- મહુવાના વસરાઇ ગામે દિશા ફાઉન્ડેશનના સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન ઢોડિયા અને અનંત પટેલના વકતવ્ય બાદ વાતાવરણ ગરમાયું
- અનંત પટેલની ટિપ્પણીનો મોહન ઢોડિયાના સમર્થકોએ વિરોધ કરી માફી માગવા જણાવ્યું, જેનો અનંત પટેલે ઇન્કાર કરતા મુદ્દો ગરમાયો
મહુવા તાલુકાના વસરાઈ ગામે દિશા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા વિરૂદ્ધ ટિપ્પણી કરી હોવાના આક્ષેપો સાથે મોહનભાઇના કેટલાક સમર્થકોએ વિરોધ કરી, માફી માંગવાની જીદ કરવા સાથે વાતાવરણ તંગ બની ગયું હતું. આખરે પોલીસ કાફલો મૂકવાની ફરજ પડી હતી. લોકોનો રોષ બાદ ધારાસભ્ય અનંત પટેલને પોલીસ બંદોબસ્ત સાથે રવાના થયા હતા. જોકે આ કિસ્સા બાદ લોકચર્ચાનો વિષય બનતા, ઢોડિયા સમાજના આગેવાનોએ સમાજના કાર્યક્રમમાં રાજકારણ આવવું જોઈએ નહી જેવા ઉચ્ચારણો સાથે દુઃખ વ્યક્ત કરતા સાંભળવા મળ્યા હતા.
વસરાઈમાં દિશા ફાઉન્ડેશનનો એક સામજિક સાંસ્કૃતિક કાર્યક્રમ રવિવારે સાંજે રાખવામાં આવ્યો હતો.જે કાર્યક્રમમાં ધોડિયા સમાજના મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં બંને ધારાસભ્યએ વક્તવ્ય આપ્યા હતા. જેમાં વાંસદા ધારાસભ્ય અનંત પટેલે મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા પર ટિપ્પણી કરી અપમાનિત કર્યા હોવાના આક્ષેપ કર્યો હોવાનું જણાવી મોહનભાઇના સમર્થકોએ અનંતભાઈ પટેલનો વિરોધ કરતા વાતાવરણ ગરમાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા વાંસદા ધારાસભ્ય અનંત પટેલના
રાજકારણમાં સમાજનો ઉપયોગ ન કરો : મોહન ઢોડિયા
મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ પોતાનું વક્તવ્ય આપતાં દિશા ફાઉન્ડેશનને અપીલ કરી હતી કે રાજકારણમાં સમાજનો ઉપયોગ નહિ કરે, સમાજમાં અમારા જેવાનો ઉપયોગ કરે તેમણે આદિવાસી સમાજને એક નવી દિશા બતાવવાની વાત કરી હતી.
પ્રજાને ખબર છે કે, કોની જોડે રહેવું
કાલે રાત્રે કાર્યક્રમમાં હું ઉદઘાટન કરીને જતો રહ્યો હતો.બાદમાં અનંતભાઇ શું બોલ્યા એ તે જાણે અને ત્યાંના લોકો જાણે ,મને કઈ ખબર નથી,રાત્રે બે ત્રણ વાગ્યે પોલીસ મારા ઘરે આવી ત્યારે મને ખબર પડી કે અનંતભાઇ મારા વિશે કંઈ બોલ્યા છે,માટે ત્યારે મે ફોન કરી મામલો થાળે પાડયો હતો.પ્રજાને ખબર જ છે કોની જોડે રહેવું અને કોની જોડે નહિ,એટલે પ્રજા મારી સાથે છે અને રહેવાની છે.- મોહનભાઈ ઢોડીયા (ધારાસભ્ય,મહુવા)
અમે ફાળિયા સાથે જ ખુશ, કેસરી ટોપી નહીં પહેરીએ : અનંત પટેલ
વાંસદાના ધારાસભ્યે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દિશા ફાઉન્ડેશનને દિશા બતાવવાની જરૂર નથી. મોહનભાઈ તમને દિશા બતાવવાની જરૂર છે. અમે કોઈ દિવસ કેસરી ટોપી પહેરવાના નથી, અમે ફક્ત ફાળિયું જ પહેરવાના છીએ , ફાળિયા જોડે મરીશું અને તેનું કફન બનાવી ઓઢી લઈશું.
હું ક્યારેય કોઇથી ડરવાનો નથી
મારા વ્યક્તવ્યમાં સમાજમા રાજકારણ નહિ આવવું જોઈએ, અને સમાજ હોય કે રાજકારણ સર્વે માટે સમાજ કારણ હોવું જોઈએ. એવી વાત કરી હતી. મોહનભાઈ ટોપી પહેરીને આવ્યા પરંતુ હું અનંત પટેલ આદિવાસી સમાજનું ફાળિયું બાંધી આવ્યો છે. હું મારા સમાજને આગળ વધારવાની કોશિશ કરીશ, ક્યારેય પણ કોઈથી ડરવાનો નથી અને સમાજને ડરાવનારાઓને છોડવાનો નથી.- અનંત પટેલ (ધારાસભ્ય,વાંસદા ચીખલી)
