- ત્રણ ઓથોરિટીએ બનાવેલા બ્રિજ પર વાહન ચલાવવાની સ્પીડ લિમિટ અલગ અલગ હોવાથી વાહનચાલકો મૂંઝાય છે
- 9 સ્પીડ ગન વસાવાઈ, પણ 4 માસમાં 156 વાહનચાલકને જ દંડ થયો
ઇસ્કોન ફ્લાયઓવર પરના અકસ્માતમાં 9 લોકોનાં મોતની ઘટનાથી એસજી હાઈવે પર ફરી સ્પીડ લિમિટ મુદ્દે વિવાદ સર્જાયો છે. મહત્ત્વનું છે કે, સરખેજ-ગાંધીનગર હાઈવે પર અમુક બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટીએ, કેટલાક સ્ટેટ હાઈવે ઓથોરિટીએ જ્યારે કેટલાક મ્યુનિ.એ બનાવ્યા છે. આ ત્રણેય ઓથોરિટી દ્વારા જે રસ્તા તૈયાર કરાય છે, તેના પર વાહનની સ્પીડ લિમિટ જુદી જુદી હોય છે, જેના કારણે એસજી હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને એ વાતનો અંદાજ રહેતો નથી કે વાહન ક્યાં અને કઈ સ્પીડે ચલાવવું જોઈએ.
એસજી હાઈવે પર ફરી સ્પીડ લિમિટ મુદ્દે વિવાદ સર્જાયો
દરેક રસ્તા પર વાહન કેટલી સ્પીડમાં ચલાવવું તેના બોર્ડ લગાવાયાં છે, પરંતુ દરેક રસ્તા પર લિમિટમાં વિસંગતતા છે, જેમાં ઇસ્કોન ફ્લાયઓવર પર 40, ઝાયડસ ફ્લાયઓવર પર 70, પકવાન ફ્લાયઓવર પર 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ દર્શાવવામાં આવી છે. જ્યારે એસજી હાઈવે પર આ સિવાયના આખા રસ્તે સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાકની છે.
પકવાન બ્રિજ
અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક પોલીસે 9 સ્પીડ ગન વસાવી
શહેરમાં ઓવરસ્પીડને કારણે થતાં અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક પોલીસે 9 સ્પીડ ગન વસાવી છે, જેનો ઉપયોગ એસજી હાઈવે, એસપી રિંગ રોડ પર કરાય છે. બંને રોડ પર વાહનની સ્પીડ લિમિટ 80 નક્કી કરાઈ છે, તેના કરતાં વધારે સ્પીડમાં જતા વાહનોને સ્પીડ ગનથી ઇ-મેમો ઇશ્યૂ કરાય છે. 2022માં 49,815 ઇ મેમો જનરેટ કરાયા હતા, જેની સામે આ વર્ષે જાન્યઆરીથી એપ્રિલ સુધીના ચાર મહિનામાં 156 ઇ મેમો જ જનરેટ થઈ શક્યા છે.
ઈસ્કોન બ્રિજ
સ્પીડ |સરખેજ-ગાંધીનગર હાઈવે પર બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે રોજ સરેરાશ આઠ અકસ્માત થાય છે
હાઈવે પર છેલ્લા સાત મહિનામાં અકસ્માતોથી 23નાં મોત
108 ઇમર્જન્સી સર્વિસના ડેટા મુજબ, એસજી હાઈવે પર બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે રોજ આઠ અકસ્માત થાય છે, જ્યારે 2022-23માં 3005 અકસ્માત નોંધાયા છે. ઇસ્કોન સર્કલ અને તેની પાસે 2017થી 2021માં 28 અકસ્માતોમાં 10 લોકોનાં મોત થયાં હતાં. 2023માં એસજી હાઈવે પરના એસજી-1 અને એસજી-2 પોલીસ સ્ટેશનમાં અકસ્માતોની 45 ઘટના નોંધવામાં આવી છે, જેમાં કુલ 23 લોકોનાં મોત તથા 22 લોકો ઇજાગ્રસ્ત થયાં છે.
શહેરમાં આ વર્ષે જૂન સુધીમાં 728 અકસ્માતમાં 237એ જીવ ગુમાવ્યા
અમદાવાદમાં આ વર્ષે જૂન મહિના સુધીમાં 728 અકસ્માતમાં 237એ જીવ ગુમાવ્યા હતા. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે 2021માં દેશનાં 50 શહેર પરનું એક રિસર્ચ પ્રકાશિત કર્યું હતું, જેમાં અકસ્માતો મામલે અમદાવાદ શહેર 11મા ક્રમે હતું. જ્યારે દિલ્હી પ્રથમ ક્રમે હતું.
| અમદાવાદમાં સાડા ત્રણ વર્ષમાં 4385 અકસ્માતોમાં 1469 લોકોનાં મોત થયાં | |||
| વર્ષ | અકસ્માત | મૃત્યુ | ગંભીર ઇજા |
| 2020 | 979 | 340 | 476 |
| 2021 | 1231 | 404 | 620 |
| 2022 | 1447 | 488 | 720 |
| જૂન 2023 સુધી | 728 | 237 | 341 |
| કુલ | 4385 | 1469 | 2157 |
ઇન્ડિયન રોડ કોંગ્રેસના મેન્યુઅલ મુજબ સ્પીડ લિમિટ રાખવી જોઈએ
એસજી હાઈવે પર ગતિ મર્યાદામાં વિસંગતતા ન હોવી જોઈએ. ઇન્ડિયન રોડ કોંગ્રેસના મેન્યુઅલ પ્રમાણે એસજી હાઈવે પર વાહનોની ગતિ મર્યાદાનાં બોર્ડ હોવાં જોઈએ. સામાન્ય રોડ પર 80, બ્રિજ પર 40ની સ્પીડ લિમિટ હોવી જોઇએ. હાઈવે પર રાહદારીઓ માટે રસ્તો ક્રોસ કરવા ફૂટ ઓવરબ્રિજ કે સેફ પેસેજ બનાવવો જોઈએ. > અમિત ખત્રી, એક્સપર્ટ, રોડ એન્ડ ટ્રાફિક
