વડોદરામાં અપાર આસ્થા અને ભક્તિભાવ પૂર્વક શ્રાવણ માસની ઉજવણી થઇ રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ ચિરંજીવી હનુમાનજી મહારાજનું છે. ત્યારે અમે વાત કરવા જઇ રહ્યા છીએ વડોદરાના સુપ્રસિધ્ધ અને ઐતિહાસિક ભીડભંજન હનુમાનજીની. આ એક માત્ર હનુમાનજીની મૂર્તિ છે જેનું મુખારવિંદ મનુષ્ય જેવું છે. આ ભીડભંજન હનુમાનજીની સ્થાપના ત્રેતાયુગમાં થઇ છે. શ્રાવણ માસના શનિવારે આ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
નામની પણ રોચક કથા
વડોદરા શહેરના હરણી ખાતે આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરની પૌરાણિક અને ઐતિહાસિક ગાથા શાસ્ત્રમાં વર્ણવવામાં આવી છે. શ્રી ભીડભંજન હનુમાનજીનું વર્ણન સ્કંદ પુરાણમાં વિશ્વામિત્રી મહાત્મ્યમાં કરવામાં આવ્યું છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામ પોતે આ ભૂમિ પર આવ્યા હોવાના પ્રમાણ સ્કંદ પુરાણોમાં જોવા મળ્યા છે. તો આ મંદિરનું નામ શા માટે ભીડભંજન પડ્યું છે તેની પણ રોચક કથા છે.
સ્કંદ પુરાણોમાં ઉલ્લેખ
વડોદરા શહેરમાં પ્રવેશ કરતા પ્રથમ આવતા શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજની મુખાકૃતિની વાત કરવામાં આવે તો હરણી સ્થિત ભીડભંજન હનુમાનજીની મુખાકૃતિ મનુષ્ય અવતારની છે. શ્રદ્ધાળુઓએ હનુમાનજીના વાનર સ્વરૂપમાં દર્શન કર્યા છે, પરંતુ મનુષ્ય મુખાકૃતિમાં એટલે કે દાઢી અને મૂછવાળા હનુમાનજી મહારાજના બહું ઓછા લોકોએ દર્શન કર્યા હશે. જો મનુષ્ય મુખાકૃતિમાં દર્શન કરવાની કોઇને ઇચ્છા હોય તો વડોદરામાં આવવું જરૂરી છે. મનુષ્ય મુખાકૃતિમાં હનુમાનજીનો સ્કંદ પુરાણોમાં ઉલ્લેખ હોવાનું કહેવાય છે.
હીરણાંક્ષી નામનો દૈત્યથી પરેશાન
આ સુપ્રસિદ્ધ ઐતિહાસિક શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર અંગેની માહિતી આપતા મહંત રાજેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ સ્થળ પર એક હીરણાંક્ષી નામનો દૈત્ય રહેતો હતો. આ દૈત્ય ખુબ જ બળવાન અને અજય-અમર હતો. તે આ સ્થળ પર રહેતા સાધુ-સંતોને ખૂબ હેરાન કરતો હતો. આ સાધુ-સંતોએ પ્રભુ શ્રીરામને વિનંતી કરી હતી કે, તમારા વચન પ્રમાણે કોઈ પણ દૈત્યનો નાશ થશે અને શાંતિ સ્થાપિત થશે. જેને લઈ અમારા વિસ્તારમાં પણ દૈત્ય હેરાન પરેશાન કરી રહ્યો છે. ત્યારે ભગવાન શ્રીરામ દ્વારા હનુમાનજીને આજ્ઞા કરી કહ્યું કે આ સ્થળ પર એક દૈત્ય રહે છે તેનો નાશ કરો.
હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ
હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુધ્ધ થયું અને પુરાણોમાં એનો ઉલ્લેખ છે. ઘણા સમય સુધી હનુમાનજી અને દૈત્યો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. સ્વયં પ્રભુ શ્રીરામ આ દૈત્યના વધ માટે આવ્યા હતા. ત્યારે બ્રહ્માએ આકાશવાણી કરી કે આ દૈત્ય અજય-અમર છે, તેને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત છે, જેથી તે મૃત્યુ પામી શકે તેમ નથી. ત્યારે ભગવાન શ્રીરામ એ હનુમાનજીને વિરાટ રૂપ ધારણ કરી તેનો નાશ કરવાનું કહ્યું હતું. ત્યારે હનુમાનજી આ દૈત્યને હાથમાં પકડી અને હવામાં ફેકી તેને જમીન પર પછાડે છે અને દૈત્ય જમીન ઉપર પટકાતા પગમાં દબાવી રાખે છે. ત્યાર બાદ ભગવાન શ્રીરામ દ્વારા કહેવામાં આવ્યું કે, આ દૈત્ય અજય-અમર છે મૃત્યુ શક્ય નથી. ત્યારે આક્રોશથી હનુમાનજી દૈત્યને પોતાના પગમાં દબાવી રાખે છે. આજે પણ ભીડભંજન હનુમાનજીની મૂર્તિના પગ નીચે દૈત્ય દબાયેલો છે.
ભીડભંજન નામ કઇ રીતે પડ્યું
તે સમય જોઈ ભગવાન શ્રીરામ કહે છે કે, તથાસ્તુઃ ત્યારે હનુમાનજી ત્યાં સ્થિર થયા હતા. ભગવાન શ્રીરામ અ કહ્યું કે, દૈત્યનું મૃત્યુ શક્ય નથી, ત્યારે તમારી શક્તિથી તમારા પગમાં દબાવી રાખો અને કાલ અંતરે આ નગરી મનુષ્ય નગરી થશે તો તમારું વિરાટ રૂપ, ભયંકર રૂપ અને વાનર રૂપ જોઈ લોકો ગભરાઈ જશે. જેથી આ કાળથી મનુષ્ય રૂપ બિરાજમાન થઈ અને સાધુ-સંતો અને ઋષિમુનિઓનું કસ્ટ દૂર કરો. એટલે ગુજરાતીમાં કસ્ટનો બીજો અર્થ થાય છે ભીડ દૂર થઈ એટલે અહીં ભીડભંજન તરીકે પ્રસિદ્ધ થયા હતા.
ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામ આવ્યા
અહીં અરણીનું જંગલ હતું. સમયકાલ થતા આ સ્થળ અરણીનું હરણી થયું જે હરણી તરીકે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે આ જગ્યા પર ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ આવ્યા હતા. જે સ્કંદ પુરાણના આધારે ફલિત થાય છે. ખાસ કરીને આ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામના ચરણ આ ધરતી પર પડ્યા હોવાથી આ ધરતી પાવન બની છે. શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભવ્ય મેળો ભરાય છે. સાથે હનુમાન જયંતી પર લાખો ભાવિ ભક્તોની ભારે ભીડ રહે છે. આ પસિદ્ધ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર લાખો ભાવિ ભક્તોનું અસ્થાનું કેન્દ્ર બન્યું છે.
