- એકેય આઇવિટનેશ ન હોવા છતાં આરોપીને સજા થઈ, સાહેદો હોસ્ટાઇલ
આઠ વર્ષ અગાઉ પાંડેસરામાં થયેલાં હીટ એન્ડ રન કેસમાં કાર ચાલક બાઇકને ટક્કર મારીને ભાગી ગયો હતો. આ કેસમા સુનાવણીના અંતે કોર્ટે રોંગ સાઇડ પર ડ્રાયવિંગ કરનારા 62 વર્ષના આરોપીને ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં જે સાહેદ અને સાક્ષી હતા તે હોસ્ટાઇલ થઈ ગયા હતા. એટલે એકેય આઇ વિટનેશની હાજરી ન હોવા છતાં આરોપીને સજાનો હુકમ કરાય હતો. કોર્ટે પોતાના ચુકાદમાં નોંધ્યુ હતુ કે હાલ સુરત જેવી સિટીમાં કે જ્યા હેવી ટ્રાફિકના નિયમો ચુસ્તપણે પાલન થવુ જોઇએ તે સમયની માગ છે અને આ પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી પૂર્વકના ડ્રાઇવિંગથી ગંભીર પરિણામ આવવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.
કેસની વિગત મુજબ પાંડેસરા સ્થિત પ્રમખ પાર્ક રેસિડેન્સી ખાતે રહેતા આરોપી હસમુખ જેઠાલાલ પટેલ તા. 2જી ડિસેમ્બર, 2015ના રોજ રોંગ સાઇડ પર પોતાની કારમાં જઇ રહ્યા હતા ત્યારે ફરિયાદીની બાઇકને ટક્કર મારતા તેને ડાબા પગના ભાગે ફ્રેકચર થયુ હતુ. બીજી તરફ આરોપી ત્યાંથી નાસી ગયા હતા અને બાદમાં પાંડેસરા પોલીસ મથકમા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સમગ્ર કેસ કોર્ટમા ચાલતા બચાવ પક્ષે દલીલ કરવામાં આવી હતી કે પંચ કે સાહેદો હોસ્ટાઇલ જાહેર થયા છે આરોપીની બેદરકારીના લીધે અકસ્માત થયો હોય તેવા કોઈ પુરાવા નથી. ઉપરાંત આરોપી જ ડ્રાયવર હતા તેવા પણ કોઈ પુરાવા નથી.
કોર્ટે શું નોંધ્યુ : કયા પુરાવા ધ્યાને લેવાયા
કોર્ટે નોંધ્યુ હતુ કે અકસ્માત ફ્રન્ટલ ઇમ્પેક્ટ છે. જેના લીધે રોંગ સાઇડ આવતી કાર કોણ ચલાવતુ હતુ તે ફરિયાદીએ જોયુ છે. હાલની ફરિયાદ ઉપર શંકા કરવાનું કોઈ કારણ નથી. ઇજા પામનારે આરોપીને ઓળખી બતાવ્યો છે. કોર્ટે વધુમા નોંધ્યુ હતુ કે આરોપીને પોતે જાણ હોવા છતાં કે મારા આ કૃત્યથી મારા રોંગ સાઇડ ફોર વ્હીલર ગાડી ચલાવવાથી કોઈપણ ઇસમને કે જે રાઇટ સાઇડ વાહન ચલાવે છે તેને નુકશાન થઈ શકે છે. તેમ છતાં કાર ચલાવી અકસ્માત કર્યો છે.
