સિવિલ કેમ્પસની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની નવી બિલ્ડિંગના પાંચમા માળે આવેલા ડોક્ટર્સ ચેન્જિંગ રૂમના લોકરમાંથી વિદેશની દારૂની ખાલી બોટલો પકડાતા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતાં એક સ્ટાફ બ્રધર્સને સસ્પેન્ડ કરાયો હતો. હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણતા મોટા માથાને બચાવવા સ્ટાફ બ્રધર્સને નિશાન બનાવીને ભીનું સંકેલાયું હોવાનું સૂત્રોનું કહેવું છે. હોસ્પિટલ ડાયરેક્ટરે પણ પહેલા આવી ઘટના બની ન હોવાનું કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.
કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડિંગના પાંચમા માળે હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટર્સનો ચેન્જિંગ રૂમના લોકરમાં વિદેશી બ્રાન્ડની ચારથી પાંચ દારૂની બોટલો પડી હોવાની માહિતીને આધારે લોકર રૂમનું ચેકિંગ કરાયું હતું. ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો હોસ્પિટલના કેટલાંક મોટા માથાના નામ ખૂલે એવી શક્યતા છે. સસ્પેન્ડ કરાયેલા સ્ટાફ બ્રધર્સ દ્વારા થોડા સમય પહેલાં એક ડોક્ટરના લોકરમાં દારૂની બોટલો હોવા અંગે ડોક્ટરને ફોન કરીને જાણ કરતાં ડોક્ટર પણ ચોંકી ગયા હતા.
