આજથી 11.50 લાખ વેપારી પર દરોડા!:બોગસ પેઢીઓ, ખોટાં રજિસ્ટ્રેશન શોધવા બે મહિના સુધી વિશેષ ડ્રાઇવ ચલાવાશે

By Abhishek Raghuvanshi
3 Min Read

જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે, જેના કારણે એસજીએસટી અને સીજીએસટી રાજ્યના 11.50 લાખ વેપારી-કરદાતાના રજિસ્ટ્રેશન ચેક કરવા સ્થળ મુલાકાત લેશે, જેને પગલે રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં અનેક પ્રશ્નોને લઈને ફફડાટ વ્યાપ્યો છે.

રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો
સરકારે સિસ્ટમમાં રજિસ્ટ્રેશન ધરાવતા તમામ જીએસટી રજિસ્ટર્ડ કરદાતાના રિચેકિંગ કરવાનું પ્લાનિંગ કર્યું છે, જેના કારણે દરેક રજિસ્ટરની વિગતો ફરી વાર ચકાસવામાં આવશે. સમગ્ર દેશમાં જીએસટી રજિસ્ટર્ડ કરદાતાઓની 16 મેથી 15 જુલાઈ 2023 વચ્ચે સ્થળ ચકાસણી કરવામાં આવશે. આ ઝુંબેશનો હેતુ ખોટાં રજિસ્ટ્રેશન અને ખોટી આઈટીસી આપતા લોકોને શોધી કાઢવાનો છે, જેને પગલે સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ એકસાથે જોડાશે. જીએસટી ડિપાર્ટમેન્ટની આ ડ્રાઇવને કારણેે રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ફરીથી અધિકારી તેમના સ્થળની મુલાકાત લેશે અને તેઓ હાજર નહીં હોય તો તેમનો નંબર રદ કરી દેવાની દહેશત વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.

જીએસટી રજિસ્ટર્ડ કરદાતાના રિચેકિંગ કરવાનું પ્લાનિંગ કર્યું
​​​​​​​
વેપારીઓનું કહેવું છે કે, અધિકારીઓ ડોક્યુમેન્ટમાં ખામી બતાવીને કરદાતાઓને હેરાન કરવાનું શરૂ કરશે. આવા અનેક કારણોસર કરદાતાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી દહેશતમાં કરદાતાઓ ટેક્સ કન્સલ્ટન્ટની ઓફિસમાં ધક્કા ખાતા થઈ ગયા છે. શંકાસ્પદ નોંધણીઓને શોધવા માટે સીબીઆઈ દ્વારા બે મહિનાની લાંબી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ અંગે ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે, જો તમારો વ્યવસાય સાચો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ વિઝિટિંગ ઓફિસરને સરળ થાય કે શંકાઓ ના ઊભી થાય તે માટે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

જીએસટી નંબર ધરાવતા વેપારીની આટલી વિગતો તપાસાશે

- Advertisement -
  • જીએસટી રજિસ્ટ્રેશનની કોપી
  • પેઢીનાં નામ-સરનામાં, જીએસટી નંબર સાથેનું બોર્ડ
  • જીએસટી રજિસ્ટ્રેશન સમયે આપેલા તમામ ડોક્યુમેન્ટ્સ જેવા કે, ઇલેક્ટ્રિક બિલ, જગ્યાની વેરા પહોંચ, જગ્યા ભાડે હોય તો ભાડા કરારની કોપી
  • રહેઠાણની જગ્યા પર નોધણી નંબર, તેનાં ખાસ બોર્ડ કે પ્રિન્ટઆઉટ તેમના વર્કસ્ટેશન કે દરવાજા પર લગાવવાં ખૂબ જ જરૂરી છે.
  • જો એડ્રેસ ચેન્જ થયું હોય તો ડોક્યુમેન્ટ્સ આપી પોર્ટલ પર અપડેટ કરી એપ્લિકેશન કરવી.
  • ચકાસણી માટે સેલ્સ અને પરચેઝ બિલો વગેરે હિસાબી સાહિત્ય હાથ પર રાખવા.
  • એક જ જગ્યા પર બે જીએસટીના હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવું.

જીએસટી વિભાગના અધિકારીઓને ડીલરોની યાદી સોંપાઈ
​​​​​​​
​​​​​​​સ્પેશિયલ ડ્રાઇવ પહેલાં જ જીએસટી વિભાગના અધિકારીઓને ડીલરોની યાદી આપી દેવામાં આવી છે. અત્યાર સુધી બોગસ બિલિંગ ફાડનારાને ત્યાં દરોડા પડતા હતા, પરંતુ હવે એક શક્યતા એ દેખાઈ રહી છે કે જે ડીલરોએ બોગસ બિલિંગ કર્યું છે તેમને નિશાના પર લેવામાં આવશે છે. સીએ દીપ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, સમયાંતરે થતી આવી એક્શન યોગ્ય ટેક્સ નહીં ભરતા કે બોગસ બિલિંગની કામગીરી સાથે જોડાયેલાં પર ઘા સમાન હોય છે. જીએસટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, સુરતમાં અગાઉ આવી ડ્રાઇવ ચાલી હતી. આથી આ વખતે કેટલા ડીલરોની યાદી આવે છે તે જોવાનું રહેશે. જે તે શહેરમાં ડીલરોની યાદી સોમવારની સાંજે આપી દેવામાં આવી હતી. એટલે મંગળવારે સવારથી દરોડા કામગીરી શરૂ થઈ જશે.

Exit mobile version