મંગળવારના સવારે પોલીસ, ફાયર વિભાગ, પોર્ટ અધિકારી, કંપનીના લોકોએ સ્થળની મુલાકાત લઈને તપાસ કરી હતી.

ખાનગી સિક્યોરીટીને તસ્કરો મચક નથી આપતા, ચોર તત્વોને તડીપાર કરવા જરૂરીઃ ટર્મિનલ એસો.
કંડલા ટર્મિનલ એસોસીએશનના પ્રમુખ મહેશ ગુપ્તાએ જણાવ્યું કે પાઈપલાઈનમાંથી ચોરીની ગતીવીધી કોઇ એકાદ ટર્મિનલ કે લાઈન માટે નહિ આખા કંડલા, ગાંધીધામ સંકુલ માટે ભારે ખતરારુપ છે. આટલા વર્ષોથી આ ચાલતુ રહ્યુ છે ત્યારે કાયદાના રખેવાળોએ આવારા તત્વોને અહીથી બહાર કાઢીને તડીપાર કરવા જોઇએ, તોજ તેના પર અંકુશ આવી શકે. હાલ ખાનગી સિક્યોરીટી ટર્મિનલો રાખી રહ્યા છે, પરંતુ અસામાજિક તત્વો તેમને મચક આપતા નથી. જેથી જો અગાઉની જેમ સીઆઈએસએફ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાય તો વધુ ફર્ક આવી શકે તેમ છે.

પ્રાંત અધિકારીએ રિપોર્ટ માંગ્યો, કંપનીના ગલ્લાતલ્લા
અંજાર બેસતા ના. ક્લેક્ટર મેહુલભાઈ દેસાઈએ જણાવ્યું કે આ ગંભીર બાબત છે, જેથી તુરંત તે અંગેનો રિપોર્ટ મે મામલતદાર પાસેથી માંગ્યો છે, જેની રાહ જોવાય છે. તો બીજી તરફ દિવ્ય ભાસ્કર દ્વારા એચપીસીએલ કંપનીનો પક્ષ જાણવા તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ તેનો કોઇ પ્રત્યુતર મળ્યો નહતો.

Exit mobile version