બાયડની વાત્રક નદીનો ઝાંઝરી ધોધ વહેતો થયો:અરવલ્લીમાં ઉપરવાસમાં ખાબકેલા વરસાદથી ધોધ જીવંત થયો; કુદરતી ધોધથી આહલાદક વાતાવરણ સર્જાયું

By Abhishek Raghuvanshi
1 Min Read

ચોમાસાની શરૂઆત થતા જ પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા પાસે આવેલો ઝાંઝરી ધોધ આ સિઝનમાં પ્રથમ વખત જીવંત થયો છે. આ ધોધ વાત્રક નદી પર આવેલો છે. વાત્રક નદી પર પથ્થરોની એવી કુદરતી ગોઠવણ છે કે, જ્યારે જ્યારે નદીમાં પાણી આવે ત્યારે કુદરતી નજારો જોવા મળતો હોય છે. ત્યારે ચાલુ સીઝનમાં અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ થતાં વાત્રક નદીમાં પાણીની સારી આવક પણ થઈ છે અને ઘોધ જીવંત થયો છે.

ઝાંઝરી ધોધ નિહાળવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે અને ધોધમાં નાવાની મજા માણતા હોય છે. આ ધોધ ચોમાસાના ચાર મહિના સુધી જીવંત રહેતો હોય છે. ત્યારે કુદરતના ખોળે જાણે પ્રકૃતિ બિરાજમાન હોય એવા દૃશ્યો જોવા મળ્યા છે.

આ ઝાંઝરી ધોધ જેટલો પ્રાકૃતિક અને આહલાદક ગણાય છે એટલો જ જોખમી પણ છે. એટલે આ ધોધને ભોગીયા ધોધ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષમાં કેટલાય લોકો આ ધોધમાં નહાવા જતા ડૂબી ગયાની ઘટના સામે આવી છે. ત્યારે આ ધોધના કિનારે તંત્ર દ્વારા સુરક્ષાને લઈ કોઈ નક્કર કામગીરી નથી. ભયજનક કે જોખમી જગ્યાએ ના જવું આવા લોક જાગૃતિના હોર્ડિંગ્સ કે અન્ય સૂચનાના બોર્ડ પણ નથી. કાયમી પોલીસ બંદોબસ્ત પણ જરૂરી છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

Exit mobile version