દાનવીર કર્ણની ભૂમિ સુરત માત્ર અંગદાનમાં સમગ્ર દેશમાં અવ્વલ રહી છે. ડિસેમ્બર 2014થી અત્યાર સુધીમાં સુરતમાં 1289 અંગોનું દાન કરાયું છે. સિવિલે અંગદાનમાં દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ને પણ પાછળ છોડી દીધી છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 9 મહિનામાં 39 લોકોના 133 અંગોનું દાન કરવામાં આવ્યું હતું, જ્યારે દિલ્હી AIIMSમાં 9 મહિનામાં માત્ર 10 લોકોના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. સિવિલમાં સૌથી વધુ 74 કિડનીનું દાન કરવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, 23 ઓક્ટોબર, 2022થી 5 ઓગસ્ટ, 2023 સુધીમાં કુલ 39 લોકોએ અંગદાન કર્યું હતું, જ્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 9 મહિનામાં 31 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2014થી અત્યાર સુધીમાં સુરતમાં 1289 અંગોનું દાન કરવામાં આવ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થાએ ડિસેમ્બર 2014થી અંગદાનની પ્રક્રિયા શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં 250 થી વધુ લોકોને અંગોનું દાન કર્યું છે.
તબીબો પોતે પરિવિરજનોને સમજાવે તો અંગદાન મળે જ છે
સિવિલના તબીબો પોતે કાઉન્સેલિંગ કરે છે. જેને કારણે અંગદાનની શક્યતા વધી જાય છે. પરિણામે અત્યાર સુધીમાં 47 પરિવારોમાંથી 39એ અંગદાન માટે સંમતિ આપી. > નિલેશ કાછડીયા, પ્લાસ્ટિક સર્જન અને અંગદાન કમિટીના સભ્ય, સિવિલ હોસ્પિટલ
કમિટીએ 15 બેઠકો અને 5 તાલીમ કાર્યક્રમો યોજ્યા
સિવિલમાં 4 સભ્યોની સમિતિની છે. જેમાં હોસ્પિટલ મેનેજમેન્ટ (સુપ્રિટેન્ડેન્ટ/આરએમઓ), અંગ દાન કોઓર્ડિનેટર, ન્યૂરોસર્જન/ન્યૂરોફિઝિશિયન સહિતના તબીબો છે. આ કમિટીએ 15 બેઠકો અને 5 તાલીમ કાર્યક્રમો પણ યોજ્યા છે.
| 23 ઓક્ટોબર 2022થી અત્યાર સુધીના આંકડા | |
| સિવિલમાંથી થયેલું અંગદાન | |
| અંગ | દાન |
| કિડની | 74 |
| લિવર | 28 |
| હૃદય | 2 |
| સ્વાદુપિંડ | 4 |
| હાથ | 7 |
| પેશી | 18 |
| કુલ | 133 |
| 133 અંગોના દાનમાં સૌથી વધુ 74 કિડની મળી | |
| ડોનેટ લાઇફ સહિતની સંસ્થાથી દાન | |
| અંગ | દાન |
| કિડની | 476 |
| લીવર | 205 |
| હૃદય | 48 |
| લંગ્સ | 40 |
| સ્વાદુપિંડ | 8 |
| હાથ | 4 |
| નાનું આંતરડું | 1 |
| આંખ | 374 |
| કુલ | 1156 |
