- 12 પાસ યુવક અમદાવાદ ટ્રાફિક પોલીસની સાઇટ પરથી દંડ ભરવાનો બાકી હોય તેમની માહિતી મેળવતો
અમદાવાદ ટ્રાફિક પોલીસના નામે ઇ-મેમો મોકલી દંડની રકમ પડાવવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચ ઝારખંડના રાંચીથી સૂત્રધાર સુધાંશુ મિશ્રા નામના 25 વર્ષના યુવકને પકડી લાવી છે. સાયબર ગઠિયાે અમદાવાદ ટ્રાફિક પોલીસની સાઇટ ખોલી અમદાવાદ પાસિંગનાે ગમે તે નંબર નાખ્યા પછી કેપ્ચા કોડ નાખી ઓપન કરતો. જેમાં દંડની વિગત બતાવવામાં આવે તે નંબર નોંધી લઈ બાય કાર/રિન્યૂ ઇન્શ્યોરન્સ ઓનલાઈન પેજ ખોલી વાહનનો ચેસીસ નંબર મેળવી લેતો. એ પછી એમ પરિવહન એપમાં નંબર નાખી ચેસીસ નંબરના છેલ્લા 5 આંકડા લખી વાહનચાલકનો મોબાઇલ નંબર મેળવી લેતો હતો. છેલ્લે અમદાવાદ ટ્રાફિક પોલીસ, ચલણ પેમેન્ટ સિસ્ટમનું વેબપેજ ખોલી ઇ-મેમોનાે દંડ બાકી હોય તેમને ફોન કરી ટ્રાફિક કલેક્શન ડિપાર્ટમેન્ટમાંથી બોલંુ છું કહી ધમકી આપતો હતો. અત્યાર સુધી તેણે 9 લાખ પડાવ્યા હતા.
વિવિધ એપનાે ઉપયોગ કરી વાહનનો ચેસીસ નંબર, માલિકનો મોબાઇલ નંબર લઈ ફોન કરતો હતો
ધનબાદમાં ઓફિસ રાખી હતી
ઠગાઇનું કૌભાંડ ધનબાદથી શરૂ થયું હતું. મુખ્ય સૂત્રધારના સાથીદારે લોકોને કોલ કરવા ઓફિસ રાખી હતી અને દંડના જે પૈસા જમા થાય તેમાંથી 20 ટકા કાપી સુધાંશુ અને તેના અન્ય એક સાથીદાર સપ્તમકુમારને આપી દેતો હતો.
SMS કરી દંડના પેમેન્ટ માટે લિંક મોકલાતી હતી
ક્રાઇમ બ્રાંચના ડીસીપીએ કહ્યું, ક્યુઆર કોડથી કે ઓનલાઈન ઇ-ચલણ ભરવાની ટ્રાફિક પોલીસની સુવિધાનો દુરુપયોગ કરી છેતરપિંડી થતી હતી. ગઠિયા અમદાવાદ ટ્રાફિક પોલીસનો લોગો પણ મુકતા હતા જેથી વાહનચાલકને શંકા ન જાય. દંડની રકમ રૂ.100, 200 કે 500 જેટલી જ હોવાથી લોકો ફરિયાદ કરવાનું પણ ટાળતા હતા.
એક મિત્રે યુક્તિ શીખવાડી હતી
માત્ર 12 પાસ સુધાંશુને કોલકાતામાં તેના એક મિત્ર રાજેશે ઇ-મેમોનો દંડ પડાવવાની યુક્તિ શીખવાડી હતી. તેણે સૂત્રધાર સુધાંશુને ડેમો પણ બતાવ્યો હતો. તરત પૈસા મળવા માંડતા સુધાંશુએ અન્ય મિત્રોને સાથે રાખી સાયબર કૌભાંડ શરૂ કર્યું હતું.
ઠગાઈની રીતને આ રીતે સમજો
અમદાવાદ ટ્રાફિક પોલીસની સાઇટ પર વાહન નંબર નાખી ઇ-મેમો ભરવાના બાકી હોય તેવા લોકોને શોધી કાઢતા હતા. અલગ-અલગ એપની મદદથી એ પછી મોબાઇલ નંબર મેળવી લઈ દંડ માટે ટેક્સ મેસેજ કરી વોટ્સએપ પર ક્યુઆર કોડ મોકલાતો હતો.
