મેઘરાજાની તોફાની બેટિંગ:સુરતીઓ ઊંઘમાં ને 3 ઇંચ વરસાદ ખાબક્યો, ડિંડોલી-ઉધનામાં જળબંબાકાર, ટુ-વ્હિલરો ડૂબતા વાહનચાલકો પરેશાન થયા

By Abhishek Raghuvanshi
3 Min Read

સુરત સહિત ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસાએ જમાવટ કરી છે. ત્યારે સુરતમાં ગત રાત્રે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. લોકો ઊંઘમાં હતા અને ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર બનતા પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના ડિંડોલીમાં રસ્તાઓ પર કેડસમા પાણી ભરાતા વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સુરત શહેરમાં રાત્રે મેઘાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. જેથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બાઈક અને દુકાનની ખુરશીઓ પાણીમાં ગરકાવ
સુરતના ઉધના અને ડિંડોલી વિસ્તારના રસ્તાઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પાણી ભરાતા એક આઈસ્ક્રીમની દુકાન અને ચાઈનીઝ વેચનારની દુકાનની બહાર પાર્ક કરેલી બાઈક અને દુકાનની ખુરશીઓ પાણીમાં ગરકાવ જોવા મળી હતી.

પ્રિ-મોન્સુન કાર્યવાહી પર પણ સવાલો ઉભા
કામ કરતા કામદારો ગટરમાંથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ચોમાસાની શરૂઆતમાં જ સુરતની આ હાલત છે, તો હજુ સુધી વરસાદની આખી સિઝન બાકી છે ત્યારે શું થશે. ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાવાની સ્થિતિએ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કાર્યવાહી પર પણ સવાલો ઉભા કર્યા છે.

- Advertisement -

વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો
સુરત સહિત જિલ્લામાં ચોમાસાની શરૂઆત 15 દિવસ મોડી થઈ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તેની મોડે મોડે પણ શરૂઆત થતાં તેમનામાં આનંદ છવાયો છે. સુરત જિલ્લામાં શાકભાજી, ડાંગર, શેરડી સહિતના પાક લેતા ખેડૂતો હવે સારા અને યોગ્ય પ્રમાણમાં નિયમિત વરસાદની આશા સેવી બેઠા છે.

ઝાડ પડતા હેલ્થ સેન્ટરની દીવાલ ધરાશાયી
વરાછા અર્બન હેલ્થ સેન્ટરમાં ઝાડ પડતા રોડ બંધ કરવો પડ્યો હતો. સવારમાં ઝાડ પડવાના કારણે પોદારથી ઉમિયાધામ જવાના રસ્તા પર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફાયર વિભાગને જાણ થતાં ઝાડને કાપી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝાડ પડતા હેલ્થ સેન્ટરની દીવાલ પણ તૂટી ગઈ હતી.

સુરત જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
બારડોલી- 6 ઇંચ
મહુવા- 5.5 ઇંચ
પલસાણા- 4.5 ઇંચ
સુરત- 3.3 ઇંચ
કામરેજ- 2.5 ઇંચ
ઉમરપાડા- 2 ઇંચ
માંડવી- 2 ઇંચ
​​​​​​​ચોર્યાસી- 1.5 ઇંચ

Exit mobile version