આકરી ગરમીમાંથી રાહત માટેનો નિર્ણય:127 ટ્રાફિક સિગ્નલ આજથી બપોરે 12થી 4 સુધી બંધ રહેશે

By Abhishek Raghuvanshi
3 Min Read
  • બંધ સિગ્નલ પરથી ઈ-મેમો પણ નહીં આવે

શહેરમાં ગરમીનો પારો 40-41 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકોને રાહત માટે હવે શુક્રવારથી બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી 127 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. જેથી વાહનચાલકોએ સિગ્નલ પર ઊભા રહેવાનો વારો નહીં આવે. ટ્રાફિક પોલીસે કરેલા નિર્ણય મુજબ સૌથી વધુ ટ્રાફિક ધરાવતા 58 સિગ્નલ પરનો સમય 25 સેકન્ડથી ઘટાડી 20 સેકન્ડ કરાયો છે. આ નિર્ણય પણ બપોરે 12થી 4 સુધી જ અમલમાં રહેશે.
ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ-મેમો પણ ઈશ્યૂ નહીં

આકરી ગરમી શરૂ થતાં ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓએ ગુરુવારે બેઠક યોજી હતી. 127 સિગ્નલ બ્લિન્કર મોડ પર હોવાથી ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ-મેમો પણ ઈશ્યૂ નહીં થાય. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર સાંજે 4 પછી તમામ સિગ્નલ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. આકરી ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને ગરમીથી કેવી રીતે બચવું અને કોઈને હીટ સ્ટ્રોક લાગે તો તેનો કઈ રીતે બચાવ કરવો તેની માહિતી આપવામાં આવી હતી. મ્યુનિ. તમામ ઝોનમાં પાણીની પરબ પણ શરૂ કરશે.

વાહનચાલકોએ સિગ્નલ પર ઊભા રહેવાનો વારો નહીં આવે
હાલમાં શહેરમાં 252 ચાર રસ્તા, પાંચ રસ્તા અને સર્કલ છે, કે જ્યાં ટ્રાફિક સિગ્નલ લાગેલા છે. જો કે 25 થી 30 ટ્રાફિક સિગ્નલ એવા છે કે જ્યાં આખો દિવસ હેવી ટ્રાફિક રહે છે. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી યથાવત રહ્યું હતું, પણ દિવસ દરમિયાન ચાલુ રહેલા 5થી 8 કિલોમીટરની ગતિના પવનોને પગલે લઘુતમ તાપમાનમાં બુધવાર કરતાં બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમી અને બફારાથી દિવસ દરમિયાન રાહત રહી હતી. બે દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો ગગડીને 38 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થશે.

283 બગીચા રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે

- Advertisement -
  • તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રાખવા અને સફાઇ કામદારોને પણ બપોરે 3 કલાકે હાજર થવાને બદલે સાંજ 4.30 કલાકે બોલાવાશે.
  • હીટ સ્ટ્રોક સહિતના કેસો માટે મ્યુનિ. હોસ્પિટલ અને કોમ્યુનિટી સેન્ટર પર અલાયદી વ્યવસ્થા ઉભી કરાશે.
  • બીઆરટીએસના સ્ટેન્ડ અને 31 જેટલા એએમટીએસના સ્ટેન્ડ પર પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાશે.
  • આંગણવાડીમાં ઓ.આર.એસ. સેન્ટર ઉભા કરાશે. તથા શહેરમાં વિવિધ 500 સ્થળે પાણીની પરબ ઉભી કરાશે.
  • શહેરના તમામ 283 બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.
  • 10 લાખથી વધુ ઓ.આર.એસ.ના વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.
  • આંગણવાડીનો સમય પણ સવારે 11.30 કલાક સુધી જ રાખવાનો નિર્ણય કરાયો છે.
Exit mobile version