હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અમદાવાદ સહીતના જિલ્લાઓમાં ગઈ કાલે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા વીજળીનાં કડાકાભડાકા સાથે વરસાદ શરુ થયો.તો કેટલાક વિસ્તારોમા કરા પણ પડ્યા.
રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ
મહત્વનું છે કે ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે.ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદ પડ્યો છે. વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે.
અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો
અમદાવાદમાં રવિવારે સાંજે 6.30 પછી એકાએક વીજળીના કડાકા અને 20 કિલોમીટરથી પણ વધુ ઝડપે પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની સાથે સાથે શહેરના મોટાભાગના વિસ્તારમાં કરા પણ પડ્યા હતા. સૌથી વધુ વરસાદ જોધપુર, ચાંદખેડા, મણિનગર, પાલડી, ચાંદલોડિયા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પડ્યો હતો. જોધપુર, સેટેલાઈટ, વેજલપુર, જીવરાજપાર્ક, નારોલ, વટવા, બાપુનગર અને મણિનગરના કેટલાક વિસ્તારમાં વાહન પણ નીકળી ન શકે તેટલું પાણી ભરાયું હતું.
દરિયાની જેમ સાબરમતી નદી હિલોળે ચઢી
રવિવારે સાંજ પછી તૂટી પડેલા ભારે વરસાદ તેમજ કલાકના 20 કિલોમીટરથી પણ વધુ ઝડપે પવન ફૂંકાતા સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દરિયાના મોજાંની જેમ સાબરમતીનું પાણી પણ હિલોળે ચઢ્યું હતું. લગભગ 2 કલાકમાં 4 ઈંચ સુધી વરસાદ પડતા પાણીનું લેવલ વધી જતાં વાસણા બેરેજના 2 દરવાજા ખોલવા પડ્યા હતા.
વડોદરામાં કમોસમી વરસાદ ખાબકતાં 3 ડિગ્રી જેટલો પારો ગગડતાં ઠંડક પ્રસરી
વડોદરામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મોડી રાતે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતાં 3 ડિગ્રી જેટલો પારો ગગડતાં ઠંડક પ્રસરી હતી. વરસાદી માહોલ વચ્ચે રવિવારે બહાર ફરવા નીકળેલા લોકો અટવાયા હતા. સાંજે 5 વાગ્યાથી જ સરેરાશ 15 કિમીની ઝડપે પવનો ફૂંકાવાના શરૂ થયા હતા.
પાદરામાં પણ મોડી રાત્રે ઝાપટું પડ્યું, ઝાડ પડતાં સિક્યુરીટી ગાર્ડ ઘવાયો
પાદરામાં ઝડપી પવનો સાથે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. પવનને કારણે ઝાડ પડતાં સિક્યુરીટી ગાર્ડ દબાઈ ગયો હતો. ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડને એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં જવાયો હતો. રણુના કાળ ભૈરવ મંદિરને પણ નુકસાન થયું હતું.
કમોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી
ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે માર્ચ , એપ્રિલ અને મે ત્રણેય ઉનાળાના માસમાં માવઠું વરસ્યું જેમાં આ મે માસમાં આરંભે તા. 3 મેના રોજ કમોસમી વરસાદ વરસી ગયા બાદ આ મે માસના અંતે ભાવનગર શહેર, સિહોર અને વલભીપુર સહિતના વિસ્તારોમાં ગાજ વીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં સાંજના સમયે ગરમીમાંથી રાહત મળી હતી.
સૌરાષ્ટ્રમાં કયાંક છુટાછવાયા વરસાદની આગાહી
રાજકોટમાં રવિવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી હતું. હવામાનખાતાના જણાવ્યાનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં ક્રમશ: ઘટાડો થવાની સંભાવના છે. પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેશે જેને કારણે બફારો વધારે અનુભવાશે. રાજસ્થાન અને ઉત્તર ભારતના રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને હવાના દબાણના તફાવતને કારણે ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળશે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં કયાંક છુટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ 40 કિમીની ઝડપે પવન ફુંકાશે.
સૌરાષ્ટ્રમાં ચોમાસું 4 દિવસ મોડું રહેવાની શકયતા
હવામાનખાતાના જણાવ્યાનુસાર આ વખતે ચોમાસામાં પૂરતા પ્રમાણમાં વરસાદ રહેશે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું પ્રવેશ કરે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં આ વખતે સામાન્ય કરતા ચાર- પાંચ દિવસ મોડું રહેશે. જો કે આ અંગે હવામાન વિભાગ કહે છે કે સામાન્ય રીતે ચાર- પાંચ દિવસ મોડું રહેતુ હોય છે. શરૂઆતમાં જૂન માસમાં ધીમો વરસાદ અને ત્યારબાદ ધોધમાર વરસાદ પડવાની આગાહી છે.
ભારે પવનના કારણે વીજળી ડૂલ થઇ જતાં અંધારપટ છવાયો
સાબરકાંઠાના દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં ખાસ કરીને હિંમતનગર, પ્રાંતિજ અને પોશીના પંથકમાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળો છવાયા બાદ ગાજવીજ શરૂ થઈ હતી. ભયંકર મેઘ ગર્જનાઓ છતાં મોડી સાંજે આઠેક વાગ્યા પછી ભારે પવન સાથે વરસાદી છાંટા પડવાના શરૂ થયા હતા. માંડી સાંજે 7:30થી સમગ્ર પોશીના દેલવાડા (છો.)તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધુળની આંધી સાથે ભારે પવન ફૂંકાયો હતો જેથી વીજળી ડૂલ થતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. જયારે ગાજવીજ સાથે વરસાદી છાંટા પડ્યા હતા. પ્રાંતિજ શહેરમાં મોડી સાંજે 8 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. વીજળી ડૂલ થઇ જતાં અંધારપટ છવાયો હતો.
