નવસારીથી સુરત, વાપી, મુંબઈ મોટી સંખ્યામાં પાસ હોલ્ડર વર્ગ અપડાઉન કરે છે. ત્યારે આજે ઉધના અને સુરતની વચ્ચે મેઈન ટ્રેકને યાર્ડ સાથે જોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વેસ્ટર્ન રેલવે દ્વારા 26 થી 28મી ઓગસ્ટ સુધી બ્લોક જાહેર કરતા કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ જવા માંગતા કેટલાક મુસાફરો સાથે ડેઈલી મુસાફરી કરતો વર્ગ નવસારી રેલવે સ્ટેશને અટવાયો હતો.
ઉધના સુરત વચ્ચે ત્રીજી રેલવે લાઇન તૈયાર થઈ ગઈ છે, જે 29 ઓગસ્ટથી શરૂ થશે. પણ તે અગાઉ આજથી થી 28 ઓગસ્ટે રેલવેની મેઇન લાઇનને યાર્ડ સાથે જોડવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જે માટે 56 કલાકનો બ્લોક લેવાયો છે. જેને કારણે સુરતથી મુંબઇ અને અમદાવાદ તરફ જતી 57 ટ્રેનને અસર પહોંચી છે, જેમાં મુંબઇ જતી 28 ટ્રેન રદ છે, જ્યારે અમદાવાદ જતી 29 ટ્રેન રદ કરાઈ છે. 3 દિવસ આ કામગીરી સવારે 9.30થી સાજે 5.30 વાગ્યા સુધી ચાલશે. આ મેગા બ્લોકથી 70 હજારથી વધુ મુસાફરોને અસર પહોંચશે. જો કે, ગઈકાલે રિફંડ આપવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 28મીએ 2 કલાક મોડી ઉપડશે. નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસને 26-27મીએ નાગપુર- ઈટારસી-નડિયાદ થઈને ડાયવર્ટ કરાશે. ઈન્દોર એક્સપ્રેસ 26મીએ કલ્યાણ- ભુસાવલ-ઈટારસી રૂટ પર દોડશે. 27, 28 ઓગસ્ટની તાપ્તી ગંગા સુરત-ઉધના વચ્ચે રદ, ઉધનાથી આગળ જશે. સુરત- ભાગલપુર સુપરફાસ્ટ 26મીએ સુરત- ઉધના વચ્ચે રદ, ઉધનાથી આગળ જશે.
