રાજ્યમાં 3 વર્ષમાં 8,345 કરોડનું ડ્રગ્સ પકડાયું,1362 કેસ થયા પણ 650 આરોપી ‘રજા’ લઈ ફરાર થઈ ગયા

By Abhishek Raghuvanshi
4 Min Read
  • કોર્ટે મંજૂર કરેલી પેરોલ-ફર્લોની રજા પર ભાગી જતા આરોપીઓમાં સૌથી વધુ બીજા રાજ્યોના આરોપીઓ જેમની સામે માત્ર એનસી ફરિયાદ જ થાય છે!
  • 1400 ફરાર આરોપીઓમાં અડધા તો ડ્રગ્સ તસ્કરો!
  • રાજ્યભરમાં ડ્રગ્સની હેરાફેરીના 1,362 કેસ થયા, કુલ રૂ. 8,345 કરોડની કિંમતનું ડ્રગ્સ અને 2022 આરોપીઓ ઝડપાયા

‘સોનાની થાળીમાં લોઢાની મેખ’, આ સ્થિતિ છે ગુજરાતની. રાજ્યની પોલીસે છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં સૌથી વધુ માત્રામાં ડ્રગ્સ પકડી પાડ્યું છે જે ગુજરાતમાંથી બીજાં રાજ્યોમાં પહોંચવાનું હતું. ડ્રગ્સ માફિયાઓની કમર તોડી કાઢવા માટે ગુજરાત પોલીસે કરેલી આ કામગીરીને ખુદ રાજ્ય સરકાર અનેકવાર બિરદાવી ચૂકી છે પરંતુ કાયદાની છટકબારી કહો કે સંવિધાનમાં અપાયેલી છૂટનો ગેરલાભ, રાજ્યની અલગ અલગ જેલમાં બંધ ડ્રગ્સ કેસના 650થી વધુ આરોપી પેરોલ-ફર્લોની ‘રજા’ મેળવી ફરાર થઈ ગયા છે. એટલું જ નહીં આ ફરાર આરોપીઓ વિરુદ્ધ કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરવા બદલ માત્ર એનસી (નોન કોગ્નિઝેબલ ) ગુનો જ નોંધાય છે. જેનો ફરાર આરોપીઓને પરત પકડાઈ જાય તોપણ કોઈ ફરક પડતો નથી.

ગુજરાત પોલીસે છેલ્લાં ત્રણ વર્ષમાં ડ્રગ્સના 1362 કેસ કરીને કુલ 2022 આરોપીઓને પકડી પાડ્યા. પકડાયેલા ડ્રગ્સ કન્સાઈન્મેન્ટનો આંકડો પણ અધધ કહી શકાય તેટલો મોટો છે. ગુજરાત પોલીસ આ વાતનું ગૌરવ લે તે સ્વાભાવિક છે. પરંતુ પોલીસની આ કામગીરીનું એક બીજું પાસું એ છે કે રાજ્યમાંથી ડ્રગ્સના જ 650 આરોપીઓ કોર્ટમાંથી પેરોલ-ફર્લોની રજા મેળવ્યા બાદ પરત જેલમાં હાજર નથી થયા.

ગુજરાત પોલીસનાં સૂત્રોનું કહેવું છે કે જુલાઈ મહિનાના અંત સુધીમાં કુલ 1400થી વધુ આરોપીઓ આ રીતે જેલમાંથી રજા મેળવી ફરાર થઈ ગયા છે જે પૈકી 650થી વધુ માત્ર ડ્રગ્સ કેસના જ આરોપીઓ છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ફરાર આરોપીઓમાં મસમોટા કન્સાઈન્મેન્ટમાં પકડાયેલા ડ્રગ્સના આરોપીઓ છે જે બીજા રાજ્યના આરોપીઓ સૌથી વધુ છે. એકવાર ફરાર થયા બાદ તેમને પરત પકડી લાવવામાં પણ પોલીસને ધારી સફળતા મળતી નથી.

પોલીસના મતે ફરાર થઈ ગયેલા આરોપીઓ પૈકી મોટા ભાગના ફરી ડ્રગ્સના વેપારમાં જોડાઈ જાય છે

- Advertisement -

ફરાર આરોપીઓ પકડાય તો પણ ભાગવા બદલની કાર્યવાહી સામાન્ય
કાયદાના જાણકારોના મતે, જે આરોપીઓ કોર્ટના આદેશ બાદ પેરોલ-ફર્લો પર છૂટીને ફરાર થઈ જાય છે તેમને જેલ દ્વારા ભાગેડું જાહેર કરાય છે. સંબંધિત પોલીસ કચેરીઓમાં તેની વિગતો મોકલાય અપાય છે. પોલીસ તેમને પકડીને પરત લાવે ત્યારે રજા લઈને ભાગ્યો હોવા બદલ તેની સામે માત્ર નોન કોગ્નિઝેબલ ગુનો નોંધાય છે. તેમાં આરોપીને સામાન્ય દંડ જેવી જોગવાઈ હેઠળ સજા અપાય છે.

વર્ષકેસઆરોપીઓડ્રગ્સ (કિલો ગ્રામ)કુલ કિંમત
202338551015,951660.04 કરોડ
202251278532,590533 કરોડ 5338
202146572721,754234 કરોડ 2346
કુલ1,3622,02270,2978,345 કરોડ

1400થી વધુ ફરારની યાદી તૈયાર
ગુજરાત પોલીસ પાસે 31 જુલાઈ સુધીના પેરોલ-ફર્લો પર ફરાર થયેલા 1400 આરોપીઓની યાદી છે. તેમાં વિવિધ ગુનાના આરોપીઓ સામેલ છે. જોકે, તેમાં 650થી વધુ ડ્રગ્સના આરોપી છે. પોલીસના મતે, આ આરોપીઓ પૈકી મોટા ભાગના ફરી ડ્રગ્સના વેપારમાં જોડાઈ જાય છે.

ડ્રગ્સ કેસમાં શરૂથી અંત સુધી પહોંચવું જરૂરી
CID નાર્કોટિક્સ વિભાગનાં સૂત્રોનું કહેવું છે કે ડ્રગ્સ કેસમાં તપાસના સ્ટાન્ડર્ડ નિયમોનું પાલન કરવામાં આવે છે. રાજ્યમાં કોઈ પણ ડ્રગ્સ કેસ થાય અને તપાસ સીઆઈડી પાસે આવે અથવા તેનું સુપરવિઝન હોય ત્યારે તે ડ્રગ્સના ઉદભવથી તે છેલ્લે કોની પાસે પહોંચવાનું હતું, તે અંત સુધી પહોંચવાની તપાસ કરાય છે. કમનસીબે કેટલાક કેસમાં આ તપાસ પૂર્ણ થાય તે પહેલાં જ કેટલાક આરોપીઓ જેલમાંથી રજા લઈને ફરાર થઈ ગયા હોય તો તપાસ અટકી પડતી હોય છે.

Exit mobile version