સુરતના લિંબાયતના સંજયનગર ખાતે ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. યુદ્ધ ફોર ગુજરાત દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગુજરાતની સૌથી ઊંચી મટકી બાંધીને અલગ-અલગ મંડળોને એકત્રિત કરવામાં આવ્યા હતા.
ગોવિંદા મંડળો દ્વારા દહીંહાંડી ફોડવામાં આવી
લિંબાયત સંજયનગર ખાતે યુદ્ધ ફોર ગુજરાત દ્વારા દહીંહાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ડીજેના તાલ ઉપર યુવાનોએ ડાન્સ કરીને માહોલ જમાવી દીધો હતો. ગોવિંદાનો ઉત્સાહ પણ જબરજસ્ત હતો. મટકી ફોડવા માટે આવેલા 22 મંડળો પૈકી 11 મંડળો મટકી ફોડતા હતા. ત્યારે હાજર હજારો લોકોએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
દહીહાંડી ફૂટતા જ ગોવિંદાઓએ જયઘોષનો નાદ કર્યો
સંજયનગર ખાતે સાંજે 7:00 વાગ્યાથી લોકો એકત્રિત થવાના શરૂ થઈ ગયા હતા. નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કાર્યક્રમમાં હાજર રહીને ગોવિંદાનો ઉત્સવ વધાર્યો હતો. એક બાદ એક ગોવિંદા મંડળો દ્વારા મટકી ફોડવાનો પ્રયાસ કર્યો હતો. મટકી ખૂબ જ ઉપર બાંધવામાં આવી હોવાને કારણે ગોવિંદા મંડળોની પણ કસોટી થઈ ગઈ હતી. પરંતુ લાખોનું ઇનામ જીતવા માટે કમર કસીને આવેલા ગોવિંદા મંડળે પણ હાર માન્યા વગર ભગવાન કૃષ્ણને યાદ કરીને દહીંહાંડી ફોડી દીધી હતી. પ્રથમ દહિહાંડી ફોરનારને 1.51 લાખ રૂપિયા આપવામાં આવ્યું હતું. બીજા મંડળને 1.25 લાખ અને ત્રીજા મંડળને 1.11 લાખ રૂપિયા ઇનામ આપ્યુ હતું.
