સિંહ પરિવારની પજવણી:રાજુલા પંથકમાં વનવિભાગના ટ્રેકરે મારણ આરોગતા સિંહ પરિવારની પાછળ બાઈક ચલાવી ભગાડ્યા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

By Abhishek Raghuvanshi
2 Min Read

અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ ખુબ વધુ છે. તેમજ સિંહોની પજવણીની ઘટના પણ સતત સામે આવી રહી છે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વનવિભાગનો ટ્રેકર ખુદ એક સિંહ પરિવારની પજવણી કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. જે વીડિયોને લઈ સિંહ પ્રેમીઓમાં નારાજગીની સાથે રોષ જોવા મળી રહ્યો છે.
વનવિભાગના ટ્રેકરે સિંહ પરિવારને ભગાડ્યાં
સિંહની પજવણીનો વધુ એક વીડિયો રાજુલા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં રાજુલા રેન્જના ટ્રેકર ખુદ એક સિંહ પરિવારની પજવણી કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સિંહ પરિવાર મારણ આરોગતા હતા. તે સમયે બાઈક પર એક શખ્સ આવ્યો હતો અને સિંહ પરિવારને ભગાડી રહ્યો હતો. જે ગંભીર ગુનો છે. આ પ્રકારનુ કૃત્ય આચરવાનું સામે આવતા વનવિભાગે આ મામલે તપાસ હાથ ધરી છે.

સિંહની પજવણી કરનાર.

વનવિભાગે તપાસ શરૂ કરી
આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વીડિયોને લઈ સિંહ પ્રેમીઓમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. અગાવ પણ આ વિસ્તારમાં એક કાર સાથે સિંહ દર્શન કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વનવિભાગના એક બીટગાર્ડની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ફરી વનવિભાગનો ટ્રેકર જ પજવણી કરતો હોવાનું સામે આવતા વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર મામલાને લઈ રાજુલા રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, વીડિયો મામલે તપાસ હાલ ચાલુ છે અને ટ્રેકરને પૂછપરછ માટે બોલાવ્યો છે. તપાસ બાદ કાર્યવાહી થશે.

રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે
પાલીતાણા શેત્રુંજી ડીવીઝન હેઠળ આવતી રાજુલા રેન્જના રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે જેના કારણે વાંરવાર સિંહો ખુલ્લા વાતાવરણમાં આવી જતા હોય છે. સિંહોની લટાર અને પજવણીના વીડિયો પણ અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

Exit mobile version