પ્રતિબંધિત કપ કચરામાંથી મળે છે:પ્રતિબંધ ખરો, પણ અમલ કેટલો? રોજ કચરામાંથી ચાના 20 લાખથી વધુ પ્રતિબંધિત કપ મળી રહ્યા છે

By Abhishek Raghuvanshi
7 Min Read
  • કાર્યવાહી | મ્યુનિ.એ 3 માસમાં 1.26 લાખ કિલો જથ્થો જપ્ત કર્યો
  • રોજ એક ટી સ્ટોલ, શાકભાજીની લારી પર 100થી 250 પ્લાસ્ટિક થેલીનો વપરાશ થાય છે

અલ્પેશ ભટ્ટ અમદાવાદ શહેરમાં હજારોની સંખ્યામાં ટી સ્ટોલ ધમધમી રહ્યા છે અને ત્યાંથી ચા ખરીદીને ઓફિસ કે અન્ય સ્થળે લઈ જવા માટે થેલીમાં ભરીને આપવામાં આવે છે. લગભગ એક સામાન્ય ટી સ્ટોલ પર પણ રોજની આવી 100થી 250 પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીમાં ચા લઈ જવાય છે, જે બાદમાં મ્યુનિ.ના કચરામાં આવે છે. એ જ રીતે શહેરમાં રોજ ચાના 20 લાખ જેટલા પ્રતિબંધિત કપ કચરામાંથી મળે છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મ્યુનિ.એ ઝુંબેશ હાથ ધરી છે, પણ હજુ તેના કડક અમલની જરૂર ઊભી થઈ છે. છેલ્લા 3 મહિનામાં જ મ્યુનિ. દ્વારા 1.26 લાખ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો વિવિધ એકમો પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે તેમ જ 80.16 લાખ જેટલો દંડ પણ વસૂલવામાં આ‌વ્યો છે.

મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ અને જેટની ટીમ સહિત 100થી પણ વધારે ટીમ સતત ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ ચલાવી રહી છે. જોકે હજુ પણ સ્થિતિ ઠેરની ઠેર છે. શહેરની લગભગ કોઈ પણ કીટલી, કોઈ પણ શાકભાજીની લારી કે પછી કરિયાણાની દુકાન, રેસ્ટોરાં, અનેક ધંધાકીય સ્થાનો પર તપાસ કરાય તો ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત થઈ શકે છે. મ્યુનિ. તંત્ર દ્વારા જ્યાંથી પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળે ત્યાં તે જપ્ત કરી દુકાનદાર પાસેથી દંડ વસૂલાય છે, પરંતુ આ જથ્થાબંધ જથ્થો ક્યાંથી આ‌વે છે તે દિશામાં તપાસ કરી ત્યાં રોક લગાવવા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની લડાઈમાં દોઢ વર્ષથી રોજ 100થી વધુ લોકોની ટીમ ખડેપગે, પણ હજુ ઘણા વિસ્તારોમાં વપરાશ બેરોકટોક
કેન્દ્ર સરકારે પ્લાસ્ટિકના વપરાશ સામે લગાવેલી રોક બાદ તેના અમલના ભાગરૂપે અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મ્યુનિ.એ અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા દોઢ વર્ષથી મ્યુનિ. આ પ્રતિબંધિત પ્લાસ્ટિકને રોકવા માટે ભારે પ્રયત્ન કરી રહ્યું છે. જોકે તે કારગત નીવડી રહ્યું નથી. શહેરમાં આ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની લડાઈમાં 100 ટીમ રોજ કામ કરી રહી છે તો પણ તેનો સંપૂર્ણ અમલ થઈ શકતો નથી. અધધ દંડની રકમ વસૂલી કે પછી એકમો સીલ કરવા છતાં પણ હજુ શહેરના તમામ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ બેરોકટોક થઈ રહ્યો છે.

કરિયાણાની દુકાનોમાં 40 માઇક્રોનથી જાડી પ્લાસ્ટિકની થેલી હોવાનો દાવો

- Advertisement -

શહેરની ઘણી કરિયાણાની દુકાનોમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાનો બેફામ ઉપયોગ થાય છે. નાગરિકોને પ્લાસ્ટિકની થેલીમાં જ તેઓ સામાન આપે છે. જોકે તેઓ 40 માઇક્રોનથી વધારે જાડા પ્લાસ્ટિકની થેલી આપતાં હોવાનો દાવો કરે છે. ક્યારેક એ‌વી થેલીઓ બતાવે છે, જેના પર લખ્યું છે કે, આ પ્લાસ્ટિક નથી, પરંતુ ખરેખર તે પ્લાસ્ટિક છે કે કેમ? તેની ચકાસણી કરવાનું કોઈ પણ પાત્ર મ્યુનિ.ના અધિકારીઓ પાસે નથી. એટલું જ નહિ, પણ પ્લાસ્ટિકની ચકાસણી ન થઈ શકવાને કારણે બેરોકટોક આ પ્લાસ્ટિકનો જથ્થો બજારમાં પગ કરી રહ્યો છે. હજારોની સંખ્યામાં રહેલા આવા કરિયાણા સ્ટોર પરથી રોજના લાખોની સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો શહેરમાં ઠલવાય છે.

રોજ લાખોની સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો વેપલો થાય છે
શહેરના શાકમાર્કેટમાં પણ બેરોકટોક રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી અપાઈ રહી છે. એક એક શાકભાજીની લારી ગણીએ તો ત્યાં માત્ર 25થી 50 પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી આપવામાં આવતી હોવાની ગણના કરીએ તો પણ રોજની લાખોની સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો વેપલો ચાલી રહ્યો છે. જે આખરે અલગ અલગ વસ્તુઓમાં પેક થઈ મ્યુનિ.ના કચરાની ગાડીઓમાં ઠલવાય છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો રાત્રે કાર કે ટેમ્પો મારફતે ઘૂસાડાય છે
અમદાવાદ શહેરની હદમાં હવે પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતા એકમો લગભગ બંધ થઈ ગયા છે. આ પ્રતિબંધિત પ્લાસ્ટિક મોટા ભાગે પંચમહાલ જિલ્લામાં તેમ જ અન્ય કેટલાક વિસ્તારમાં ઉત્પાદન થઈ રહ્યું છે. ગેરકાયદે ત્યાં બન્યા બાદ ત્યાંથી નાના ટેમ્પો કે કાર મારફતે મોટા શહેરમાં તે લવાય છે. રાત્રે ઊતરેલા પ્રતિબંધિત પ્લાસ્ટિક બીજા દિવસ સુધી તો શહેરના માર્કેટમાં ઘૂસાડાય છે.

મ્યુનિ. એ ઉત્પાદકો સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ

હાલમાં મ્યુનિ. દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ખરેખર જો પ્રતિબંધ લાદવો હોય તો પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારા લોકો પર કડક કાર્યવાહી કરવી જોઈએ. જો ઉત્પાદન જ બંધ થશે તે પછી તેના વેચાણ પર પણ પ્રતિબંધ આવી શકશે. માત્ર નાના વેપારીઓ અને લારી-ગલ્લાઓ પર કડક કાર્યવાહી કરીને કોઈ ચોક્કસ અંકુશ આવી શકશે નહીં. મ્યુનિ.એ ઉત્પાદકો પર પણ તપાસ કરવી જરૂરી છે.

હજુ શહેરના મધ્ય ઝોનમાં અનેક વિસ્તારમાં હોલસેલમાં વેચાય છે પ્રતિબંધિત પ્લાસ્ટિક
શહેરના મધ્ય ઝોનમાં કાળુપુર, ખાડિયા સહિતના કેટલાક વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થાબંધમાં ખાનગીમાં વેપલો ચાલે છે. જોકે ત્યાં ભાગ્યે જ દરોડો પડે છે. જો દરોડો પડે તો પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો દુકાનમાંથી નહિ, પણ લાવારીશ રીતે બહાર પડેલો મળે છે. આવી સ્થિતિને કારણે શહેરમાં બેરોકટોક રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે.

શહેરના ઘણા વિસ્તારોમાં ખારીકટ કેનાલની પાળી જ તૂટેલી હાલતમાં

શહેરના ઘણા વિસ્તારોમાં કેનાલો ખુલ્લી હાલતમાં રહેલી છે. ઘોડાસર વિસ્તારમાં નીકળતી ખારીકટ કેનાલની પાળીઓ ઘણી જગ્યાએ તૂટેલી તો સાવ જ નથી. આવી સ્થિતિમાં રાત્રિ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. આ મામલે અનેક વખત ફરિયાદો કરવામાં આવી પરંતુ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. મ્યુનિ.ને કહેવામાં આવે તો તે સિંચાય વિભાગમાં આવતું હોવાનું કહે છે જ્યારે સિંચાય વિભાગ મ્યુનિ.ની જવાબદારી હોવાનું કહીને હાથ ઊંચા કરી દે છે.

શું વૃક્ષનું ટ્રીમિંગ આ રીતે થાય? સેટેલાઇટમાં વૃક્ષને ટ્રીમ કરવાને બદલે નિકંદન કાઢી નખાયું

મ્યુનિ. કોર્પોરેશનની ટીમ વૃક્ષનું ટ્રીમિંગ કરવાને બદલે કાપવાનું કામ કરી રહી છે. તેમને વૃક્ષ કે પર્યાવરણ પ્રત્યે કોઈ જ સંવેદના નથી. જો તે સરકારનો જ એક ભાગ હોય તો તે સરકારના વધુ વૃક્ષ વાવવાના વિઝનથી વિપરીત છે. આ તસવીર સેટેલાઇટમાં ગુલમહોર મોલ સામે આવેલી આર્જવ સોસાયટી પાસેની છે. ગયા અઠવાડિયા મ્યુનિ.ની વૃક્ષનું ટ્રીમિંગ કરતી ટીમે એક સુંદર વૃક્ષને આખેઆખું કાપી તેનું નિકંદન જ કાઢી નાખ્યું.

Exit mobile version