- ગામના કોમ્યુનીટી હોલમાં શરૂ કરાયેલી લાઇબ્રેરીમાં આજે 50થી વધુ છાત્રો અભ્યાસ કરે છે
શિક્ષણનું સ્તર સુધારવા માટે નાની ભટલાવ ગામના સરપંચે બંધ પડેલા કોમ્યુનિટી હોલમાં 2 વિદ્યાર્થીથી શરૂ કરેલી લાયબ્રેરીમાં આજે રોજ 50 વિદ્યાર્થીઓ આવે છે. 200 જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરિક્ષા આપી જેમાંથી 21 જેટલા વિદ્યાર્થી સરકારી નોકરી મેળવવામાં સફળ થયા છે . આ ઉમદા કામગીરીથી પ્રભાવિત થઇ હવે સરકાર નવી સુવિધા સંપન્ન લાઇબ્રેરી બનાવી આપશે.
બારડોલી તાલુકાના મહત્તમ આદિવાસી વસતી ધરાવતું નાની ભટલાવ ગામમાં સ્થાનિક યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરવા દુર સુધી જવું ન પડે તે માટે 15-8-2021ના રોજ ગામના કોમ્પ્યૂનિટી હોલમાં લાયબ્રેરી શરૂ કરી હતી. હાલ લાયબ્રેરીમાં રોજના 40-50 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે જગ્યાઓ પૂરતી ન હોવાથી વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસી અભ્યાસ કરવો પડે છે.
જેથી સરપંચ અંકિત ચૌધરી આ અંગે ટીડીઓ નિશાંત ફુગસિયાને રજૂઆત કરતાં વતન પ્રેમ યોજનામાં લાયબ્રેરી બનાવી આપવા માટે બાંહેધરી આપી હતી. ભંડોળ માટે મુકલ ટ્રસ્ટમુકુલ ટ્રસ્ટ ( સ્વરાજ આશ્રમ, બારડોલી )ના ડૉ. પ્રજ્ઞા બહેન કલાર્થીને જણાવ્યું હતું.
પ્રગ્નાબહેને સ્થળ મુલાકત લેતા તેમણે ભંડોળ આપવા માટે રાજી થયા હતાં. જેથી હવે નાની ભટલાવ ગામે લાયબ્રેરીનું પાકુ મકાન હશે. જે મકાન 17.50 લાખના ખર્ચે તૈયાર થશે. જેમાં 60 ટકા રૂપિયા મુકુલ ટ્રસ્ટ આપશે અને 40 ટકા રૂપિયા સરકાર આપશે.
આવી હશે 17.50 લાખના ખર્ચે તૈયાર થનારી નવી લાઇબ્રેરી
વાંચનાલયનું પરિસર 75 ચોરસ મીટરનું રહેશે. લાયબ્રેરીનું મકાન 50×30નું રહેશે. મકાનમાં હવા ઉજાસ સાથે પંખા અને કુલરની સુવિધા આપવામાં આવશે. એક ટોયલેટ બ્લોક રહેશે. કમ્પાઉન્ડ વોલ અને પરિસરને ફૂલછોડથી સુશોભીત કરાવામાં આવશે.
