બ્રિજ અધિકારીઓની ભૂલને લીધે સફેદ હાથી સાબિત થયો:3 વર્ષ પહેલા બ્રિજ તો બનાવી દીધો પણ સામે છેડે જમીન સંપાદન કરવાનું જ ભૂલી ગયું

By Abhishek Raghuvanshi
2 Min Read
  • હરખઘેલું તંત્ર વાલોડના ગોડધા – હથુકા વચ્ચે પૂર્ણા નદી પર બનેલો 4 કરોડનો બ્રિજ 1 ભૂલને લીધે અટવાયો

વાલોડ તાલુકાનાં હથુકા-ગોડધા રોડથી અધ્યાપોર ગામને જોડતા લિન્ક રોડ પર પુર્ણા નદી પર વર્ષ 2017માં 4 કરોડના ખર્ચે શરૂ થયેલ બ્રિજની કામગીરી વર્ષ 2020માં પૂર્ણ થઈ હતી. પરંતુ ચોંકાવનારી બાબતમાં તૈયાર થયેલ આ બ્રિજ અધિકારીઓની ભૂલને લીધે સફેદ હાથી સાબિત થયો છે. ગોડધાની લિન્ક રોડ રોડને જોડતો પુલનો સામેના છેડાએ 7 ગૂંમથા જમીન ખાનગી માલિકીની હોય, જે સંપાદન કરવાની હતી, પરંતુ અધિકારીઓએ કામગીરી નહી કરતા, ખેડૂતે વિરોધ નોંધાવતાં પુલ ખુલ્લો મૂકી શકાયો નથી.

બ્રિજ બનાવતા પહેલા સાત ગૂંઠા જમીન સંપાદન ન કરાતા એક છેડાનું એપ્રોચ કામ અટવાયું

3 વર્ષથી બ્રિજ સફેદ હાથી સમાન
આ કામગીરીમાં સૌથી મોટું મૂર્ખામીભર્યું કામ સરકારી અધિકારીનું જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા આ બ્રિજની કામગીરી શરૂ કરતાં પહેલા ગોડધા તરફ બ્રિજના બીજા છેડે એપ્રોચ રોડને જોડવા માટે કામગીરી કરવાની હતી. ખાનગી માલિકીની જમીન હોય, સંપાદન કરવાની જરૂર હતી. પરંતુ આ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બ્રિજ બનાવી દીધો.

ખેડૂતે વિરોધ નોંધાવતાં પુલ ખુલ્લો મૂકી શકાયો નથી
હવે એપ્રોચની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે ખાનગી માલિક કોર્ટમાં પહોંચી ગયા અને બ્રિજ તૈયાર થયાને ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો પરંતુ જનહિત માટે હજુ સુધી ઉપયોગમાં આવ્યો નથી. અધિકારીઓ આ બાબતે બોલવા તૈયાર નથી. હાલ સંપાદનની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવી હાથ ઊંચા કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક નેતાઓ પણ પ્રજાના રૂપિયાનો વ્યય થયો હોવા છતાં બ્રિજ શરૂ કરવામાં વામણા પુરવાર થઈ રહ્યા છે.

- Advertisement -

બ્રિજ તૈયાર છતાં પણ લોકો ચકરાવો વેઠવા મજબૂર
પુર્ણા નદીના બ્રિજની કામગીરીથી ભીમપોર, ડુમખલ, રાનવેરી, કુંભીયા, કોસંબિયા સહિતના ગામડાઓને મહુવા સુગર ફેક્ટરી સુધી પહોંચવામાં સરળતા રહે, સાથોસાથ લોકોનો બુહારી તરફનો મોટો ચકરાવો અટકી જવાથી ઈંધણ અને સમયની બચત થાય તે હેતુથી ચાર કરોડના ખર્ચે આ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે
આ બાબતે વાલોડ માર્ગ મકાન વિભાગ (પંચાયત)ના ડેપ્યુટી ઇજનેર નીરવ રાઠોડે જણાવ્યુ હતું કે, હાલ ખાનગી માલિકીની જમીન સંપાદન અંગે પ્રક્રિયા ચાલુ છે. જિલ્લા કલેક્ટર કચેરીમાં મૂલ્યાંકન સમિતિમાં ફાઇલ પહોંચી છે.

Exit mobile version