લોકાર્પણની પ્રથમ રાત્રે જ ટ્રાફિકજામ:રાજકોટના સૌપ્રથમ ફ્લાયઓવર બ્રિજ પર સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા, મોડીરાત સુધી વાહનોની લાંબી લાઈનો લાગી

By Abhishek Raghuvanshi
3 Min Read

રાજકોટના કેકેવી ચોકમાં મનપાએ પ્રથમ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે. ગઈકાલે વડાપ્રધાન મોદી દ્વારા આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવતા રાજકોટના લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે આ બ્રિજ પરથી પસાર થવાનો આનંદ માણવા હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. અનેક વાહનચાલકો પરિવાર અને મિત્રો સાથે બ્રિજ પર સેલ્ફી લેવા ટોળે વળ્યા હતા. જેને કારણે પ્રથમ રાત્રે જ ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.

ફ્લાયઓવર બ્રિજથી મેટોડા જતા લોકોને સૌથી વધુ ફાયદો
મહિલા કોલેજ અંડરબ્રિજથી સીધા કાલાવડ રોડ સ્વિમિંગ પૂલ સુધી જવા માગતાં વાહનોને ટ્રાફિકની સમસ્યા નડશે નહીં. પરિણામે સમય, શક્તિ, ઈંધણ અને નાણાંનો બચાવ થશે. નવનિર્મિત બ્રિજ પરથી ઊતર્યા બાદ મોટા મૌવા, મેટોડા તરફ જવા માગતા વાહનચાલકોને સીધો જડ્ડુસ રેસ્ટોરન્ટ ચોક બ્રિજ કનેક્ટ થઈ જશે. આ પુલથી અંદાજિત બે લાખ જેટલા નાગરિકોને રોજ સરળતાથી પરિવહનનો લાભ મળશે.

ફ્લાયઓવર બ્રિજની શું છે વિશેષતા
બ્રિજ ઉપર નવો બ્રિજ બનાવાયો છે. કે.કે.વી. ચોક પર ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ પહેલાંથી જ આવેલો હતો, ભવિષ્યમાં થનારી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બી.આર.ટી.એસ. બ્લૂ કોરિડોર પર કે.કે.વી. ચોક પર આવેલા બ્રિજ ઉપર નિષ્ણાતોના અભિપ્રાય મેળવી મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજ બનાવવાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. એ અંતર્ગત ઇ-ટેન્ડર પ્રસિદ્ધ કરી સ્પર્ધાત્મક ઓફર મગાવવામાં આવી હતી. એમાં રણજિત બિલ્ડકોન લિ. નામની કંપની સાથે સ્થાયી સમિતિની મંજૂરી મેળવી કરાર કરવામાં આવ્યો અને તા.21-01-2021થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

15 મીટરની બ્રિજની કુલ ઊંચાઈ
કે.કે.વી. ચોકમાં મધ્યમાંથી 15 મીટરની બ્રિજની કુલ ઊંચાઈ છે, એટલે કે જમીનથી આ બ્રિજનો સેન્ટ્રલ સ્પાન 50 ફૂટ ઊંચો છે. સેન્ટર સ્પાનમાં 45 મીટરનો સ્ટીલ ગર્ડર ઊભો કરવામાં આવ્યો છે. ફ્લાયઓવર બ્રિજની બંને બાજુ 5.50 મીટરથી 8.50 મીટરનો સર્વિસ રોડ, બ્રિજની નીચે 7500 ચો.મી.નું પાર્કિંગ, પેડેસ્ટ્રિયન માટે ફૂટપાથની વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન તથા સર્વિસ યુટિલિટી ડક્ટ એ બ્રિજની મુખ્ય વિશેષતાઓ છે.

- Advertisement -

બ્રિજમાં સૌથી વચ્ચેનો ભાગ સ્ટીલ ગર્ડરનો
બ્રિજમાં સૌથી વચ્ચેનો ભાગ સ્ટીલ ગર્ડરનો, જ્યારે બાકીનો ભાગ સિમેન્ટમાંથી બનેલા ગર્ડરનો હોવાથી બંને સ્થળે અલગ અલગ ટેક્નિકથી બ્રિજની ડિઝાઈન મુજબ 30 ટન વજન ભરેલી 6 ટ્રક સાથે કુલ 180 ટન વજન સ્ટીલ ગર્ડર અને 34 ટન વજન ભરેલી 4 ટ્રક સિમેન્ટ ગર્ડર પર 24 કલાક સુધી રાખી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યો હતો, જેમાં જરૂરી હોય એટલું ડિફ્લેક્શન એટલે કે ઝુકાવ પણ જોવા મળ્યો હતો. સ્ટીલ ગર્ડરમાં આ મર્યાદા 22.63 એમ.એમ. હતી, જ્યારે સિમેન્ટ ગર્ડરમાં 4.25 એમ.એમ. હતી. લોડ ટેસ્ટિંગમાં બંને સ્થળે રેન્જ કરતાં ઓછું ડિફ્લેક્શન નોંધાયું હતું. એના પરથી બ્રિજની મજબૂતાઈનો ક્યાશ કાઢી શકાયો હતો..

બ્રિજની 1152.67 મીટર લંબાઈ
કે.કે.વી. ચોક પર 4 મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજ 1152.67 મીટર લંબાઈ, 15.50 મીટર પહોળાઈ તથા 15 મીટર ઊંચાઈએ નિર્માણ પામ્યો છે. કાલાવડ રોડ તરફ બ્રિજની લંબાઈ 690 મીટર અને કોટેચા ચોક તરફથી 417 મીટર છે. કાલાવડ રોડ ઉપર પ્રિન્સેસ સ્કૂલથી ફ્લાયઓવર શરૂ થશે, જે કે.કે.વી. ચોકના હયાત ફ્લાયઓવરની ઉપરથી પસાર થશે અને રાજકોટ મહાનગરપાલિકાના સ્વામી દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પૂલ પાસે પૂર્ણ થાય છે.

Exit mobile version