શહેરમાં મોબાઇલ સ્નેચરો બેફામ રીતે મોબાઈલ ઝુંટવી ભાગી રહ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોબાઈલ સ્નેચરો સક્રિય છે. જેને લઈને લોકોમાં રોષ વધી રહ્યો છે. ખટોદરા વિસ્તારમાં લોકોના હાથે મોબાઈલ સ્નેચર ચડી જતા માર માર્યો હતો. બાદમાં લોકોએ તેની બાઈક સળગાવી નાખી હતી.
એક સ્નેચર ભાગવામાં સફળ રહ્યો
ખટોદરામાં બાઈક પર બે મોબાઈલ સ્નેચર આવીને હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક સ્નેચર ગાડી પરથી નીચે પડી જતા લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. લોકોએ તેને બરાબરનો માર માર્યો હતો. એક ગાડી પરથી પડતાની સાથે જ નાસી જવામાં સફળ થયો હતો. બીજો છટકવામાં અસફળ રહેતા તેને લોકોએ ને માર માર્યો હતો. પરંતુ તેની ગાડી ત્યાં જ છોડી દેતા લોકોએ રોષમાં આવીને તેની બાઈક સળગાવી નાખી હતી.
પોલીસે સક્રિય થવાની જરૂર
સુરતમાં મોટાભાગે મોબાઈલ સ્નેચરો ઓવરસ્પીડમાં બાઈક ચલાવતા પણ જોવા મળતા હોય છે. કોઈ વ્યક્તિ હાથમાં મોબાઈલ લઈને ઊભા ઊભા ફોન પર વાત કરતા હોય અથવા તો ઘણી વખત ચાલુ ગાડીએ પણ ફોન પર વાત કરનારના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા હોય છે. આવા કિસ્સાઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. મોબાઈલ લઈને ફિલ્મી ઢબે એટલી ઝડપથી ફરાર થઈ જાય છે કે, તેઓ કોઈના હાથમાં પણ આવતા નથી. પોલીસે આવા ઓવર સ્પીડથી ગાડી હંકારનારા ઉપર પણ નજર રાખવી જોઈએ અને યુવકોને ઊભા રાખીને સતત પૂછરછ પણ કરતા રહેવાની જરૂર છે. તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે.
